Columns

ઇસ્લામ એની જગ્યાએ સુરક્ષિત છે, મુસલમાન સુરક્ષિત નથી

સલમાન રશ્દી પર હુમલો થયો એ પછી હું આતુરતાથી રાહ જોતો હતો કે એ જઘન્ય ઘટનાની ભારતમાં અને વિશ્વમાં કેટલા મુસલમાનો નિંદા કરે છે અને જો કરે છે તો કેવી રીતે કરે છે. મારી જેમ તમે પણ નોંધ્યું હશે કે ભાગ્યે જ કોઈ પ્રતિષ્ઠા અને વગ ધરાવનારા મુસલમાનોએ એ ઘટનાની નિંદા કરી હશે. ‘ધ ઇન્ડિયન મુસ્લિમ્સ ફોર સેક્યુલર ડેમોક્રસી’ નામના જૂથે નિવેદન બહાર પાડીને એ ઘટનાની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરી હતી પણ એમાં એવા લોકો છે જેની કોઈ મોટી ઓળખ નથી અને આમ મુસ્લિમ સમાજ સાથે તેમનો ખાસ સંબંધ નથી. શા માટે?

એક કારણ એવું આપવામાં આવે છે કે તેઓ ઢોંગી છે. જે દેશમાં મુસ્લિમ લઘુમતીમાં હોય એ દેશ સેક્યુલર હોવો જોઈએ અને જ્યાં મુસ્લિમ બહુમતીમાં હોય ત્યાં એ દેશ ઇસ્લામિક હોય અને વિધર્મીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હોય તો તેની સામે તેમને કોઈ વાંધો નથી. તેમની સેકયુલરિઝમ પરની નિષ્ઠા સ્વાર્થપરક પસંદગીની છે. વિશ્વભરમાં મુસ્લિમ વિચારકો અને વગદાર મુસલમાનોનું વલણ જોતાં આમ માનવાને કારણ છે પણ તેઓ આવું વલણ શા માટે અપનાવે છે અને તેની પાછળની તેમની મજબૂરી શી છે એ સમજવાની આપણે કોશિશ નથી કરતા. તેમની મજબૂરી એ છે કે માનવતાના પક્ષે ઊભા રહેવા માટે, વિવેકના પક્ષે ઊભા રહેવા માટે, બુદ્ધિગમ્યતાના પક્ષે ઊભા રહેવા માટે, આધુનિક જરૂરિયાતના પક્ષે ઊભા રહેવા માટે તેમણે પ્રમાણો તો ઇસ્લામમાંથી શોધવાં પડે છે.

તેઓ ઇસ્લામના ધર્મવચનો અને પ્રણાલીઓનો સહારો લઈને પ્રત્યેક મુસલમાન આધુનિક સેક્યુલર અને ઉદારમતવાદી બને એવો પ્રયાસ કરતા જ રહે છે. આમ કરવામાં તેમની મજબૂરી એ છે કે પ્રમાણ કે પ્રકાશ ઇસ્લામમાંથી જ એટલે કે શરિયત (કુરાન અને હદીસ)માંથી મળવાં જોઈએ. પરમ કૃપાળુ ભગવાને સમયે સમયે માનવજાતના ઉદ્ધાર માટે અનેક પેગંબર મોકલ્યા હતા. એ પેગંબરોએ જેતે પ્રજાના ઉદ્ધાર માટે માર્ગ કંડારી આપ્યો હતો અને એ માર્ગે લોકો ચાલ્યા હતા. એ પછી ભગવાનને લાગ્યું હતું કે વિવિધ પેગંબરોએ જે ઉપદેશ આપ્યા છે અને જે માર્ગ બતાવવામાં આવ્યા છે.

એમાં અનેકવિધતા છે એકવાક્યતા નથી અને વિરોધાભાસો છે એટલે પરમ કૃપાળુ ઈશ્વરે મહમ્મદને પેગામ (સંદેશ) લઈને પેગંબર તરીકે મોકલ્યા હતા અને મહમ્મદ દ્વારા કહેવડાવ્યું હતું કે આ આખરી પેગામ છે, મહમ્મદ આખરી પેગંબર છે, આ વખતનો પેગામ મીનમેખ વિનાનો સંપૂર્ણ છે, વિશ્વની દરેક પ્રજા માટે એટલે કે સકળ સંસાર માટે છે, અત્યારની અને આવનારી પેઢીઓ માટે છે, એ પેગામને અનુસરવામાં કોઈ મીનમેખ ન થાય એમાં મુસલમાનનું કલ્યાણ છે. (આનો અર્થ એ થયો કે જો મીનમેખ કરવામાં આવશે તો મુસલમાનનું અહિત થશે અને મીનમેખ કરનાર પાપી ગણાશે.)

આ ઇસ્લામનો હાર્દ છે. દરેક મુસલમાન ઈબાદત વખતે આ પઢે છે. 1400 વરસથી આ પઢતો આવ્યો છે એટલે આ ધારણા તેમના જીવનનો હિસ્સો બની ગઈ છે. સત્ય-અસત્ય, ન્યાય-અન્યાય, માનવીય-અમાનવીય, હિત-અહિત બધું જ ઈસ્લામને અનુસરવામાં અને નહીં અનુસરવામાં છે. ઇસ્લામ સંપૂર્ણ ધર્મ છે, આખરી ધર્મ છે અને મહમ્મદ આખરી પેગંબર છે એટલે હવે તેને નિઃશંક બનીને અનુસરવા સિવાય મુસલમાનો પાસે બીજો વિકલ્પ નથી. ઊલટું જે લોકો હજુ મુસલમાન નથી થયા તેમને મુસલમાન બનાવીને સાચા માર્ગે લઈ આવવા એ મુસલમાનનું કર્તવ્ય છે. સંસારના દારૂણ દોજખનો અંત ત્યારે આવશે જ્યારે સંસાર ઇસ્લામનો ઈમાનદારીથી સ્વીકાર કરશે. સરેરાશ મુસલમાન આમ પ્રામાણિકતાથી માને છે, તેઓ આમાં કરૂણાભાવ ધરાવે છે અને આપણે તેમની પ્રામાણિકતાનો સ્વીકાર કરવો જોઈએ. 1400 વરસથી આ માન્યતા સાથે તે જીવતો આવ્યો છે.
પણ આ તો મુસલમાનની પેગંબરચિંધ્યી માન્યતા થઈ. ઇસ્લામ ધર્મનો પાયાનો સિદ્ધાંત થયો. ઇસ્લામની ઈમારતનો પાયાનો પથ્થર થયો પણ વાસ્તવિકતા આનાથી ઊલટી છે. વાસ્તવિકતા એ છે કે જગતના બીજા તમામ ધર્મોની માફક ઇસ્લામ પણ સ્થળ અને કાળની મર્યાદાઓથી ગ્રસ્ત છે. જગતમાં એવું ઘણું બની રહ્યું છે જેના વિશેના ખુલાસા ઇસ્લામમાં મળતા નથી. બીજી વાસ્તવિકતા એ છે કે છેલ્લા 1400 વરસ દરમ્યાન ઇસ્લામ ધર્મની ઈમારતમાં પણ ઘણી ક્ષતિઓ પ્રવેશી છે. આખરે જે લોકો ધર્મ સાથે કામ પાડે છે એ મૌલાનાઓ અને આલિમો અંતે તો માણસ હતા અને છે. 1400 વરસ દરમ્યાન તેમણે તેમની મર્યાદાઓ અને સ્વાર્થો ઇસ્લામની ઈમારત ઉપર મઢ્યાં છે.

હવે સ્થિતિ જુઓ. મારી દૃષ્ટિએ કરૂણ છે. જગતભરમાં મુસલમાનો ઉપર કહી એમાંની પહેલી વાસ્તવિકતાનો સ્વીકાર કરતા નથી પણ બીજીનો કરે છે. ઇસ્લામ ધર્મ સંપૂર્ણ છે પણ તેની સાથે કામ પાડનારાઓ અધૂરા છે. આનું પરિણામ એ આવ્યું અને જે તમે જોતા પણ હશો કે મુસલમાનોમાં આપસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. જે ધર્મ અભડાઈ જ ન શકે એ ધર્મને અભડાવવાની ચેષ્ટા કરી કોણે? ઇસ્લામની ચિંતા નથી, એ તો સંપૂર્ણ ધર્મ છે, એ કોઈ પણ સંજોગોમાં અભડાવાનો નથી; પણ તેને અભડાવવાની ચેષ્ટા કરનારને ક્ષમા ન હોય. આમ જગતમાં, ખાસ કરીને મુસ્લિમ બહુમતી દેશોમાં મુસલમાનો એકબીજાને ત્રાજવે તોળે છે અને દંડે છે. ઇસ્લામ એની જગ્યાએ સુરક્ષિત છે, મુસલમાન સુરક્ષિત નથી. ઈસ્લામને નહીં સમજનારા, શરિયતના શબ્દાર્થ (અભિધા) છોડીને વ્યંજના દ્વારા પહોળા અર્થઘટન કરનારા, ઈસ્લામને નામે પોતાનો સ્વાર્થ સાધનારા, ઇસ્લામની તોહીન કરનારા, ખુદા અને પેગંબરનું અપમાન કરનારા, નવા ચીલા પાડનારા, ખુદા કે પેગંબરની બરાબરી કરનારા, પોતાને ઇસ્લામના ઈમામ તરીકે સ્થાપનારાઓ ક્ષમાને પાત્ર નથી. મુસ્લિમ વિશ્વમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. સરેરાશ રોજ 100 મુસલમાન મુસલમાન દ્વારા મરી રહ્યા છે.

ઇસ્લામરૂપી સૂર્ય તો એની જગ્યાએ સ્થિર છે અને ઝળહળી રહ્યો છે, સૂર્યપ્રકાશને અવરોધનારાઓ મોટી સંખ્યામાં પેદા થયા છે અને એમાંના મોટાભાગના મુસલમાનો છે માટે મુસલમાન પાપી મુસલમાનને મારે છે. પાપી પાપી છે કે નહીં તેનો ફેંસલો તે પોતે જ કરી લે છે. સવાલ એ છે કે ખુદાએ પોતે માનવના કલ્યાણની ચિંતા કરી હતી અને તેને એમ લાગ્યું હતું કે માણસને આખરી અને કાયમી રાહ બતાવી દેવો જોઈએ તો પછી એ માર્ગના પ્રવાસીઓ ભટકી કેમ પડ્યા? બીજા અધૂરા ધર્મના અનુયાયીઓ ભટકી પડે એ તો સમજી શકાય એમ છે, સંપૂર્ણ ધર્મના અનુયાયીઓ કેમ ભટકી પડ્યા? તો શું ઇસ્લામ પણ અપૂર્ણ છે? ઇસ્લામ સ્થળ અને કાળના પ્રશ્નોને હાથ ધરવામાં પાછો પડે છે? ખાસ કરીને આધુનિક યુગમાં જે નવા વિશ્વે આકાર લીધો છે એના પ્રશ્નો હાથ ધરવામાં ઇસ્લામ પાછો પડે છે? આધુનિક યુગમાં જગતે જે નવાં મૂલ્યો અપનાવ્યાં છે એ ઇસ્લામ-વિસંગત છે? પણ મુસલમાનને ઇસ્લામ તરફ નજર કરવાની મનાઈ છે અને એ મનાઈ મુસલમાનોએ આત્મસાત કરી લીધી છે.

મુશીરુલ હસને ભારતીય રાષ્ટ્રવાદ અને ભારતીય મુસલમાનો ઉપર અંગ્રેજીમાં જે પુસ્તક લખ્યું છે તેમાં ઉલ્લેખ છે કે 1911થી 1951ના ચાર દાયકામાં મૌલવીઓએ 1.47,000 ફતવાઓ બહાર પાડ્યા હતા. 40 વરસમાં દોઢ લાખ ફતવા? મેં હિસાબ માંડ્યો તો રોજના સરેરાશ 10 ફતવા. અહીં ફતવા શું છે એ સમજી લઈએ. વર્તમાનમાં જીવનારા મુસલમાન સામે વર્તમાનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય અને શરિયતમાં તેનો કોઈ દેખીતો જવાબ ન મળતો હોય તો એક સાચા મુસલમાન તરીકે તેણે શું કરવું?

હવે તેના મનમાં આવી દુવિધા પેદા થઈ છે તો તેનાં બે કારણ છે. એક તો એ કે એક સાચા મુસલમાન તરીકે તે ઇસ્લામના માર્ગથી વિપરીત જવા માગતો નથી. બીજું કારણ એ છે કે તે ઈસ્લામને ત્રાજવે એકબીજાને તોળનારાઓ અને દંડનારાઓથી ડરે છે. જોખમ ઉઠાવવા કરતાં મૌલવીની સલાહરૂપી પ્રમાણપત્ર મેળવવું વધારે સારું. હવે મુશીરુલ હસને 1911-1951નો ફતવાનો જે આંકડો આપ્યો છે એના સૂચિતાર્થ તપાસો: એક. રોજ સરેરાશ 10 મુસલમાનોને જેતે બાબતને લઈને શરિયતમાંથી જવાબ નથી મળતો અને આ તો ભારતીય મુસલમાનોનો આંકડો છે અને 100 વરસ પહેલાંના યુગનો આંકડો છે.

આજના યુગમાં ભારતમાં અને જગતમાં કેટલા મુસલમાનો આવું ધર્મસંકટ અનુભવતા હશે? આટલી મોટી સંખ્યામાં જો મુસલમાનોને શરિયતમાંથી જવાબ ન મળતો હોય તો વિવેકી મુસલમાનોએ વિચારવું જોઈએ અને કબૂલ કરવું જોઈએ કે 1400 વરસ દરમ્યાન દુનિયા એટલી આગળ નીકળી ગઈ છે જેની કલ્પના ઇસ્લામના પેગંબરે નહોતી કરી. બે. કોઈક કોઈક જગ્યાએ શરિયત ચૂપ હોવા છતાં મૌલવીઓ તેમાં સાંપ્રત સંદર્ભમાં જરૂરિયાત મુજબ અર્થ ભરીને તેને બોલતી કરે છે અને પછી વિવિધ અર્થઘટનો વચ્ચે ધીંગાણાં થાય છે. આમાં કયું ડહાપણ છે?

પણ પહેલ કોણ કરે? ઇસ્લામની સંપૂર્ણતા, તેની સર્વોપરિતા, તેની સર્વકાલીનતા અર્થાત્ તેની સ્થળ-કાળ નિરપેક્ષતા, તેની સાર્વભૌમિકતા વિષે શંકા કરવાની મનાઈ છે. માટે વિચારશીલ મુસલમાનોએ મૂલ્યોની વકીલાત કરતી વખતે શરિયત પાસે જવું પડે છે. ઇસ્લામનો હવાલો આપ્યા વિના કોઈ મૂલ્ય સ્વયંસિદ્ધતા અને પ્રાસંગિકતા ધરાવતા નથી. મૂળભૂત માનવીય મૂલ્ય મૂળભૂત રીતે માનવીય છે અથવા કોઈ ચીજ સાંપ્રત યુગમાં પ્રાસંગિક છે, મુસલમાનો માટે હિતકારી છે એટલે કોઈ પણ પ્રકારના પુષ્ટિનાં પ્રમાણો આપ્યા વિના કે માગ્યા વિના તેનો સ્વીકાર થવો જોઈએ એમ કહેવું વિવેકી મુસલમાનો માટે મુશ્કેલ પડે છે.

પણ તો પછી આનો ઉપાય શો? ઉપાય તો દેખીતો છે પણ તે મુસલમાનોએ જ અપનાવવો પડશે. મૂલ્યોને અને આધુનિક યુગનાં કેટલાંક હિતકારી તત્ત્વોને ઇસ્લામનિરપેક્ષ અભિગમ અપનાવીને અપનાવવાની વકીલાત કરવામાં આવે. આ રીતે જોતાં મને ‘ધ ઇન્ડિયન મુસ્લિમ્સ ફોર સેક્યુલર ડેમોક્રસી’એ બહાર પાડેલા નિવેદનમાં એક વાત ગમી. નિવેદન ઉપર સહી કરનારાઓ ભલે વગદાર મુસલમાન નથી પણ તેમણે સહિષ્ણુતાના મૂલ્યને શરિયતનાં વચનોનો હવાલો આપ્યા વિના કે એવો કોઈ પ્રયાસ કર્યા વિના એક સ્વયંસિદ્ધ મૂલ્ય તરીકે સ્વીકારવાની હિમાયત કરી છે. તેમને આવી પહેલ માટે સલામ. હવે પછી બીજાં મૂલ્યોની પણ આ રીતે હિમાયત થવી જોઈએ.

Most Popular

To Top