Dakshin Gujarat

નવસારીના સમરોલીમાં પુત્રીની ડોલી ઉઠાવવાના સપના જોતા પરિવારના 5 સભ્યોની અર્થી ઉઠી

નવસારી: સમરોલીમાં (Samroli) એક સાથે ચાર જેટલાની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હીબકે ચઢયું હતું. ઉપરાંત અન્ય મૃતક મનીષાબેનની અંતિમયાત્રા વંકાલ ગામેથી નીકળી હતી. અંતિમ યાત્રામાં કેબિનેટ મંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસ (Police) દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યો હતો. સોમવારના (Monday) રોજ સુરતથી (Surat) લગ્નની (Marriage) ખરીદી કરી પરત ફરતી વેળા કન્ટેનર પડતા ઇકો કાર ચગદાઇ જતા એક જ પરિવારના પતિ, પત્ની, પુત્ર સહિત પાંચ જેટલાના મોત (Death) નીપજ્યા હતા. તો બીજી તરફ પોલીસે કન્ટેનર ચાલકને ઝડપી પાડ્યો હતો.

સમરોલી કાળાપુલ વિસ્તારના રહેવાસી પ્રફુલભાઇની દીકરીના લગ્ન તલાવચોરા ગામે ગોઠવાયા હતા અને આગામી 25મીના રોજ લગ્ન યોજાનાર હોય ગતરોજ પરિવાર સંબંધીઓ સાથે સુરત લગ્નની ખરીદી કરી પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન કસ્બા ધોળાપીપળા માર્ગ ઉપર પડઘા પાસે કન્ટેનર સાથે અકસ્માતમાં ઇકો કાર (નં. જીજે-21-સીએ-4233)માં સવાર પ્રફુલભાઇ લલ્લુભાઇ પટેલ તેમની પત્ની મિનાક્ષીબેન પ્રફુલભાઇ પટેલ, પુત્ર શિવ પ્રફુલ પટેલ સાળી મનીષાબેન મુકેશભાઇ પટેલ તથા પાડોશી રોનક કાંતિભાઇ પટેલ એમ પાંચ જેટલાના મોત નીપજ્યા હતા.

ઉપરોક્ત કરૂણ બનાવ અંગેની વાત વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી અને સમરોલી કાળાપુલ સ્થિત આ પરિવારના નિવાસસ્થાને આજે માનવ મહેરામણ ઉમટ્યું હતું અને ચારની અંતિમયાત્રા સાથે નીકળતા અનેક લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. અંતિમ યાત્રામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, માજી મંત્રી કરસનભાઇ, ભાજપના મહામંત્રી ડો. અશ્વિનભાઇ, પ્રમુખ મયંકભાઇ, સમરોલીના અગ્રણી દિપકભાઇ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન સહિત અનેક આગેવાનો જોડાયા હતા. ડીવાયએસપી આર.ડી. ફળદુ ઉપરાંત સ્થાનિક પી.આઇ, પીએસઆઇ સહિતનાઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતા.

સમરોલીમાં ધંધાર્થીઓએ તેમના વેપાર ધંધા બંધ રાખ્યા
મૃતક પ્રફુલભાઇને ચાર દીકરી બાદ એક પુત્ર હતો અને ચાર બહેનોનો લાડકવાયો એકનો એક ભાઇ પણ અકસ્માતમાં કાળને ભેટતા ચાર બહેનોનો એકનો એક ભાઇ પણ છીનવાતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી અનેકની આંખો ભીંની થઇ હતી. સમરોલીમાં એક સાથે એક જ પરિવારના પતિ, પત્ની, પુત્ર સહિત ચારની અંતિમયાત્રાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઇ હતી. સમરોલીમાં સ્થાનિક ધંધાર્થીઓએ પણ તેમના વેપાર ધંધા બંધ રાખ્યા હતા. અકસ્માતમાં પાડોશી બે ભાઇઓ પૈકી દીપ બહાર ફેંકાઇ જતા તેનો બચાવ થયો હતો.

પુત્રીની ડોલી ઉઠાવવાના સપના જોતા પરિવારના 5 સભ્યોની અર્થી ઉઠી
લગ્નની ખુશીમાં ઝૂમતો પરિવાર અને પુત્રીની ડોલી ઉઠાવવાના સપના જોતા પરિવારના 5 સભ્યો અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ કન્યાએ લગ્ન પૂર્વે જ તેના પરિવારના સભ્યોને ગુમાવી દીધા હતા. તેમજ ગામજનોમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે અકસ્માત સર્જનાર કન્ટેનર ચાલક અને બિહારના ચંપારણ જિલ્લાના સંગ્રામપુર તિવારી ટોલા ગામે અને હાલ સુરતના ચોર્યાસી તાલુકાના ઈચ્છાપુર ચોકડી પાસે જય શિવ ગણેશ લોજીસ્ટીકની ઓફિસમાં રહેતા સંજય ધ્રુવ ઠાકુરને ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top