World

પાકિસ્તાનના પીએમ શાહબાઝના પુત્ર હમઝાને સુપ્રીમે સીએમ પદેથી હટાવ્યા

કરાચી: પાકિસ્તાનનો (Pakistan) આંતરિક વિવાદ અટકવાનું નામ જ નથી લેતો ખાસ કરીને ત્યાંની રાજકીય પાર્ટીઓ (Political Party) વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ દિવસેને દિવસે ઘટવાના બદલે વધતી જાય છે. પાકિસ્તાન આઝાદ થયા પછી કોઇ સરકારે પાંચ વર્ષ કાઢ્યા હોય તેવું બન્યું નથી. અહીં ગણતરીના વર્ષોમાં જ અથવ તો સરકાર પડી જાય છે અથવા તો રાષ્ટ્રપતિ કે પ્રધાન મંત્રીએ (PM) દેશ છોડવો પડે છે અથવા તો તેમની હત્યા થઇ જાય છે. તાજેતરમાં જબહુમતિમાં રહેલી ઇમરાન સરકાર પડી ભાંગી છે અને તેમના સ્થાને શાબબાઝને (Shahbaz) વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે હવે તેમના પુત્રને પણ ત્યાંની સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. તેમના પુત્ર પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી હતા તેમને હટાવી નાંખવામાં આવ્યા છે અને તેમના સ્થાને પીએમએલ-ક્યુના નેતા ચૌધરી પરવેઝ ઇલાહીએ નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરી લીધા છે.

પાકિસ્તાનની જીઓ ન્યૂઝ ચેનલના માધ્યમથી મળેલા સમાચાર અનુસાર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પંજાબ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દ્વારા 10 મતો અમાન્ય ગણવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો. સુપ્રીમે કહ્યું હતું કે, પીએમએલ-ક્યુના નેતા ચૌધરી પરવેઝ ઇલાહી જ પંજાબ પ્રાંતના નવા મુખ્યમંત્રી બનશે. પાકિસ્તાન તહેરિકે ઇન્સાફનો ટેકો ધરાવતા પરવેઝ ઇલાહીને ડેપ્યુટી સ્પીકર દોસ્ત મોહંમદ મઝારીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી તરીકે પરવેઝ ઇલાહીને શપથ લેવડાવ્યા હતાં. સુપ્રીમ કોર્ટની જે બેંચે આ ચૂકાદો આપ્યો હતો તેમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે ઉમર અત્તા બંદિયાલ, ન્યાયાધિશ ઇઝાઝ ઉપ અહસન તેમજ ન્યાયમૂર્તિ મુનિબ અખતરનો સમાવેશ થતો હતો. આ નવા સમીકરણના કારણે પાકિસ્તાનના રાજકારણમાં ફરી એક વખત ગરમાટો આવી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બહુમત મેળવ્યા પછી પણ શુક્રવારે ચૂંટણીમાં હારી ગયેલા પરવેઝ ઇલાહીએ ડેપ્યુટી સ્પીકર દોસ્ત મઝારીના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન શાબબાઝ શરીફના પુત્ર હમઝાને વિજેતા જાહેર કરી દીધા હતા. આ પડકારની અરજીની સુનાવણી કરતાં ખંડપીઠે કહ્યું હતું કે, પરવેઝ ઇલાહી જ પંજાબ પ્રાંતના નવા મુખ્યમંત્રી હશે. પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી માટે આ મોટો ઝાટકો હોવાનું ત્યાંના રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યાં છે જ્યારે ઇમરાન ખાન આ નિર્ણયથી ખુશી વ્યક્ત કરી રહ્યાં છે કારણ કે, પરવેઝ ઇલાહીને તેમની પાર્ટીએ ટેકો જાહેર કર્યો હતો. પંજાબ પ્રાંતને પાકિસ્તાનના રાજકારણનું એપી સેન્ટર ગણવામાં આવે છે અને હવે જ્યારે અહીં વડા પ્રધાન શાહબાઝના પુત્ર હમઝાએ પીછેહઠ કરવી પડી છે તે નવી સરકાર માટેના સારા સંકેત નથી. રાજકીય ખેંચતાણમાં જ અહીંના નેતાઓ રચ્ચાપચ્યા રહેતા હોવાથી પાકિસ્તાનના વિકાસ ઉપર તેની ગંભીર અસર પડે છે.

Most Popular

To Top