Dakshin Gujarat

‘દારૂની બાતમી કેમ આપી?’ કહી મિત્રને ઠમઠોર્યો, ને પછી હોસ્પિટલમાં દાખલ કર્યો

કામરેજ: સરથાણા પોલીસમથકમાં (Police Station) દારૂની (Alcohol) માહિતી આપી હોવાની અદાવત રાખી જમીન લે-વેચનો ધંધો કરતા ઈસમને વાવ પાસે બોલાવી મિત્રએ (Friend) પગમાં કુહાડી મારી તેમજ મિત્ર સાથે આવેલા ત્રણ ઈસમે લોખંડના પાઈપો વડે માર માર્યો હતો.

મૂળ ભાવનગરના નારી ગામના વતની અને હાલ સુરત મોટા વરાછા ખાતે સાંઈ દર્શન સંકુલમાં મકાન નં.ડી-4માં ભરત બાબુ મોરડિયા પરિવાર સાથે રહે છે. તેઓ જમીન મકાન લે-વેચનો ધંધો કરે છે. બે દિવસ અગાઉ રવિવારના રોજ કામરેજ તાલુકાના વાવ ગામે આવેલી સૂર્યદર્શન સોસાયટીમાં રહેતા મિત્ર મહેશ ધીરૂ રાવલે કામ માટે વાવ બોલાવ્યો હતો. પોતાની ફોર્ડ ઈકો સ્પોર્ટ કાર લઈ બપોરના 3.30 કલાકે વાવ જોખા રોડ પર હરેક્રિષ્ના રેસિડન્સી પાસે મહેશ અને તેનો મિત્ર શુભમ ખોખર તેમજ બીજા બે અજાણ્યા ઈસમો પાસે કારમાંથી ઊતરીને જતાં ચારેય ઈસમો ભરતને ગાળો આપી મારવા લાગ્યા હતા. મહેશે સાઈડમાં મૂકેલી કુહાડીથી જમણા પગના ઘૂંટણના નીચે ભાગે મારી દેતાં જમીન પર પટકાયા બાદ બીજા ત્રણેય ઈસમ લોખંડના પાઈપ વડે શરીરે તથા ડાબા અને જમણા ભાગે ઈજા કરી મિત્રો જ ભરતને કારમાં બેસાડીને વરાછાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં ભરતને મહેશે જણાવ્યું કે, ‘સરથાણા પોલીસમથકમાં વિદેશી દારૂના કેસની બાતમી આપી હતી એટલે તને માર્યો છે અને આજ પછી આવું નહીં કરતો. નહીં તો જાનથી મારી નાંખીશું અને આજે તું બચી ગયો બીજીવાર તને કોઈ નહીં બચાવશે’ તેમ કહી હોસ્પિટલમાં દાખલ કરાવી મહેશ અને શુભમ જતા રહ્યા હતા. આ અંગે કામરેજ પોલીસમથકમાં ચાર ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

ભરૂચમાં નંબર પ્લેટ વગરની મોપેડમાં દારૂ લઈ જતાં બે ઝડપાયા
ભરૂચ: ભરૂચના બરકતવાડમાં બુટલેગરને નંબર પ્લેટ વગરની મોપેડમાં રૂ.૧૮ હજારના દારૂ સાથે ભરૂચ બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે બે જણા પાસેથી રૂ.૭૧,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોવાથી ચોક્કસ બાતમી એવી મળી હતી કે, ભરૂચના બરકતવાડ બે ઈસમ મોપેડ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ આવી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવી દેતાં નંબર પ્લેટ વગરની એન્ટોક મોપેડ ગાડી જતાં તેમને રોક્યા હતા. પોલીસે મોપેડ પર સવાર મોહમદ સિદ્દીક ગુલામ કાસમ શેખ અને મોહમદ સહીલ ગુલામ મોહમદ પટેલની અંગજડતી કરતાં રોકડા રૂ.૯૮૦, બે મોબાઈલ રૂ.૨૫૦૦ મળ્યા હતા. મોપેડમાં ચેકિંગ કરતાં ત્રણ થેલીઓમાંથી રૂ.૧૮ હજારની ૩૬ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. ઝડપાયેલા મોહમદ સિદ્દીક ગુલામ કાસમ શેખે પોતાના મોબાઈલ પરથી વિદેશી દારૂ મંગાવ્યો હતો. મોપેડની કિંમત રૂ.50 હજાર મળી કુલ રૂ.૭૧,૪૮૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસ દ્વારા પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top