પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત કરી છે. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજી રાઉન્ડની શાંતિ વાટાઘાટો જેને “ઇસ્લામાબાદ ટોક્સ 2.0” તરીકે ઓળખવામાં આવી રહી છે લઈને અનિશ્ચિતતા વધી રહી છે.
માહિતી મુજબ, લગભગ 45 મિનિટ સુધી ચાલેલી આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ઊભી થયેલી હાલની તણાવપૂર્ણ પરિસ્થિતિ અને ક્ષેત્રિય સુરક્ષા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. શહબાઝ શરીફે પેજેશ્કિયનને ખાતરી આપી કે પાકિસ્તાન ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે મધ્યસ્થ તરીકે પોતાની ભૂમિકા નિભાવવા પ્રતિબદ્ધ છે.
ખાસ વાત એ છે કે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે બીજી રાઉન્ડની ચર્ચા થવાની જાહેરાત કરી છે. પરંતુ અત્યાર સુધી ઈરાન તરફથી આ વાટાઘાટોમાં ભાગ લેવા અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, જેના કારણે રાજનૈતિક સ્તરે સસ્પેન્સ વધ્યું છે.
યાદ રહે કે 11 અને 12 એપ્રિલે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રથમ રાઉન્ડની સીધી વાટાઘાટો યોજાઈ હતી, પરંતુ આ ચર્ચાઓ કોઈ અંતિમ સમજૂતી વિના પૂર્ણ થઈ હતી. ઈરાનના પરમાણુ કાર્યક્રમ, આર્થિક પ્રતિબંધો, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ સામેલ હતા.તાજેતરમાં પાકિસ્તાન સતત બંને દેશો વચ્ચે સંવાદ ચાલુ રાખવા માટે રાજનૈતિક પ્રયાસો કરી રહ્યું છે. શહબાઝ શરીફે પણ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના મતભેદો દૂર કરવા માટે પાકિસ્તાન સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યું છે અને બીજી રાઉન્ડની ચર્ચા શક્ય છે.
બીજી તરફ, ઈરાને અમેરિકાની કેટલીક શરતોને “અવાસ્તવિક” ગણાવીને નવી વાટાઘાટોમાં ભાગ લેવા અંગે શંકા વ્યક્ત કરી છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને પરમાણુ કાર્યક્રમ જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે હજુ પણ ગંભીર મતભેદ યથાવત છે.
આ સ્થિતિમાં શહબાઝ શરીફ અને પેજેશ્કિયન વચ્ચે થયેલી તાજી વાતચીતને મહત્વપૂર્ણ રાજનૈતિક પગલું માનવામાં આવી રહી છે. હવે નજર એ પર છે કે શું ઈરાન “ઇસ્લામાબાદ ટોક્સ 2.0” માટે સહમત થશે કે નહીં કારણ કે આ ચર્ચાઓ મધ્ય પૂર્વની સ્થિરતા અને વૈશ્વિક ઊર્જા બજાર માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.