Charchapatra

પ્રદક્ષિણા પરિક્રમા

 ‘‘સત્સંગ’’ પૂર્તિમાં શ્રી સનત દવેએ ‘‘પ્રદક્ષિણા પરિક્રમા’’ શબ્દની સમજણ આપતાં યોગ્ય જ લખ્યું છે વ્યકિત દ્વારા જે થાય છે ભાવ-ભક્તિ પૂર્વક તે પ્રદક્ષિણા કહેવાય છે અને શ્રધ્ધાળુ અને ભાવિકોના સમૂહ દ્વારા થાય છે તે પરિક્રમા કહેવાય છે. વ્યકિત દ્વારા કોઈ ઈષ્ટની મૂર્તિ-મંદિર કે યજ્ઞ જેવા કર્મકાંડ થયા પછી તે વેદીની પ્રદક્ષિણા થતી હોય છે. તે જ રીતે ભાવિકોના સમૂહ દ્વારા ગિરનારજીની નર્મદાજીની પરિક્રમા કરવાની પ્રથા ચાલી આવે છે. તે સિવાય પણ અન્ય ઘણાં ધાર્મિક સ્થાનોની પરિક્રમા થતી રહે છે ત્યારે પ્રદક્ષિણા અને પરિક્રમા અંગે  ચિંતક શ્રી રજનીશજીએ જે સમજણ આપી હતી તે સ્મરણપટ ઉપર તરી આવી. તેમણે લખ્યું હતું: પરિક્રમા બહુધા નદી પર્વત-વનોની થાય છે, જે દર્શાવે છે કે પરિક્રમા દ્વારા મનુષ્ય પ્રકૃતિની નજીક રહે છે તેથી તેને પ્રકૃતિને સમજવાનો તેનાં પ્રત્યેક માટે રહેલા મૂલ્યને જાણવાનો અવસર પણ મળે છે. ખરેખર પરિક્રમાનો મૂળ ભાવ આ છે અને પ્રદક્ષિણા અંગે તેમણે લખ્યું છે. પ્રદક્ષિણા વ્યકિતગત મૂર્તિ-મંદિર યજ્ઞવેદીની થાય છે. પ્રદક્ષિણા, સમયે મનુષ્ય પોતાના શરીર લઈને કરતો હોય છે તેમાં તનને ફેરવવા કરતાં ઈષ્ટ એટલે ભગવાન કહો, પરમાત્મા કહો કે પ્રકૃતિ કહો, તેની પ્રદક્ષિણા તન કરતાં પણ મન અને આત્મીય ભાવથી કરવી રહી. તેથી તન તો પ્રતીક છે પણ સમગ્ર જીવન જ ઈષ્ટની પ્રદક્ષિણા કરતું રહે તેવું સમજીને જીવન વ્યતીત કરવાની પ્રદક્ષિણા શીખ આપે છે. આમ પરિક્રમા અને પ્રદક્ષિણા અંગે શ્રી રજનીશજીની વાતમાં પણ તથ્ય જણાય છે.
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top