Dakshin Gujarat

બાંદ્રાથી પટના જતી એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા જતાં બે યુવક કાળનો કોળીયો બની ગયા

વાપી : સોમવારે (Monday) મુંબઈના બાંદ્રાથી પટના જઈ રહેલી એક્સપ્રેસ ટ્રેન (Express Train) રાત્રે 10 કલાકે વાપી સ્ટેશને (Vapi Station) પ્લેટફોર્મ નં.1 પર આવી પહોંચી હતી. તે દરમિયાન સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ રહેતી હોય છે. ત્યારે પ્લેટફોર્મ નં.2 પરથી રોંગ સાઈડે આ ટ્રેનના (Train) કોચમાં ચઢવા જઈ રહેલા બે શ્રમિક યુવાન સુરત તરફથી આવી રહેલી ગોલ્ડન એક્સપ્રેસની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં એકનું મોત ઘટના સ્થળે જ થયું હતું. આ ઘટનાને લઈ વાપી સ્ટેશને ભારે અફરા તફરી મચી ગઈ હતી. વાપી રેલવે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ એકને સારવાર માટે ચલા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જેણે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. અગાઉ આજ ટ્રેનમાં વાપી સ્ટેશનેથી રોંગ સાઈડે ચઢવા જતા 5 મુસાફરો કાળનો કોળીયો બની ગયા હતા. બાર વર્ષ બાદ આવી ઘટના ફરી બનતા મુસાફરોમાં કાલિમા છવાઈ ગઈ હતી.

સંઘપ્રદેશ દમણ અને સેલવાસ સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં વસતા પરપ્રાંતિયો પોતાના વતન યુપી-બિહાર જવા માટે વાપી સ્ટેશન પર આવતા હોય છે. જોકે, અમુક ટ્રેનો વલસાડથી પણ ઉપડતી હોઈ મુસાફરોનો ભારે ધસારો વાપી સ્ટેશને રહેતો હોય છે. દર સોમવારે રાત્રે 10 કલાકે વાપી સ્ટેશને બાંદ્રાથી પટના જતી એક્સપ્રેસ ટ્રેન આવે છે. જેમાં મુસાફરી કરનાર સિવાય તેમને મુકવા માટે તેમના પરિવારજનોના ધાડે ધાડાં આવતા હોય છે. જેને લઈ ટ્રેન આવવાના સમય પહેલાં બેથી ત્રણ કલાક અગાઉ સ્ટેશન પર ભારે ભીડ રહેતી હોય છે. બાંદ્રાથી પટના જતી ટ્રેન જેવી વાપી સ્ટેશને ઉભી રહે તે પહેલાં જ તેમાં ચઢવા માટે ભારે બબાલ સાથે અફરાતફરી મચી જાય છે. ઘણા પેસેન્જરો રોંગ સાઈડથી ચઢી જાય છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 02-05-22ને સોમવારે રાત્રે 10ની આસપાસ બાંદ્રાથી પટના જઈ રહેલી એક્સપ્રેસ ટ્રેન વાપી સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર આવી પહોંચી હતી. જે દરમિયાન આ ટ્રેનમાં ચઢવા માટે પેસેન્જરોનો ભારે ધસારો હતો. જેથી કેટલાક પેસેન્જરો સૌથી પહેલા કોટમાં ચઢી જવા રોંગ સાઈડથી પ્રવેશી રહ્યા હતા. ત્યારે પ્લેટફોર્મ નં.2 પરથી રોંગ સાઈડે આ ટ્રેનમાં ચઢવા જઈ રહેલા બે શ્રમિક યુવક સુરત તરફથી ધસમસતી આવી રહેલી મડગાંવ ગોલ્ડન એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં શરીરે ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં એક યુવકે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત બીજા યુવકને ચલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. વાપી રેલવે પોલીસની ટીમે સ્થળ પર પહોંચી મૃતક યુવકની લાશને લઈ પીએમ માટે મોકલી આપી હતી. આ ઘટનાની નોંધ વાપી રેલવે પોલીસ સ્ટેશનની ડાયરીમાં થતાં વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ મધુબેન કરી રહ્યા છે.

પોલીસ તપાસમાં આ બંને યુવકની ઓળખ થઈ ગઈ છે. જેમાં સ્થળ પર જ મોતને ભેટનાર યુવક રાજેન્દ્ર લાલો યાદવ જ્યારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડનાર યુવક જીતેન્દ્ર સોનક કઈલુ યાદવ હોવાનું જણાયું છે.

2009માં આજ ટ્રેને 5નો ભોગ લીધો હતો
બાન્દ્રાથી પટના જતી એક્સપ્રેસ ટ્રેન પહેલાં દર સોમવારે સાંજે 5-6 વાગ્યાની આસપાસ વાપી રેલવે સ્ટેશને આવતી હતી. ત્યારે પણ આ ટ્રેનમાં જવા માટે મુસાફરોનો ભારે ધસારો રહેતો હતો અને ટ્રેનમાં જઈ રહેલા મુસાફરોને સ્ટેશન પર મુકવા આવતા લોકોની પણ ભારે ભીડ રહેતી હતી. તે દરમિયાન ગત 2009માં સોમવારે સાંજે આ ટ્રેનમાં વાપી સ્ટેશનેથી ચઢવા માટે પેસેન્જરોનો ભારે ધસારો હતો. જેમાં પ્લેટફોર્મ નં.2 પરથી રોંગ સાઈડે ચઢવા જઈ રહેલા 5 પેસેન્જરો સુરત તરફથી આવી રહેલી કોઈ ટ્રેનની અડફેટે આવી જતાં સ્થળ પર જ મોતને ભેટ્યા હતા.

Most Popular

To Top