Dakshin Gujarat Main

સુવિધા વગરના આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને રસ નથી : 170 સામે 6 જ બેડ ભરાયા

ચીખલી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ઊભા કરાયેલા 68 આઇસોલેશન સેન્ટરમાં 170 બેડમાં માત્ર છ જ દર્દીઓ દાખલ થયા છે. ત્યારે સુવિધાના અભાવવાળા આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને ઝાઝો રસ દેખાતો નથી. માટે આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા ભરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનની સુવિધાવાળા બેડો ઉપલબ્ધ કરાવવા જોઇએ.


સરકાર દ્વારા કાગળ ઉપર બેડોની સંખ્યા દર્શાવવા ગામે-ગામની પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં તાલુકાના ગામે-ગામ પ્રાથમિક શાળાઓમાં 68 આઇસોલેશન ઊભા કરી 170ની આસપાસ બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પરંતુ આવા આઇસોલેશન સેન્ટરોમાં સુવિધાનો અભાવ જણાઇ રહ્યો છે. કેટલીક શાળાઓમાં તો ખાટલા વિના નીચે જ ગાદલા નાંખી બેડ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આઇસોલેશન સેન્ટરમાં આરોગ્યના કોઇ કાયમી કર્મચારી પણ હોતા નથી આશાવર્કરોના ભરોસે જ આઇસોલેશન સેન્ટર રાખવામાં આવ્યા છે. સ્ટાફ નહી હોય તેવી સ્થિતિમાં દર્દીઓને કોઇ જરૂરિયાત ઊભી થાય તો તે જરૂરિયાત કોણ પૂરી પાડે ?

પીએચસીઓમાં ઓક્સિજનની સુવિધા સાથેના બેડ ઉપલબ્ધ કરાવવા જોઇએ
તાલુકા 68 આઇસોલેશન સેન્ટરોમાં 170 બેડ વચ્ચે તલાવચોરામાં ત્રણ મલિયાધરામાં બે અને કૂકેરીમાં એક મળી કુલ છ જ દર્દીઓ દાખલ થયા છે. ખરેખર તાલુકામાં 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે. જ્યાં મેડીકલ ઓફિસર, નર્સિગ સહિતનો સ્ટાફ પણ ઉપલબ્ધ હોય છે. ત્યારે પીએચસીઓમાં ઓક્સિજનની સુવિધા સાથેના બેડ ઉપલબ્ધ કરાવી આઇસોલેશન સેન્ટર ઊભા કરવામાં આવે તો ગ્રામ્યકક્ષાએ કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે અને રેફરલ સહિતની હોસ્પિટલોમાં ભારણ પણ ઓછુ થાય.

દેખોડો કરવાના સ્થાને નક્કર આયોજન કરવામાં આવે તે જરૂરી
ઉપરોકત સ્થિતિમાં દેખોડો કરવાના સ્થાને નક્કર આયોજન કરી નક્કર કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વર પરમાર તલાવચોર અને મલિયાધરા આઇસોલેશન સેન્ટરની શનિવારે મુલાકાત લેવાના છે અને તંત્રએ પુરતી તૈયારીઓ પણ કરી છે. ત્યારે મંત્રી પીએચસીઓમાં ઓક્સિજનની સુવિધાવાળા બેડ સાથેના આઇસોલેશન સેન્ટર ઊભા કરવા માટે રસ દાખવશે કે કેમ તે જોવું રહ્યું.

Most Popular

To Top