Dakshin Gujarat

હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવા મંત્રી ઈશ્વરભાઈ પરમારની સલાહ

navsari : નવસારી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસ ( corona virus) નું સંક્રમણ અટકાવવા માટે ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે ( ishavarbhai parmar) નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કછોલી, ધમડાછા અને લુસવાડા ખાતે આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. મંત્રીએ ગામના અગ્રણીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓની તમામ સારવાર માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. અત્યારના સંજોગોમાં લોકોનું જીવન બચાવવું એ આપણા સૌની પ્રાથમિકતા છે. નવસારી જિલ્લાના ગામો કોરોનામુક્ત બને એ માટે વહીવટીતંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગ્રામજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિયારા પ્રયાસો કરે એ બાબત પર ભાર મૂક્યો હતો.

ગામમાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહે કે ઘરમાં અન્ય વ્યક્તિને ચેપ ન લાગે એની તકેદારીરૂપે કોવિડ કેર સેન્ટર ( covid care centre) માં સારવાર લે એ માટે ગ્રામજનોને સમજાવ્યા હતા. મંત્રીએ આઇસોલેશન સેન્ટર પર દવાઓ, ઓક્સિજન અને ઈન્જેકશન ( injection) ના ઉપલબ્ધ જથ્થાની માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું કે કોરોના ( corona) ની સારવારની સાથે સાથે જિલ્લામાં રસીકરણ ( vaccination) ની કામગીરી પણ ચાલી રહી છે અને આગામી દિવસોમાં એને વધુ સઘન બનાવવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની જાગૃતિ માટે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે મળીને કામ કરે એવી ખાસ અપીલ તેઓએ કરી હતી. તેઓએ કોરોના મહામારીમાં રાત-દિવસ કાર્ય કરતા ડૉક્ટર્સ, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની સેવાની સરાહના કરી હતી.આ પ્રસંગે નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઇ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી જિલ્લામાં આજે એક જ દિવસમાં કોરોનાના ( corona) નવા 124 કેસો નોંધાયા છે. જ્યારે 150 દર્દીઓ સાજા થતા જ જિલ્લામાં એક્ટિવ કેસો ઘટીને 1173 થયા છે. જ્યારે આજે કોરોના વધુ 7 દર્દીઓને ભરખી ગયો હતો.ગુરૂવારે એક જ દિવસમાં કોરોનાના નવા 124 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ નવસારીમાં 49 અને જલાલપોર તાલુકામાં 41 કેસો નોંધાયા છે. જ્યારે ગણદેવી તાલુકામાં 16, ચીખલી તાલુકામાં 11, ખેરગામ તાલુકામાં 6 અને વાંસદા તાલુકામાં 1 કેસ નોંધાયા છે. જેની સામે આજે જિલ્લામાં 150 કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4363 દર્દીઓ સાજા થઇ ગયા છે. પરંતુ આજે બીલીમોરાના 4, ગણદેવી તાલુકાના 1, નવસારીના 1 અને ખેરગામના 1 દર્દીઓ મળી વધુ 7 દર્દીઓના મોત નીપજ્યું હતું. જેમાં બીલીમોરાની વૃદ્ધા, ગણદેવી તાલુકાના પાથરી ગામના પટેલ ફળીયાના આધેડ, બીલીમોરા મોતી વાઘરેચના આધેડ, ઓરિયા મોરિયા ફળિયાના આધેડ, નીલકંઠ રો-હાઉસની આધેડ મહિલા, ખેરગામ દેવરપાડાના વૃદ્ધ અને નવસારી તાલુકાના ભટ્ટાઇ સડક ફળિયામાં રહેતા વૃદ્ધનુ મોત નિપજતા જિલ્લામાં 143 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. ગુરૂવારે જિલ્લામાં 1339 સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેથી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 254072 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 247054 સેમ્પલ નેગેટીવ રહ્યા હતા. જ્યારે 5679 ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. એ સાથે જ અત્યારે જિલ્લામાં કોરોનાના 1173 એક્ટિવ કેસો છે.

Most Popular

To Top