Surat Main

સુરતની કાપડ માર્કેટમાં દુકાન ભાડે આપતા પહેલાં આ બાબતોનું રાખવું પડશે ધ્યાન, પોલીસ કમિશનરે છ પાનાનું ફોર્મ જાહેર કર્યું, જુઓ..

સુરત: ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસો.ના (Fogwa) પ્રમુખ અશોક જીરાવાલાની સતત રજૂઆતો પછી આજે પોલીસ કમિશનર અજય તોમરે (Surat Police Commissioner Ajay Tomar ) સુરતની કાપડ માર્કેટમાં (Surat Textile Market) ભાડાની દુકાનો રાખવા માટે છ ફોર્મ સાથેનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. કાપડ માર્કેટમાં ઉઠમણા અને છેતરપિંડીના બનાવો અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ચોક્કસ પ્રયાસો કરી આખરે આજે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

પુરાવા વિના દુકાન ભાડે આપનાર માલિક, દલાલ અને ઓળખ આપનાર વેપારીઓ ભેરવાશે

આ જાહેરનામા પ્રમાણે પૂરાવા વિના દુકાન ભાડે આપનાર માલિક, દલાલ અને ઓળખાણ આપનાર બે વેપારીઓની જવાબદારી નક્કી થશે. જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદાર અને દલાલ સામે 188 મુજબ ગુનો દાખલ કરાશે. દુકાન ભાડે આપનાર દરેક વેપારીએ ફોર્મ ભરીને સ્થાનિક પોલીસ મથકમાં અને માર્કેટના એસોસિએશનને આપવું પડશે. ગ્રે કાપડ, ફિનીશ્ડ કાપડના દલાલ, એમ્બ્રોઇડરી અને યાર્નના દલાલને લગતી વિગત પણ દરેક વેપારીએ ફોર્મ નં. 2માં ભરવી પડશે. દુકાન ભાડે અપાવનાર દલાલોએ મિલકતની માલિકીની ખરાઇ કરાવ્યા પછી જ દુકાન ભાડે આપાવવાની રહેશે. દુકાન ભાડે લેનાર વ્યકિત માટે છેલ્લા બે વર્ષથી માર્કેટમાં કામ કરતા અને દુકાન ધરાવતા બે વેપારીઓનો રેફરન્સ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. દુકાન ભાડે લેનારના તમામ પૂરાવા દલાલ અને માલિકે લેવા પડશે અને આ માહિતી દુકાન ભાડે અપાયાના સાત દિવસમાં સ્થાનિક સલાબતપુરા પોલીસને તથા ફોસ્ટા અને ફોગવાને પણ મોકલવાની રહેશે.

જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદાર અને દલાલ સામે 188 મુજબ ગુનો દાખલ કરાશે

જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત સામે પોલીસ કલમ 188 હેઠળ કાર્યવાહી કરશે. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર અને તેની ઉપરના કર્મચારીઓ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી શકશે. જે માર્કેટોમાં બિલ્ડરો દુકાનો ધરાવે છે તેમણે પણ દુકાનો વેચતી અથવા ભાડે આપતી વખતે સંપૂર્ણ વિગતો આપવી પડશે. કેટલાક કિસ્સાઓમાં દુકાનોની ખરીદી કરનાર વેપારીઓ પણ ઉઠમણા કરી માર્કેટમાં ફરી બેસતા હોય છે. માર્કેટમાં કામ કરતા દરેક કર્મચારીની બાયોમેટ્રિક વિગત અને ફોટા સાથેનું ઓળખપત્ર એસોસિએશનમાં આપવું પડશે. માર્કેટમાં કાર્યરત દલાલો માટે પણ ઓળખ કાર્ડ એસોસિએશનને આપવા પડશે અને તેની વિગત પોલીસ મથકમાં અપલોડ કરવી પડશે.

આ રહ્યું છ પાનાનું ફોર્મ..

કાપડ માર્કેટમાં સતત બે વર્ષથી કામ કરનાર વેપારી જ દુકાન ભાડે અપાવતી વખતે સાક્ષી તરીકે રહી શકશે અને ઉઠમણાની સ્થિતિમાં તેની જવાબદારી પણ રહેશે. કાપડ માર્કેટના સંગઠનો, મેન્ટેનન્સ એસોસિએશન એમ્બ્રોઇડરી બ્રોકર અને યાર્ન બ્રોકર સંગઠનોએ સંકલન કરીને આ જાહેરનામાનો અમલ કરાવવો પડશે. ઊઠમણું કર્યા પછી માર્કેટમાં ફરી બેસનારા લેભાગુ વેપારીઓની માહિતી એસો.ના મારફતથી પોલીસને મોકલી શકાશે. પોલીસ ખાતરી કર્યા પછી તેના પર નિર્ણય લેશે. શહેર પોલીસે આજે છ ફોર્મના નમૂના પણ જાહેર કર્યા હતા તે જોતા કોઇપણ દુકાનદારને દુકાન ભાડે આપતી વખતે નવનેજા પાણી ઉતરે તેવી શકયતા છે.

Most Popular

To Top