SURAT

સુરતની સચિન GIDCમાં કોકાકોલાનું ઉત્પાદન કરતી કંપનીમાં બ્લાસ્ટ, 10 ઘાયલ, 1નું મોત


સુરત : સચિન જીઆઇડીસી સ્થિત કોકાકોલાની કંપનીમાં શનિવારે રાત્રીના 10 વાગ્યાના અરસામાં અચાનક બોઇલર ફાટતા આગ ફાટી નીકળી હતી. આ આગ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે 10 થી વધુ વ્યક્તિઓને ઇજા થઇ હતી, ફાયર વિભાગની ટીમે અંદાજીત 15 થી વધુ વ્યક્તિને સહિ-સલામત બહાર કાઢ્યા હતા.


ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે સચિન જીઆઇડીસીના રોડ નંબર-24 ઉપર હિન્દુસ્તાન પેટ્રોલ પંપની સામે આવેલી અનુપમ રાજસ્થાન ઇન્ડિયા પ્રા.લિ. નામની કંપની કોકાકોલાનું ઉત્પાદન કરે છે. આ કંપનીમાં શનિવારે રાત્રીના 10 વાગ્યાના અરસામાં બોઇલરમાં સ્પાર્ક થયા બાદ બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે મોટો ધડાકો થયો હતો. બ્લાસ્ટ થતાની સાથે જ આજુબાજુના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને તેઓ કંપનીની બહાર દોડી આવ્યા હતા.

આગનો કોલ મળતાની સાથે જ સુરત ફાયર વિભાગમાંથી ડુંભાલ અને પાંડેસરા ફાયર સ્ટેશન સહિતની કુલ્લે આઠ જેટલી ગાડીઓને રવાના કરવામાં આવી હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, આ ઉપરાંત અંદાજીત 10 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ફાયર વિભાગના કહેવા પ્રમાણે આ આગમાં 15 થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને તેઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાના દોઢ કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

Most Popular

To Top