Columns

શહેરોમાં વરસાદમાં થતા પાણીભરાવ : જવાબદાર કોણ?

છેલ્લાં કેટલાંક વર્ષોમાં વરસાદથી શહેરોમાં જાણે આફત ઊતરી પડે છે. વરસાદનો રીતસરનો ભય શહેરોમાં પ્રસરે છે અને જ્યારે ભારે વરસાદ થાય છે ત્યારે શહેરોમાં ઠેરઠેર તેના વિનાશના પ્રમાણેય દેખાય છે. આ વર્ષે પણ ગુજરાતમાં વરસાદ તેના સરેરાશથી થોડો જ વધુ થયો છે, તેમ છતાં વરસાદના કહેરની વાતો સર્વત્ર થઈ રહી છે. ખરેખર વરસાદને આકાશી સોનું તરીકે સંબોધવામાં આવે છે પણ આ સંબોધન હવે ગ્રામીણ ક્ષેત્રો પૂરતું મર્યાદિત રાખવું પડે. શહેરોમાં વરસાદથી થઈ રહેલી તબાહીના નજારા દેશના દરેક શહેરોમાં જોવા મળે છે. સરેરાશ વરસાદથી એવું તો શું થઈ જાય છે કે સર્વત્ર પાણી પાણી થઈ જાય અને કરોડોની સંપત્તિ તેમાં નષ્ટ થઈ જાય. 10 જુલાઈના રોજ અમદાવાદમાં થયેલા વરસાદમાં અનેક લોકોની સંપત્તિ વહી ગઈ અથવા તો પાણીમાં તે નકામી બની ગઈ.

આવું સિઝનમાં એક વાર નહીં પણ અનેક વાર થાય છે અને તેનાથી શહેરોમાં વરસાદનો ભય પ્રસર્યો છે. સોશ્યલ મીડિયાની એક કોમ્યુનિટી ‘લોકલ સર્કલ્સ’ દ્વારા દેશમાંથી 304 જિલ્લાનો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં 86 % લોકોએ એમ સ્વીકાર્યું છે કે વૉટર લોગિંગના કારણે તેઓને વરસાદી ઋતુમાં ખૂબ હાલાકી ભોગવવી પડે છે. શહેરોમાં વરસાદ આફત બન્યાે છે તેનું સૌ પ્રથમ મુખ્ય કારણ શહેરોમાં રહેલી વૉટર બૉડી પર થયેલાં ગેરકાયદેસર દબાણ છે. આપણાં શહેરો જે પશ્ચિમી દેશોના શહેરોની માફક નિર્માણ પામ્યા છે તે અગાઉ નાનાં નગરો હતા અને તે નગરોની આસપાસ ગામડાંઓ હતા. આ ગામડાઓ ધીરે ધીરે શહેરોમાં ભળ્યા અને શહેરો મહાકાય બનતા ગયા.

આવું અમદાવાદ, સુરત જેવા મોટા શહેરો સહિતના નાના નાના નગરોમાંય થયું છે. ધીરે ધીરે શહેરો-નગરો આસપાસના વિસ્તારને પોતાનામાં સમાવે છે. હવે જ્યારે આવું થાય છે ત્યારે આસપાસની વૉટર બૉડી પર જોખમ આવે છે. વૉટર બૉડી એટલે નાનાં તળાવ કે પછી શહેરોની એવી જગ્યા જ્યાં વરસાદના સમયમાં પાણી વહીને નીકળી જાય. અમદાવાદ, વડોદરા અને સુરતમાં આ વૉટર બૉડીમાં નદીઓને પણ કહી શકાય. વરસાદ દરમિયાન શહેરોના પાણી નદીઓમાં વહી જતા અને તેનાથી વૉટર લોગિંગની સમસ્યા સર્જાતી નહોતી પરંતુ હવે તળાવ પુરાઈને તેની પર મોટી મોટી સ્કીમો બની જે કારણે વરસાદનું પાણી માર્ગો પર જમા થાય છે.

તદ્ઉપરાંત શહેરોની નદીઓની આસપાસ થયેલાં બ્યૂટીફીકેશનના કારણે નદીઓ સંકટ સમયે શહેરોને બચાવી શકતી નથી. અમદાવાદનો જ દાખલો લઈએ તો સાબરમતી જે શહેર વચ્ચેથી વિશાળ પટ્ટામાં વહેતી હતી તેના પર બ્યૂટીફીકેશનના નામે રિવરફ્રન્ટ બનાવી દેવામાં આવ્યો છે. તેનાથી શહેરની શોભા ચોક્કસ વધી છે પણ ચોમાસા દરમિયાન હવે સાબરમતીમાં શહેરનું પાણી જઈ શકે તેવો અવકાશ ઘટી ગયો છે. આવું મુંબઈમાં પણ અનેક વાર થયું છે. મુંબઈમાં વૉટર લોગિંગનો પ્રશ્ન દર ચોમાસાનો છે. મુંબઈમાં સરેરાશ વરસાદ વધુ થાય છે તદ્ઉપરાંત તે દરિયાકાંઠે વસેલું છે. મુંબઈનો આજે જે ભૂગોળ વિસ્તાર દેખાય છે તેમાંથી ઘણો વિસ્તાર ખાડી તરીકેનો હતો, જે વરસાદનું પાણી પોતાનામાં સમાવી લેતું પણ મુંબઈ જેમ વિસ્તરતું ગયું અને વધુ ને વધુ લોકો મુંબઈમાં નિવાસ શોધતા ગયા તેમ આ ખૂબસૂરત શહેર પર ભારણ વધ્યું. છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈ વૉટર લોગિંગના પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે.

2005માં તો મુંબઈમાં આવેલા પૂરના કારણે 1094 લોકોના મોત થયાં હતાં. આવું થયું તેની પાછળનું એક કારણ નબળી ડ્રેનેજ વ્યવસ્થા હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ ડ્રેનેજ વ્યવસ્થા બદલવા અર્થે 1985માં સુધ્ધાં પ્રસ્તાવ મુકાયો હતો પણ તેને મંજૂરી મળતી નહોતી. છેલ્લે જ્યારે 2005માં મુંબઈમાં જાનમાલની અતિશય ખુવારી જોઈ પછી તે પ્રસ્તાવ મંજૂર થયો. એક અંદાજ મુજબ મુંબઈ શહેરને 2005થી 2015 વચ્ચે વૉટર લોગિંગના કારણે 14,000 કરોડનું નુકસાન થયું છે. મુંબઈ જેવી સ્થિતિ મહદંશે દેશના દરેક શહેરની છે. છેલ્લાં વર્ષોમાં આપણે સૌથી ભયાવહ પૂર શહેરોમાં જોયા છે. તેમાં હૈદરાબાદ, ચેન્નઈ, મુંબઈ, શ્રીનગર અને અનેક નાનાં-મોટાં શહેરો છે.

વરસાદી આફતને પણ ગંભીરતાથી લેવાતી નથી કારણ કે આ આફત સિઝનલ છે અને સિઝનમાં પણ ભયંકર વૉટર લોગિંગનો મુદ્દો બેથી ત્રણ વાર શહેરને અડચણરૂપ બને છે. આ સ્થિતિમાં દર વર્ષે લોકો સપડાય છે પરંતુ શાસકો સહિત લોકો પણ દિવસોમાં સમસ્યાને ભૂલીને ફરી તે વ્યવસ્થામાં ગોઠવાય જાય છે. ગુજરાત સહિત દેશના અન્ય શહેરોમાં પણ વૉટર લોગિંગ થવાનું બીજું સૌથી મોટું કારણ આડેધડ નિર્માણ પામી રહેલી ગગનચુંબી ઇમારતો છે. શહેરોની જેમ વસ્તી વધી રહી છે તેમ મોટા ભાગના શહેરોમાં ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ મતલબ કે વધુ ફ્લોરની ઇમારતની મંજૂરી આપવામાં આવે છે. શહેરોના નવા વિસ્તારોમાં હાઇરાઇઝ બીલ્ડિંગ નિર્માણમાં મુશ્કેલી આવતી નથી અને ત્યાં હજુ સુધી શહેરના કેન્દ્રિય વિસ્તાર જેવી વૉટર લોગિંગની સમસ્યા સર્જાતી નથી પરંતુ શહેરના જે હિસ્સામાં નિર્ધારિત મર્યાદાની ડ્રેનેજ વ્યવસ્થા હોય અને ત્યાં જો ગગનચુંબી ઇમારતો બને તો તે બીલ્ડિંગના પાણીના નિકાલ માટે કોઈ ડ્રેનેજ વ્યવસ્થા નિર્માણ કરવામાં આવતી નથી.

આ સ્થિતિમાં વધુ વરસાદ વિલનનું કામ કરે છે અને તે કારણે શહેરોમાં પાણીનો નિકાલ ડ્રેનેજ વ્યવસ્થામાં થઈ શકતો નથી. આ પછીનો પ્રશ્ન પણ ઇમારતના નિર્માણને લગતો જ છે, જેના કારણે પણ વૉટર લોગિંગ અવારનવાર થાય છે. હવે જે વિસ્તારમાં વૉટર લોગિંગનો પ્રશ્ન છે ત્યાં પણ લોકો નવી બનતી સ્કીમોમાં પ્રોપર્ટી ખરીદતાં અચકાતા નથી. આ કિસ્સામાં બિલ્ડરો એવું કહીને પ્રોપર્ટી ખરીદનારને આશ્વાસન આપે છે કે તેઓ જે સ્કીમ નિર્માણ કરશે તેની ઊંચાઈ વધુ રહેશે, જેથી તેમની સ્કીમમાં પાણીભરાવ થશે નહીં.

આ આશ્વાસન પર બિલ્ડર થોડા વર્ષ ખરો પણ ઊતરે પરંતુ જેવી પાછી કોઈ નવી સ્કીમ તે વિસ્તારમાં આવે ત્યારે તે સ્કીમ પાછલી નિર્માણ પામેલી બધી સ્કીમોથી વધુ ઊંચાઈ પર કરશે અને આમ જે-તે વિસ્તારમાં પહેલી પ્રોપર્ટી ખરીદી હોય તેનો સૌથી પહેલા મરો થાય છે. અમદાવાદમાં તો આમ થઈ જ રહ્યું છે. આ ટ્રેન્ડ અન્ય શહેરોમાં પણ જોવા મળે છે કે નિર્માણ થતી ઇમારતોને આસપાસની જમીન કરતા વધુ ઊંચાઈ પર બનાવવી, જેથી પાણી ભરાવનો પ્રશ્ન સ્કીમ સુધી ન આવે. આ પ્રેક્ટિસના શિકાર સામાન્ય લોકો બની રહ્યા છે. સરકાર દ્વારા આ મામલે કોઈ ઠોસ કાર્યવાહી થઈ રહી નથી કારણ કે શાસકોનો સંબંધ બિલ્ડર્સ સાથે મૈત્રીનો રહ્યો છે, જેના કારણે જીવનભરની મૂડી ખર્ચીને સામાન્ય લોકો આ રીતે વરસાદમાં પોતાનું બધું જ પાણીમાં વહી જતા જોવા માટે મજબૂર બને છે.

વૉટર લોગિંગનો તે પછીનો પ્રશ્ન છે તે જ્યાં-ત્યાં સિમેન્ટ પાથરી દેવાનો. શહેરમાં મુખ્ય માર્ગની આસપાસ ફૂટપાથ બને કે પછી જ્યાં જરૂર હોય ત્યાં સિમેન્ટ પાથરવામાં આવે તે આવશ્યક છે પણ શહેરોમાં અનેક જગ્યાઓ એવી હોય જ્યાં માટી રહે તો તેનાથી નુકસાન નથી બલકે લાભ જ છે પરંતુ હવે નાની નાની સોસાયટીઓની ગલીઓમાં પણ સિમેન્ટ પાથરીને પાકો માર્ગ બનાવી દેવામાં આવે છે. આ માટે સરકાર સબસિડી પણ આપે છે. આ સ્થિતિમાં પાણીની જમીનમાં જવાની જરાસરખી સુધ્ધાં જગ્યા રહેતી નથી. ઉનાળા કે શિયાળા દરમિયાન આ સોસાયટીઓ ભલે સુંદર લાગતી હોય પણ વરસાદમાં આ કારણે નિવાસીઓને વધુ નુકસાન ભોગવવું પડે છે. આ સિવાય પાણીભરાવનું એક બીજું મહત્ત્વનું કારણ ગટરોમાં નાંખવામાં આવતું પ્લાસ્ટિક છે, જેના કારણે ગટરોમાં પાણી વહી શકતું નથી અને ભારે વરસાદ સમયે પાણીભરાવ થાય છે. શહેરો જે રીતે મોટા થઈ રહ્યા છે તે રીતે શાસકો પર બધો જ દોષ નાંખી દેવાની જરૂર નથી પરંતુ વરસાદમાં થઈ રહેલી સ્થિતિ લાવવામાં લોકોની જવાબદારી પણ એટલી જ છે.

Most Popular

To Top