Dakshin Gujarat

સરદારની પ્રતિમા એકતાના સંકલ્પને વળગી રહેવાની પ્રેરણા આપે છે: નરેન્દ્ર મોદી

રાજપીપળા: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ (Video conferencing) દ્વારા ગુજરાતના (Gujarat) એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, એકતા નગરનો સર્વાંગી વિકાસ એ પર્યાવરણીય યાત્રાધામનું મુખ્ય ઉદાહરણ છે. ભારત માત્ર રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં જ મોટી પ્રગતિ નથી કરી રહ્યું. પરંતુ વિશ્વના અન્ય દેશોને પણ માર્ગદર્શન આપી રહ્યું છે. આજનું ભારત નવી વિચારસરણી, નવા અભિગમ સાથે આગળ વધી રહ્યું છે. ભારત એક ઝડપથી વિકાસશીલ અર્થતંત્ર છે અને તે તેની ઇકોલોજીને પણ સતત મજબૂત કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ગીરના સિંહ, વાઘ, હાથી, એક શિંગડાવાળા ગેંડા અને ચિત્તાની સંખ્યામાં વર્ષોથી વધારો થયો છે. થોડા દિવસો પહેલાં મધ્યપ્રદેશમાં ચિત્તાના ઘરે પરત ફર્યા બાદ નવી ઉત્તેજના ફેલાઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશનું ધ્યાન ગ્રીન ગ્રોથ અને ગ્રીન જોબ્સ પર છે. વિપુલ પ્રમાણમાં પાણી ધરાવતાં રાજ્યો પણ આજકાલ પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. રસાયણમુક્ત કુદરતી ખેતી, અમૃત સરોવર અને જળ સુરક્ષા જેવા પડકારો અને પગલાં વ્યક્તિગત વિભાગો પૂરતા મર્યાદિત નથી અને પર્યાવરણ વિભાગે પણ આને સમાન દબાણયુક્ત પડકાર તરીકે ધ્યાનમાં લેવા પડશે.

પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમનું ઉદાહરણ આપ્યું, જે 1961માં પંડિત નેહરુ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના નામે આચરવામાં આવેલા કાવતરાઓને કારણે તેનું નિર્માણ પૂર્ણ કરવામાં દાયકાઓ લાગ્યા. પ્રધાનમંત્રીએ વિવિધ વૈશ્વિક સંસ્થાઓ અને ફાઉન્ડેશનો પાસેથી કરોડો રૂપિયા લઈને ભારતના વિકાસમાં અવરોધ ઊભો કરવામાં શહેરી નકસલીઓની ભૂમિકાની પણ ઓળખ કરી હતી. પ્રધાનમંત્રીએ દરેકને પોતપોતાના રાજ્યોમાં શહેરી નકસલીઓના આવાં જૂથોથી સતર્ક રહેવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, પર્યાવરણીય મંજૂરી માટે 6000થી વધુ દરખાસ્ત અને વન મંજૂરી માટેની 6500 અરજી રાજ્યો પાસે પડી છે. રાજ્યો દ્વારા દરેક યોગ્ય દરખાસ્તને જલદીથી મંજૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. આ પેન્ડન્સીના કારણે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અટકી પડશે.

પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પર્યાવરણીય મંજૂરી આપવામાં અમે નિયમોનું પણ ધ્યાન રાખીએ છીએ અને તે વિસ્તારના લોકોના વિકાસને પ્રાથમિકતા આપીએ છીએ. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આપણે જળવાયુ પરિવર્તન સંબંધિત પડકારોનો સામનો કરતી વખતે અર્થતંત્રના દરેક ઊભરતા ક્ષેત્રનો સારો ઉપયોગ કરવો પડશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ સાથે મળીને હરિયાળી ઔદ્યોગિક અર્થવ્યવસ્થા તરફ આગળ વધવું પડશે, એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. “એકતા નગરમાં તમને ઘણું શીખવા, જોવા અને કરવા મળશે.

ગુજરાતના કરોડો લોકોને અમૃત આપતો સરદાર સરોવર ડેમ અહીં જ હાજર છે” એમ તેમણે ઉમેર્યું, “સરદાર સાહેબની આટલી વિશાળ પ્રતિમા આપણને એકતાના સંકલ્પને વળગી રહેવાની પ્રેરણા આપે છે.” આ વેળાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે, નીતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારી પરમેશ્વરમ ઐયર, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સચિવ લીના નંદન, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.સોલંકી, ગુજરાત રાજ્ય વન વિભાગના વડાઓ એસ.કે.ચતુર્વેદી, વિવિધ રાજ્યોમાંથી આવેલા વનમંત્રીઓ, વન વિભાગના સેક્રેટરીઓ, સીપીસીબીના ચેરમેન, નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top