SURAT

કોર્ટ પાર્કિંગમાં ચપ્પુ મારવાના પ્રકરણમાં પોલીસે આખરે ફરિયાદ દાખલ કરી બેની ધરપકડ કરી

સુરતના કોર્ટ પાર્કિંગમાં હત્યાના આરોપીનું ચપ્પુ મારી તેનું અપહરણ કરી લેવાના ચકચારીત કેસમાં 24 કલાક બાદ ઉમરા પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો છે. આરોપીઓ શરૂઆતમાં પોલીસને સમાધાનની વાત કરીને ગોળગોળ ફેરવી રહ્યા હતા પરંતુ પો.કમિ. દ્વારા કરાયેલો આદેશ અને ઉમરા પીઆઈએ બાદમાં દાખવેલી સતર્કતાને પગલે બંને આરોપી પકડાઈ ગયા હતા. હાલ તો પોલીસે નિવેદનો લઇને વધુ તપાસ શરૂ કરી છે. કમિ અજય તોમરે ગુજરાતમિત્રના અહેવાલ બાદ ત્વરીત સતર્કતા દાખવીને કોર્ટ કેમ્પસમાં બનેલી આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, એક વર્ષ પહેલા સલાબતપુરાના ભાઠેના વિસ્તારમાં અલ્તાફ નામના યુવકની હત્યા થઇ હતી. અલ્તાફની હત્યા કરનાર આરોપી અબ્રાલ ઉર્ફે જુગનુ બુધવારે કોર્ટમાં હાજરી પુરાવવા આવ્યો હતો. આ દરમિયાન અલ્તાફના કાકાનો છોકરો અઝહર લખી અને તેના માણસોએ વોચ ગોઠવીને અબ્રાલને પકડી પાડ્યો હતો અને કોર્ટ કેમ્પસના પાર્કિંગમાં જ ચપ્પુના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. અબ્રાલનું અપહરણ કરીને રિક્ષામાં ભાઠેના લઇ જવાયો હતો, ત્યાં પણ તેને માર મારવામાં આવ્યો હતો. બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવીને રાત્રીના સમયે ઉમરા પોલીસમાં ગયા હતા. રાત્રીના 12 વાગ્યાના અરસામાં આરોપીઓ સમાધાન કરવાની વાતો કરીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આ સમગ્ર ઘટના અંગે ‘ગુજરાતમિત્ર’દ્વારા અહેવાલ પ્રકાશિત કરાયો હતો. આ ઘટનાને સુરતના પોલીસ કમિશનર અજય તોમરે ગંભીરતાથી લીધી હતી. આ સાથે જ ઉમરા પીઆઇ કિરણ મોદીએ પણ ઘટનાની ગંભારતાને લઇને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વારંવાર પોલીસને ચકમો આપતા આરોપીઓને પોલીસે રેલવે સ્ટેશન પાસેથી પકડી પાડ્યા હતા. ઉમરા પોલીસે અબરાર ઉર્ફે લસ્સી, અકરમ, આજમ તેમજ અત્તારની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે અબરાર ઉર્ફે લસ્સી તેમજ અકરમની ધરપકડ કરી હતી. પો.કમિ. તોમરે જણાવ્યું હતું કે, આ મામલો ગંભીર હતો તેથી તેઓએ જાતે તાકીદે કાર્યવાહી કરવા માટે ઉમરા પોલીસને આદેશ કર્યો હતો.

ઉમરા પીઆઇએ એક પીએસઆઇની ગાડી મોકલાવીને ફરિયાદ નોંધાવી

આ કેસમાં કમિ.ના આદેશને પગલે ઉમરા પીઆઇ કિરણ મોદીએ અંગત રસ દાખવ્યો હતો અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. સવારથી જ ઉમરા પોલીસને દોડતો કરી દેવામાં આવ્યો હતો. આરોપીઓ રેલવે સ્ટેશન પાસે હોવાની માહિતી મળતા ઉમરા પોલીસના એક પીએસઆઇ પોતાની પ્રાઇવેટ ગાડી લઇને ગયા હતા અને કારમાં જ નિવેદનો લઇને અબરાર ઉર્ફે લસ્સી તેમજ અકરમને પકડ્યા હતા. પોલીસે આ બંને આરોપીઓને પકડીને વધુ પુછપરછ શરૂ કરી છે

Most Popular

To Top