National

ગ્વાલિયરમાં એક પરિવારનું લાઇટ બિલ આવ્યું 3400 કરોડ!

ગ્વાલિયર(Gwalior): સરકારીતંત્રના ગરબડ ગોટાળા તો સતત પ્રકાશમાં આવતા જ રહે છે. ખાસ કરીને વિજકંપની(Power companies)ઓની હાલત તો ખૂબ જ બદતર છે. તેમાં પણ મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં જે થયું છે તે ખૂબ જ ચોંકાવનારું છે સાથે સાથે એટલું જ રમૂજી પણ છે. મધ્યપ્રદેશમાં જે બન્યું છે તે ત્યાંના ઉર્જામંત્રી પ્રદ્યુમનસિંહ તોમરના શહેર ગ્વાલિયરમાં જ બન્યું છે. અહીં એક બે માળના મકાનનું બીલ(Bill) લાખોમાં નહીં પરંતુ કરોડો(Crores)માં આવ્યું છે અને તે પણ એટલું મસમોટુ છે કે, આટલા રૂપિયામાં તો એક નાના શહેરનું આખું બજેટ આવી જાય. આ બિલની રકમ સાંભળીને કોઇને પણ એટેક આવી જાય તેમ છે. આ બિલ 3400 કરોડ રૂપિયાથી પણ વધુનું છે.

બિલ જોઈ પિતા અને પુત્રીનું બ્લડ પ્રેશર વધુ ગયું
પહેલા તો મોબાઇલ પર બિલનો મેસેજ આવ્યો ત્યારે પરિવારને લાગ્યું કે, આ બિલ ભૂલથી આવ્યું છે પરંતુ જ્યારે ઓનલાઇન ચેક કર્યું ત્યારે પણ 3400 કરોડ ઉપરાંતની રકમ જ દેખાતી હતી. આ બિલ જોઇને મકાન માલિક મહિલા અને તેના પિતાનું બ્લડ પ્રેશર વધી જતાં બંનેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. જ્યારે વીજકંપનીએ આ તમામ પ્રકરણની તપાસ કરી ત્યારે ખબર પડી કે વીજ કર્મચારીએ મીટર રિડિંગ કરતી વખતે યુનિટની પ્રમાણેની રકમના બદલે મીટરનો સર્વિસ નંબર નાંખી દીધો હતો. જેના કારણે આટલુ મસમોટુ બિલ જનરેટ થયું હતું. આ મામલો સામે આવતા જ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને તપાસ કરતાં ખબર પડી કે ખરેખર બિલ 1300 રૂપિયા હતું. જો કે, આટલી મોટી ભૂલ થતાં ઉર્જા મંત્રી તોમર તરત જ હરકતમાં આવી ગયા હતાં. તેમણે એક કર્મચારીને ફરજમોકુફ કરી દીધો છે તો અન્ય એકને બરતરફ કરી દીધો છે. સાથે જ આ ક્ષેત્રના જૂનિયર એન્જિનિયરને પણ નોટિસ આપવામાં આવી છે.

ગ્વાલિયરમાં આવેલું મહિલાનું ઘર

અધિકારીઓએ ભૂલ સ્વીકારી
આ ઘટના ઉપર નજર કરીએ તો ગ્વાલિયરના સિટીસેન્ટર સ્થિત મેટ્રો ટાવરની પાછળ આવેલી શિવવિહાર કોલોનીમાં એડવોકેટ સંજીવ તેની પત્ની અને સસરા સાથે રહે છે. તેમના ઘરનું મીટર પત્ની પ્રિયંકા ગુપ્તાના નામે છે. જે ગૃહિણી છે. સંજીવ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે તેમની પત્નીના મોબાઇલ ઉપર બિલ માટેનો મેસેજ વીજ કંપની તરફથી આવ્યો હતો અને તેમાં 34,53,25,993 રૂપિયા ભરવા પડશે તેમ દર્શાવવામાં આવ્યું હતું. જો કે આ બિલની રકમ જોતા જ તેમની પત્ની પ્રિયંકા અને સસરા રાજેન્દ્રપ્રસાદનું બ્લડ પ્રેશર વધી જતાં બંનેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. તેમણે આ બિલ 30 જુલાઇ સુધીમાં ભરવાનું હતું નહીં તો પેનલ્ટી થશે તેવું પણ આ મેસેજમાં કહેવામાં આવ્યું હતું. ત્યારપછી તેમણે વીજકંપનીના ચક્કર કાપવા પડ્યા હતાં અને અધિકારીઓને સમગ્ર હકીકતથી વાકેફ કર્યાં હતાં. ત્યાર પછી અધિકારીઓએ ભૂલ સ્વીકારી હતી અને બિલમાં સુધારો કરી આપ્યો હતો.

Most Popular

To Top