SURAT

સરકારી કોન્ટ્રાક્ટરોનો હિંમતભર્યો નિર્ણય, સરકાર આ વાત નહીં માને તો ટેન્ડર ભરશે નહીં, બ્રિજ-રોડના કામ અટકી જશે

સુરત: સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ લેતા સરકારી કોન્ટ્રાકટરો (Government contractors) દ્વારા રો-મટિરિયલ્સના (Raw-Materials) વધેલા ભાવોને કારણે આવતીકાલે તા.8મીથી કોઈપણ સરકારી ટેન્ડરો (Government tenders) નહીં ભરવાનો નિર્ણય લીધો છે. જો સરકાર નહીં સાંભળે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચિમકી આપવામાં આવી છે.

ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના નેજા હેઠળ ‘દક્ષિણ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસીએશન’ (South Gujarat Contractors Association) ની એક મીટિંગ (meeting) સુરત ખાતે યોજાઈ હતી. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં સરકારી કામ કરતાં કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યાં હતાં. કોન્ટ્રાકટરોના પ્રતિનિધિ જે.એમ.શાહ, આર.આર.ગોંડલીયા, જે.પી.ધૂમ, વાય.એન.ધાનાણી, આર.એન.ડોબરીયા, કે.કે.ભાલાળા, જનકભાઈ તેમજ પરેશભાઈના જણાવ્યા મુજબ આ મીટિંગ રસ્તા, પુલો, મકાનો, ડ્રેનેજ, પાણી પુરવઠા, સિંચાઈ જેવા રાજ્યના વિકાસના કામો કરતાં સરકારી કોન્ટ્રાક્ટરોના ઘણાં લાંબા સમયના પડતર પ્રશ્નો જેવા કે કોરોના પછી એકદમ તમામ મટિરિયલમાં થયેલા ભાવ વધારાના તફાવતનું માર્કેટ રેટ મુજબનું સરકારમાંથી બાકી ચુકવણું, આયાતી ડામર બાબતે સરકારનું ભેદી વલણ, સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટ બાબતે કોન્ટ્રાક્ટરો ને થતો અન્યાય,જી.એસ.ટી ના રિવાઇઝડ દર વિગેરે બાબતો ની વિસ્તૃત ચર્ચા થઇ હતી.

સરકાર સાંભળે નહીં તો આંદોલનની ચિમકી ઉચ્ચારી

કોન્ટ્રાકટરો દ્વારા સરકારમાં વારંવાર રજુઆત કરવા છતાં પણ ઇજારદારોને સાંભળવાનો કે કોઈ હકારાત્મક નિર્ણય ઉપર પહોંચવાનો સરકારનો ઈરાદો ન દેખાતાં અંતે ‘ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન’માં લેવાયેલા નિર્ણયને સાથ આપી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના સરકારી કોન્ટ્રાક્ટરોએ આવતીકાલે તા.8મી જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં કોઈ પણ ટેન્ડર અચોક્કસ મુદત માટે અથવા સરકારમાંથી હકારાત્મક નિર્ણય આવે ત્યાં સુધી ન ભરવા માટે બાંહેધરી આપી હતી અને વધુમાં આમ કરવા છતાં પણ સરકાર ન સાંભળે તો અન્ય જલદ આંદોલન કરવાની ચિમકી આપી છે.

Most Popular

To Top