Vadodara

પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહનું 13 વર્ષના માસૂમ પર શક્તિ પ્રદર્શન

વડોદરા : છાણી પોલીસની પીસીઆર વાન પાસેથી દોડી જતા બાળકની ઉપર ઉશ્કેરાયેલા ચાલકે પાછળ દોડીને બાળકને પકડ્યો હતો અને આતંકવાદી સાથે કરે એવું માનવતા વિહીન કરીને માસૂમને લાફા અને લાતો ઝીંકી હતી. પોલીસની માનવતા વિહીન ક્રૂરતાની ઘટના સીસીટીવીના કેમેરામાં કંડારાઈ જતા પોલીસની આબરૂને ઢાંકવા રાતોરાત કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયો હતો. નંદેસરી બજાર નજીક આવેલ રોડ પરથી છાણી પોલીસ મથકની પીસીઆર વાન પસાર થતી હતી. ત્યારે 13 વર્ષનો સગીર મીત્ર સાથે મસ્તી કરતા કરતા દોડીને રોડ ક્રોસ કરતા જ ચાલકે બ્રેક મારી હતી. તે સાથે જ પિત્તો ગુમાવતા કોન્સ્ટેબલ શક્તિસિંહ ગટોરસિંહ પાવરા માસુમ પાછળ દોડયો હતો.

પોલીસની બીક થી માસુમ એક સ્ટોરમાં દોડી ગયો હતો. કુખ્યાત ઈસમનો પીછો કરતો હોય તેમ ધસી આવેલા કોન્સ્ટેબલે માસુમનો કાઠલો પકડીને લાતો અને લાફા મારતા મારતા સ્ટોર બહાર ધસડી લાવ્યો હતો. અને ત્યાં જાહેરમાં પણ માસૂમ ઉપર અમાનુષી અત્યાચાર ગુજારતા કોન્સ્ટેબલે ઢોર માર માર્યો હતો. બનાવના પગલે એકત્ર થયેલા લોકોના ટોળાએ કોન્સ્ટેબલની આજીજી કરીને બાળકને છોડાવ્યો હતો. જે સમગ્ર સર્મસાર ઘટના સ્ટોરના સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગઇ હતી. ખાખી વરદી પહેરીને ગુંડાગીરી કરતા હોય તેવા કોન્સ્ટેબલની ગેરવર્તણૂકની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા જ દોડધામ મચી ગઇ હતી અને સીસીટીવીના ફૂટેજ મેળવી ને તપાસ હાથ ધરતા કોન્સ્ટેબલ શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. પોલીસ પ્રજાનો મિત્ર છે તે છબીને ખરડી નાખતા કોન્સ્ટેબલ વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ
ધરાઇ હતી .

સસ્પેન્ડ થતા જ પાવરા નો પાવર ઉતરી ગયો
પોલીસતંત્રની આબરુ ને કલંક લાગે તેવુ કૃત્ય આચરતા કોન્સ્ટેબલ શક્તિસિંહની દાદાગીરી પોલીસ કમિશનરે ધ્યાને લઇને સત્વરે કડક પગલા લેવાની અધિકારીઓને તાકીદ કરી હતી ગણતરીની કલાકોમાં પ્રાથમિક તપાસ બાદ કસૂરવાર જણાયેલા શક્તિસિંહ ને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાતા પાવરા નો પાવર ઉતરી ગયો હતો ખાખી વર્દીનો રૂઆબ છાટતા ફરતા કોન્સ્ટેબલની ખાખી વર્દી  ગણતરી ના કલાકોમાં ઉતારી ગઈ હતી.

કેનાલ ચાર રસ્તા પર સ્ટાફે આતંક મચાવ્યો
થોડા દિવસ પૂર્વ પણ છાણી પોલીસ સ્ટાફે અભિલાષા કેનાલ નજીક ચાર રસ્તા પર નિર્દોશ શાકવાળા ને લાફા વાળી કરી હતી. તુ દારૂ વેચે છે તેવા તદ્દન ખોટા આક્ષેપ કરીને કલાકો સુધી શાકવાળા ગરીબ ને રંજાડવામાં પાછું વળીને જોયુ ન હતી. જે હકિકત પીઆઇ ના ધ્યાને પણ દોરાઈ હતી પણ સ્ટાફનાં કરતુત ને છાવરવા કોઈ જ પગલા ના લેવાયાં જેથી સત્તા ના મદમાં છકી ગયેલાં કોન્સ્ટેબલે આચરેલું પાપ છાપરે ચઢીને પોકાર્યું.

કોન્સ્ટેબલ હોવા છતાં પીઆઇનો રોફ મારતો હતો
છાણી પોલીસ  મથકનો પાંચ વર્ષથી વહીવટ દાર મનાતો કોન્સ્ટેબલ શક્તિસિંહ સસ્પેન્ડ થતા જ ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રાથમિક તપાસમાં જ કસુરવાર જણાયેલ કોન્સ્ટેબલની વધુ તપાસમાં અનેક ચોકાવનારી હકીકતો સપાટી પર આવે તેવું સંભળાઇ રહ્યું છે. પીસીઆર વાનનો ચાલક હોવા છતાં તેનો રોફ ખુદ પીઆઇ હોય તેવો છાંટતો હતો. આગામી દિવસોમાં  વધુ તપાસ દરમિયાન કોન્સ્ટેબલના કારનામા ઉપર વધુ પ્રકાશ પડેશે.

Most Popular

To Top