uncategorized

આપના નેતા અને કાર્યકરોને છોડાવવા જતા વકીલને પોલીસે ડિટેઈન કરી લીધા, હવે જામીન કોણ કરાવશે એ સવાલ

ગાંધીનગર: સોમવારે ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપ (BJP) કાર્યાલય કમલમની બહાર વિરોધ પ્રદર્શન (Protest) કરતી વેળા અટકાયત કરાયેલા આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) નેતા (Leaders) અને કાર્યકરોને છોડાવવા ગયેલા વકીલોને (Advocate) ડીટેઈન (Detain) કરી લેવામાં આવ્યા છે. તેથી હવે આપના નેતા અને કાર્યકરોને કોણ છોડાવશે તે પ્રશ્ન ઉભો થયો છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર ફૂટી (Paper leak case) જવાના કેસમાં પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સહિત કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે આપના નેતા અને કાર્યકરો દ્વારા સોમવારે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમની બહાર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહીં પોલીસે આપના નેતાઓને ટીંગાટોળી કરી પકડી લીધા હતા. લાઠીચાર્જમાં ગોપાલ ઈટાલિયા સહિત આપના અનેક નેતા ઘાયલ થયા હતા. પોલીસે 6 નેતા સહિત 70 કાર્યકરોની અટકાયત કરી તી. આ સાથે જ પોલીસે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકામાં આપના નેતાઓની અટકાયત શરૂ કરી હતી. અટકાયત કરાયેલા નેતા અને કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ નેતા અને કાર્યકરોને છોડાવવા માટે આજે અમદાવાદ કુબેરનગર વિસ્તારમાં રહેતા વકીલ જયેન્દ્ર આભવેકર ગાંધીનગર જવા નીકળ્યા હતા ત્યારે પોલીસે તેમને પણ ડિટેઈન કરી લીધા હતા. વકીલ દ્વારા જામીનના પેપર તૈયાર કરી લેવાયા છે, પરંતુ તેઓને જ પોલીસે ડિટેઈન કરી લેતા હવે આપના નેતા-કાર્યકરોને કોણ છોડાવશે તે સવાલ ઉભો થયો છે.

તાનાશાહી વિરુદ્ધ આપના નેતાઓ કોર્ટમાં ફરિયાદ દાખલ કરશે, વિરોધ પ્રદર્શન કરાશે

સોમવારે ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલયની બહારથી આપના નેતા અને કાર્યકરો સહિત 70 લોકોની પોલીસે અટકાયત કરી હતી. તમામ સામે 18 કલમ લગાડવામાં આવી છે. આપના નેતાઓએ પોલીસના વલણ સામે આક્ષેપ કરતા કહ્યું કે, પોલીસ કોઈકના ઈશારે પહેલાંથી જ આપના કાર્યક્રમ વિરુદ્ધમાં વર્તી રહી હતી. પોલીસ પર અમને ભરોસો નથી. સીસીટીવી ફૂટેજ અને મીડિયા ફૂટેજના પુરાવા સાથે અમે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું. આ સાથે જ રાજ્યના અલગ અલગ જિલ્લામાં આપના નેતા અને કાર્યકરો પ્રતીક ધરણા કરી તાનાશાહીનો વિરોધ કરશે.

ધરપકડ કરાયેલા AAPના નેતાઓને કોર્ટમાં રજૂ કરાશે
ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે વિરોધપ્રદર્શન અને ચેરમેન અસિત વોરાનું રાજીનામું માગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓની છેડતી, રાયોટિંગ સહિતના ગુનામાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. AAPના નેતા ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવીણ રામ, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ બાદ આજે બપોરે 3.30 વાગ્યે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

500 સામે ફરિયાદ, 70ની ધરપકડ, જેમાં 26 મહિલા
ગાંધીનગરના એસપી મયૂર ચાવડાના જણાવ્યા અનુસાર આપના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, હસમુખ પટેલ, નિખિલ સવાણી, પ્રવીણ રામ અને શિવ કુમાર સહિતન 500 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. તે પૈકી 70 લોકોની ધરપકડ કરાઈછ ે, જેમાં 26 મહિલા પણ સામેલ છે. તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. હવે તમામને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પકડાયેલી મહિલાઓને સાબરમતી જેલમાં મોકલાશે.

Most Popular

To Top