Gujarat

પરશુરામ જયંતિએ અમદાવાદ મહાનગરમાં 143 કરોડના વિકાસ કાર્યોનો આંરભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર: મંગળવારે પરશુરામ જયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નગરજનો માટે રૂ. ૧૪૩ કરોડના વિવિધ વિકાસકામોનો આરંભ કરાવતા જણાવ્યું હતું કે, નગરો – મહાનગરોનો આધુનિક વિકાસ કેવો હોય તે સૌને ગુજરાતના નગરોએ બતાવ્યું છે. અગાઉ નગરો – મહાનગરો શહેર સુધરાઈ તરીકે ઓળખાતા હતા. શહેરી સુવિધા એટલે નળ, ગટર અને રસ્તા એવી જ વ્યાખ્યા હતી. પીએમ નરેન્દ્ર મોદીએ આવી શહેર સુધરાઈને નગર સેવા સદન તરીકે નગર સુખાકારી અને જનહિત કાર્યોની અનેક સેવા પ્રવૃત્તિથી ધમધમતા કેન્દ્રો બનાવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી પેવર બ્લોક, રસ્તા સહિતના કામો પણ હવે થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવાડાના લોકોનો વિચાર કરી ‘દરેકને માથે છત’ હોય તે સંકલ્પ સેવ્યો છે. આજે ગુજરાતમાં સરકારે ૫,૮૮,૦૦૦ આવાસો પૂર્ણ કર્યા છે અને હજુ વધુ મકાનોના કામ ચાલુ જ રાખ્યા છે.

પરશુરામ જયંતિના દિને અમદાવાદમાં સીએમના હસ્તે ભગવાન પરશુરામજીની પ્રતિમાનું અનાવરણ
ગાંધીનગર: અમદાવાદના નવા વાડજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ ભગવાન પરશુરામની આરતી ઉતારી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.

આ પ્રતિમા અનાવરણ પ્રસંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો તથા બ્રહ્મ સમાજ સહિત અનેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top