Gujarat

પીએમ મોદી 29મી સપ્ટે.એ ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ-બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર, 2022ના રોજ ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે વિવિધ નીતિઓના ઝડપી અમલીકરણની ખાતરી આપી છે અને આ ટર્મિનલને આગામી દિવસોમાં આકાર લેવા માટે જરૂરી પરવાનગીઓ પૂરી પાડી છે.ડિસેમ્બર 2019માં, કન્સોર્ટિયમે ભાવનગર પોર્ટની ઉત્તર બાજુએ CNG ટર્મિનલ અને અન્ય ટર્મિનલના વિકાસ માટે GMBને પ્રોજેક્ટ દરખાસ્ત રજૂ કરી હતી. રાજ્ય સરકારે પ્રોજેક્ટની દરખાસ્ત સ્વીકારી અને GMBએ સપ્ટેમ્બર 2020માં ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (BPIPL)ના નામે એક લેટર ઑફ ઈન્ટેન્ટ (LOI) જારી કર્યો હતો, જે કન્સોર્ટિયમ દ્વારા રચવામાં આવેલ સ્પેશિયલ પર્પસ વેહિકલ છે.આ સાથે જ, વડાપ્રધાન મોદી ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (રિજિયોનલ સાયન્સ સેન્ટર – RSC)નું પણ ઉદઘાટન કરશે.

જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે બનેલું છે. પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (RSC) ભાવનગર દાસ નાળા, નારી ગામ, અમદાવાદ હાઈવે, ભાવનગર પાસે આવેલું છે. ભાવનગર અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની આસપાસના વિસ્તારમાં વિજ્ઞાન અને એન્જિનિયરિંગના વિકાસને ધ્યાનમાં રાખીને, રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય જનતા અને મુલાકાતીઓ માટે નવીન પ્રદર્શનો સાથે કેટલીક થીમ-આધારિત ગેલેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં મરીન ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, નોબલ પ્રાઈઝ ગેલેરી, ઇલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરી અને બાયોલોજી સાયન્સીસ ગેલેરીનો પણ સમાવેશ થાય છે.

CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટની વિશેષતાઓ
આ બંદર રૂા. 4024 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત આ પોર્ટ ભાવનગર જિલ્લાની ભાવિ જરૂરિયાતો અને આગામી પ્રોજેક્ટસ જેમ કે વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.
આ બંદરમાં અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ, મલ્ટીપર્પસ ટર્મિનલ અને લિક્વિડ ટર્મિનલ પણ હશે, જે હાલના રોડવે અને રેલ્વે નેટવર્કને સૌથી મોટા ઔદ્યોગિક ઝોન, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અને દેશના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારો સાથે જોડતી સીધી ડોર-સ્ટેપ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ બંદર 1100 જેટલા લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવામાં મદદ કરશે. પોર્ટનું બાંધકામ લગભગ વર્ષ 2023ના પ્રથમ 6 મહિનાની અંદર શરૂ થઈ થશે અને 2026માં આ બંદર કાર્યરત થઈ જશે.

Most Popular

To Top