Dakshin Gujarat

બીલીમોરામાં ખેપિયાઓએ દારૂની હેરફેર માટે હવે આ નવો કિમીયો અપનાવ્યો

બીલીમોરા : બીલીમોરા પોલીસે (Police) રાત્રી પેટ્રોલિંગ દરમિયાન પોસરી નદી કિનારેથી ઇંગ્લિશ બનાવટના દારૂ સહિતનો રૂ. 8 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી બે ખેપિયાની ધરપકડ કરી છે, જ્યારે દારૂ (Alcohol) મંગાવનાર બેને વોન્ટેડ જાહેર કર્યા છે. બીલીમોરા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ડીઆર પઢેરિયા તથા તેમનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે સમયે તેમને બાતમી મળી હતી કે પોસરી ગામે રેતીની લીઝ વાળી જગ્યા પાસે નદી કિનારે બોટમાં દારૂ આવનાર છે તેમજ તેનું કાટીંગ પણ થનાર છે જેને આધારે પોલીસે રેડ કરતા બોટમાંથી ટીન બીયર નંગ 5,136 નો જથ્થો કિંમત ₹3,84,000 ઝડપી પાડ્યો હતો.

પોલીસે 70 હજારની બોટ પણ કબજે લીધી હતી. ઉપરાંત 5 હજારનો ફોન તથા માલના કટીંગ માટે આવેલી ટાટા મંઝા કાર GJ 21 W 5548ને પણ ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ ઉપરથી રોશનકુમાર રાજેશભાઈ પટેલ અને નીલકુમાર બીપીનભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન આ માલ દમણથી મંગાવનાર મનીષ પટેલ તેમજ વીરાજ ઉર્ફે ડોયો સુમનભાઈ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે. આમ પોલીસે 8,09,0000નો દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી બેને ઝડપી પાડ્યા છે. જ્યારે બીજા બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

બુલેટ ઉપર દારૂ લઈ જતો સેલવાસનો દાઉદ ઝડપાયો
વલસાડ : વલસાડ ધરમપુર ચોકડી પર લાડલી હોટલની સામે હાઇવે પરથી પોલીસે બાતમીના આધારે બુલેટ પરથી રૂ.12,000નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડીને સેલવાસના દાઉદની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેની મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળેલી કે બુલેટ ઉપર સુરત તરફ દારૂ લઈ જવાના હોય બાતમીના આધારે સિટી પોલીસની ટીમે વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે લાડલી હોટલની સામે નેહાનં.48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી.

બાતમીવાળી બુલેટ આવતા પોલીસે બુલેટ અટકાવી તપાસ કરતાં બેગમાંથી રૂ.12,000 ને ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 18 મળી આવી હતી. પોલીસે સેલવાસમાં રહેતો દાઉદ મિર્ઝા અનીશ બેગની ધરપકડ કરી, એકને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દારૂ અને બુલેટ મળીને કુલ રૂ. 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top