Business

નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાનનો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ-શો યોજાયો

અમદાવાદ: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) જામનગરથી (Jamnagar) સીધા અમદાવાદ (Ahmedabad) વિમાની મથક (Airport) ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અમદાવાદ વિમાની મથક ખાતે આવી પહોંચતા બંને દેશના વડાપ્રધાનનો રોડ- શો યોજાયો હતો.

  • બંને વડાપ્રધાનોને આવકારવા-જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
  • ગરબા, આદિવાસી નૃત્ય અને લોક સંગીતની રમઝટ સાથે બન્ને નેતાઓએ અભિવાદન ઝીલ્યું

અમદાવાદ વિમાની મથકેથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીના રોડ- શોમાં ગુજરાતના વિશ્વવિખ્યાત એવા ગરબા, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ લોક સંગીત, સાથેના લોક નૃત્યો, આદિવાસી નૃત્યો સહિત વિવિધ કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
બંને વડાપ્રધાનોને આવકારવા માટે અને જોવા માટે રોડની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સાથે જ બંને દેશોના રાષ્ટ્રધ્વજ સાથે બાળકો પણ સ્વાગત માટે ઉભા હતા. એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ-શો પૂર્ણ થયા બાદ બંને વડાપ્રધાનો ગાંધીનગર ખાતે જવા રવાના થયા હતા.

મોરેશિયસના વડાપ્રધાનના સ્વાગત માટે વિદ્યાર્થીઓને ધોમધખતા તડકામાં ત્રણ કલાક ઉભા રખાયા
અમદાવાદ: મોરેશિયસના વડાપ્રધાન અમદાવાદ આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે વિમાની મથકેથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી તેમના સ્વાગત માટે પ્રાથમિક શાળાના બાળકોને ૪૨ ડિગ્રી તાપમાનમાં ધોમધખતા તડકામાં ૨ થી ૫ વાગ્યા સુધી ઉભા રાખવામાં આવ્યા હતા.

ભાજપ સરકારના શિક્ષણ વિભાગની અસંવેદનશીલતા અને ગુનાહિત કૃત્ય પર આકરા પ્રહાર કરતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે શહેર જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશથી અનેક બાળકો પરેશાન થયા, પ્રાથમિક માધ્યમિક શાળાની પરીક્ષાઓ ચાલી રહી છે તેવા સમયે બાળકોને આવા સ્વાગત કાર્યક્રમ માટે ફરજ પાડવી કેટલે અંશે વ્યાજબી?

સરકાર આવા ઉત્સવો અને તાયફાઓમાં બાળકોનો ઉપયોગ કરે, ભીડ ભેગી કરે એનાથી બાળકોની સલામતી અને સુરક્ષાનો મોટો પ્રશ્ન ઉભો થાય છે. આવા ધોમધખતા તાપમાં બાળકોને ત્રણ કલાક ઉભા રખાયા તેની વાલીઓને જાણ હતી. જો વાલીઓને જાણ કરાઈ ન હોય તો, તેમણે આ બાબાતે શાળાના સંચાલકો અને અધિકારીઓને પૂછવું જોઈએ.

1934થી મોરેશિયસમાં ભારતીય ઉપચાર પદ્ધતિઓ અમલમાં છે: પ્રવિંદ જગન્નાથ
મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથે જણાવ્યું હતું કે, માનવ શરીરના ઉપચાર માટે વનસ્પતિ, ખનીજો જેવા કુદરતી પદાર્થો સદીઓથી વપરાતા આવ્યા છે. જી.સી.ટી.એમ. આ માનવજ્ઞાનના સંવર્ધન માટેનું અધિકૃત અને વિશ્વસનીય કેન્દ્ર બની રહેશે. તેમણે કહ્યું કે ૧૯૩૪થી મોરેશિયસમાં ભારતીય ઉપચાર પદ્ધતિઓ અમલમાં છે. ત્યાં આયુર્વેદ એક માન્ય ઉપચાર પદ્ધતિ છે. દર વર્ષે ધનતેરસની ઉજવણી સમગ્ર મોરેશિયસમાં આયુર્વેદ દિવસ તરીકે કરવામાં આવે છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી. આ કાર્યક્રમમાં મોરેશિયસને સહભાગી કરવા બદલ તેમણે ભારત પ્રત્યે હર્ષની લાગણી વ્યકત કરી હતી.

Most Popular

To Top