Gujarat

પેપરલીક કાંડ: હેડક્લાર્કની પરીક્ષા રદ, આ મહિનામાં ફરી લેવાશે: ગૃહમંત્રીની જાહેરાત

ગાંધીનગર: રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવનાર હેડ ક્લાર્કની (Head Clark) પરીક્ષા (Exam) આખરે રદ કરી દેવામાં આવી છે. ખુદ ગૃહરાજ્યમંત્રી (Home Minister) હર્ષ સંઘવીએ (Harshsanghvi) આ અંગે જાહેરાત કરી છે. બીજી તરફ પોલીસે પેપર લીક કેસના (Paper leak case) મુખ્ય સૂત્રધારને પકડી પાડ્યો છે.

ગઈ તા. 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board) દ્વારા હેડક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાના 3 દિવસ પહેલાં જ તેનું પેપર ફૂટી ગયું હોવાની વાત બાદમાં બહાર આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાતે જ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ કેસમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, પેપરલીક કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડ ખૂલ્લું પડ્યા બાદ સરકાર દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે એમ સંઘવીએ ઉમેર્યું હતું. સંઘવીએ કહ્યું કે, જે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. માર્ચ 2022માં હેડક્લાર્કની પરીક્ષા નવેસરથી લેવાશે. આ પરીક્ષાને નવી પદ્ધતિથી લઈ શકાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે. જે 70 પરીક્ષાર્થીઓએ લીક પેપર ખરીદયા હતાં તેમને પણ છોડવામાં આવશે નહીં. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે.

દરમિયાન આ કેસનો મુખ્ય સૂત્રધાર ઉપરાંત બે વિદ્યાર્થીઓ પકડાયા છે. વિદ્યાર્થીઓ પાસેથી 12 લાખ તેમજ અન્ય 5 લાખની ડીલ થઈ હતી. પૈસાની લેતીદેતી હજુ સુધી થઈ નહોતી. મુખ્ય આરોપીને આશરો આપનાર ઉપર પણ કાર્યવાહી કરાશે. તમામ આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાયા છે. આ કેસમાં વધુ નામો ખુલવાની સંભાવના છે.

તમને જણાવી દઇએ કે, અમદાવાદ નજીક સાણંદના એક પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશ નામની વ્યક્તિને પેપર વેચ્યું હતું. ગાંધીનગર LCB એ કિશોર આચાર્યની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે અન્ય આરોપી દીપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે, તેની ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં 6 શહેરમાં 782 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં 88 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે અગાઉ કોરોનાને કારણે મોકૂફ રખાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં.

Most Popular

To Top