Columns

ક્વીન એલિઝાબેથ 2, 70 વર્ષ સુધી વિશ્વમાં રાજવીપણાની ઓળખ સતત ઘૂંટનારી પ્રતિભા

એક હતો રાજા અને એક હતી રાણી. પણ ખરેખર તો રાજ રાણીએ જ કર્યું. પોતાના વંશ-વેલા પરિવાર અને રાજપાટને બરાબર મુઠ્ઠીમાં જકડી રાખવામાં રાણીએ ભારે જહેમત કરી, ક્યારેક કડક નિર્ણયોથી તો ક્યારેક કંઇક જતું કરીને. આખરે જીવનના સાડા નવ દાયકા જીવીને રાણીએ અંતિમ શ્વાસ લીધો. ક્વીન એલિઝાબેથ બીજાં જ્યારે 25 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા જ્યોર્જ છઠ્ઠાનું નિધન થયું અને 1952માં તેમણે બ્રિટશ રાજની ગાદી સંભાળી તે છેલ્લા શ્વાસ સુધી તેમણે એ જવાબદારી પોતાના હાથમાં જ રાખી. ઇતિહાસમાં કોઇ મહિલાએ આટલું લાબું શાસન કર્યું હોવાનો શ્રેય એલિઝાબેથ બીજાંને જાય છે.

બ્રિટનના ૧૫ વડા પ્રધાન સાથે પણ તેમણે કામ કર્યું અને ગયા અઠવાડિયે ઑફિસમાં પ્રવેશેલા લિઝ ટ્રસના આગમન વખતે તે જ બ્રિટનના સૌથી ઉચ્ચ રાજવી પદે હતાં. અમેરિકાના 14 પ્રમુખોમાંથી 13ને તે મળ્યાં છે અને અનેક રાજવી પ્રસંગોથી માંડીને રાજ્ય સંબંધિત કાર્યક્રમો માટે વિવિધ રાષ્ટ્રો, રાજ્યોની મુલાકાતો લીધી છે. ક્વીન એલિઝાબેથે ઇતિહાસ રચ્યો છે એટલું જ નથી તે પોતે ઇતિહાસ છે. બ્રિટનની ૧૦૦૦ વર્ષ જુની રાજગાદી પર સૌથી લાંબો સમય શાસન કરનાર ક્વીન એલિઝાબેથનું જીવન એટલે કે એવી વાસ્તવિકતા જ્યાં રાજા-રાણીની કથાઓનું વાર્તા તત્ત્વ આજે પણ યથાવત્ છે.

આખી દુનિયામાં પહેલાંની સરખામણીએ રાજવીઓનું શાસન હવે ઘણું ઓછું થયું છે. આજે પણ વિશ્વમાં 44 મોનાર્કીઝ છે જેમાંથી 13 એશિયામાં છે, 12 યુરોપમાં છે, 10 ઉત્તર અમેરિકામાં છે, 6 ઓશિયાનામાં છે અને આફ્રિકામાં છે. દક્ષિણ અમેરિકામાં કોઇ મોનાર્કીઝ નથી. જ્યારે બ્રિટને રાજાશાહીમાંથી લોકશાહી તરફનો બદલાવ સ્વીકાર્યો ત્યારે પણ મોનાર્કી – એટલે કે રાજાશાહી એક બંધારણીય આવશ્યકતા હતી, તેનું સન્માન યથાવત્ અને વડાપ્રધાન એટલે કે સાર્વભૌમના પ્રથમ પ્રધાન. બ્રિટનના મામલે વડા પ્રધાન સરકારના વડા છે પણ રાષ્ટ્રના વડા નથી. બ્રિટનના રાજવી પરિવારની અને તેના વડાની સૌથી મોટી જવાબદારી એ રહી કે દેખીતી રીતે સામાન્ય લોકશાહી લાગતા રાજ્યમાં એક વારસાગત રાજાશાહી છે રાજકારણથી પણ ઉપર છે અને રાષ્ટ્રના મૂલ્યોનુ પ્રતિનિધિત્વ કરે છે.

ક્વીન એલિઝાબેથ બીજાં ગાદી પર હતાં તે દરમિયાન અધધધ ઘટનાઓ ઘટી છે. તેમણે યુદ્ધો જોયાં, મંદી જોઇ, પડી ભાંગતી અર્થ વ્યવસ્થા જોઇ, મહામારીઓ જોઇ, બ્રેક્ઝિટ સુદ્ધાં જોઈ. વાત માંડવા બેસીએ તો પછી ઘણાં બધાં મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે. જો કે અમુક બાબતો એવી છે કે ક્વીન એલિઝાબેથના ઉલ્લેખ સાથે તેને કોઇને કોઇ રીતે ટાંકી જ લેવાય છે. માર્ગારેટ થેચર અને પ્રિન્સેસ ડાયના – આ બે મજબુત સ્ત્રીઓનો સાથેની ક્વીન એલિઝાબેથની ત્રિરાશીઓની વાત તો કરવી જ રહી.
બ્રિટનનાં વડાપ્રધાન માર્ગારેટ થેચર અને ક્વીન એલિઝાબેથ વચ્ચેના સંબંધો ખુબ જટિલ હતાં. 11 વર્ષ સુધી બ્રિટનના વડાપ્રધાન રહેલાં માર્ગારેટ થેચર અને બ્રિટનના રાણી વચ્ચે હંમેશા બહુ ડ્રાય અને ઔપચારિક સંબંધો રહ્યા.

આમ તો ક્વીન હંમેશા રાજકારણથી છેટું રાખતા પણ છતાં ય ક્વીનને લાગતું હતું કે વડાપ્રધાન ‘અનકેરિંગ’ છે. દક્ષિણ આફ્રિકા પર શાસનના મામલે રંગભેદી નીતિ અને તેને લગતા પ્રતિબંધો લાદવાનો માર્ગારેટનો કટ્ટર ઇન્કાર ક્વીનને કઠતો હતો. તેમને લાગતું હતું કે થેચર વગર કારણના સંઘર્ષો ખડા કરે તેવા છે. વડાપ્રાધન માર્ગારેટ થેચર આવા કોઇ પ્રતિબંધોની તરફેણમાં નહોતા જેનાથી શ્વેત અને અશ્વેત વચ્ચેનો અલગાવ ચાલુ રહે, આ મામલે તે બીજા કોમનવેલ્થ દેશોની સાથે સંમત નહોતા. મીડિયામાં અવારનવાર થેચર અને ક્વીન વચ્ચેના તંગ સંબંધો વિશે લખાયું.

જો કે થેચરે પોતાની આત્મકથામાં એમ લખ્યું હતું કે મીડિયાએ ભલે એમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે ડાઉનિંગ સ્ટ્રીટ અને પેલેસ વચ્ચે વિખવાદો છે પણ ક્વીને સરકારના કામ પ્રત્યે હંમેશા યોગ્ય અભિગમ રાખ્યો. આ તો રાજકારણ અને રાજવી વચ્ચેના સંબંધોની વાત હતી પણ દીકરા ચાર્લ્સની પત્ની પ્રિન્સેસ ડાયના સાથે ક્વીનના સંબંધો પણ હંમેશા ચર્ચાનો વિષય રહ્યા. પ્રિન્સ ચાર્લ્સ પહેલેથી જ કેમિલા પાર્કર સાથે સંબંધોમાં હતાં છતાં પણ ડાયના સાથે તેમણે લગ્ન કર્યા. ડાયના ડિપ્રેશન અને બુલિમિયાનો શિકાર બની.

તેના વહેવાર પ્રત્યે સમયાંતરે ક્વીન એલિઝાબેથનું વલણ બદલાયું, તે તેને અમુક હદે સમજ્યા અને તેમની વચ્ચેનો સંબંધ બહેતર બન્યો. ડાયનાએ રોયલ બાયોગ્રાફર ઇનગ્રિડ સીવૉર્ડને એમ પણ કહ્યુ હતું કે તેનાં સાસુ વિશ્વના શ્રેષ્ઠ સાસુ છે. પણ પ્રિન્સ ચાર્લ્સ સાથે સંબંધ બગડ્યા એટલે સાસુમા સાથે પણ સમસ્યાઓ થઇ, ડાયનાના વધુ પડતા સંવેદનશીલ સ્વભાવ સામે ક્વીન એલિઝાબેથને વાંધો હતો. તે બન્ને આગવી પ્રતિભા ધરાવનારી સ્ત્રીઓ હતી અને ક્યારેય એકબીજા સાથે મોકળાશથી વાત ન કરી શકી. ક્વીન વિશે એમ પણ કહેવાયુ કે તે ઘરની સમસ્યાઓ ઉકેલવાની માથાકુટને બદલે કામમાં વ્યસ્ત રહેવાનું પસંદ કરતાં. ડાયના પ્રિન્સ ચાર્લ્સથી છૂટી પડી અને તેનું મોત થયું તે પછી તેને રોયલ ન ગણવાની રાજવી પરિવારની જડતા પણ લોકોને કઠી ગઇ.

રાજવીપણું જેટલું ક્વીન એલિઝાબેથ જાળવી શક્યાં તેવું તો કદાચ બીજું કોઇ નહીં જાળવી શકે. ક્વીન એલિઝાબેથ આખી દુનિયાનાં રાણી હતાં એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આકસ્મિક રીતે જ રાજગાદી પર સ્થપાયેલાં લિલિબેટે, ક્વીન એલિઝાબેથ બીજાંનું ટાઇટલ સ્વીકારીને બહુ શાલિનતાથી, નિષ્ઠાથી તો ક્યારેક રાજવી જડતાથી પોતાના નાગરિકો માટે પોતાનું જીવન અર્પી દીધું. એક રિપોર્ટ અનુસાર ક્વીનનાં એક બાળપણનાં મિત્ર સોનિયા બેરીએ એક અખબારને કહ્યું હતું કે, “શક્ય હોત તો ક્વીન એલિઝાબેથ બીજાંએ પોતાને માટે બહુ જુદી જિંદગી પસંદ કરી હોત. મોકો મળ્યો હોત તો તે લગ્ન કરી, પોતાનાં કુતરાં અને અશ્વો સાથે શાંતિથી રહ્યા હોત. સત્તા પર, ટોચ પર – જિંદગી સતત એકલવાઇ હોય છે, ભલેને તમે રાણી શું કામ ન હો.”

Most Popular

To Top