Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: પંદર દિવસમાં બિઝનેસ લોન અપાવવાની લાલચ આપીને 2.59 લાખની છેતરપિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજ ગુજારતા નામંજૂર થઈ હતી.  દાંડિયાબજામાં રહેતા દેવિકાબેનના પતિ દિપેશભાઈ નાયકને ધંધાર્થે નાણાંની જરૂર ઉભી થતા બિઝનેસ લોન લેવા માટે હરિશ વાટુમલ ધારવાણી અને મહેશ તુલસીદાસ અડવાણીનો (બિલીપત્ર કોમ્પલેકસ, હરણી-વારસિયા રિંગ રોડ) સંપર્ક 9 માસ પૂર્વે કર્યો હતો. લોન કન્સલ્ટીંગની કામગીરી કરતા બંને ભેજાબાજોએ 18 લાખની લોન માટે 22 ટકા રકમ રોકડેથી ભરવા જણાવ્યું હતું અને નાણાં ભરપાઈ થવાના 15 દિવસમાં જ લોન મળી જશે તેવી ખાતરી આપી હતી. દંપતિએ દાગીના ગીરવે મૂકીને તેમજ સગાસંબંધીઓ પાસેથી હાથ ઉછીના નાણાં લઈને બંને ઠગ બેલડીની પાસે જમા કરાવ્યા હતા.

પખવાડિયાના સમયમર્યાદા પૂરી થયા બાદ કન્સલ્ટિંગ કરતા બંને ઈસમોને વારંવાર પૂછતાછ કરવા છતાં ઉડાઉ જવાબ આપ્યા હતા. લાંબા અરસા સુધી લોન કે નાણાં પરત ના મળતા દંપતિને ભરોસો આપીને ત્રણ ચેક આપ્યા હતા. જો કે ચેક બેંકમાં ભરતા પરત ફર્યા હતા. ઠગ બેલડીની બદદાનત પારખી ગયેલા દેવિકાબેન ના છુટકે વારસિયા પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાવતા જ બંને આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસની ઘોંસ વધતા વોન્ટેડ હરિશ વાટુમલ ધરવાણીએ તેના ધારાશાસ્ત્રી દ્વારા અત્રેની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજ મૂકી હતી. ન્યાયાધિશે સુનાવણી હાથ પર લેતા બંને પક્ષોની ધારદાર દલીલ અને પુરાવા ધ્યાને લીધા બાદ આગોતરા નામંજૂર કર્યા હતા.

To Top