SURAT

VIDEO: એક કલાકમાં 2 ઈંચ વરસાદ પડતાં સુરતના આ મહોલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

સુરતન (Surat) : સુરત શહેરમાં બપોરે 2 વાગ્યાથી દેમાર વરસાદ (Rain) વરસવાનું શરૂ થયો હતો. સતત 1 કલાક કરતા વધુ સમય સુધી વરસાદ વરસવાના લીધે ઠેરઠેર પાણી ભરાયા હતા. અહીંના રૂસ્તમપુરા પોલીસ ચોકી નજીક આવેલા કાલિપુલ દક્ષિણી મહોલ્લામાં ફરી એકવાર પાણી ભરાઈ ગયા હતા. લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. રસ્તા પર પાર્ક કરેલી રિક્ષા પોણા ભાગની ડુબી ગઈ હતી. ફરજિયાતપણે લોકોએ ઓટલા પર ચઢી જઈ જાત બચાવવી પડી હતી. આખાય મહોલ્લામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. દુકાનોમાં પાણી ભરાતા સામાન ભીનો થઈ ગયો હતો. આવી જ હાલત સુરત મનપાની કચેરી નજીક આવેલા હોડી બંગલા વિસ્તારની પણ થઈ હતી. અહીં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. નહેરમાંથી પસાર થઈ રહ્યાં હોય તેમ લોકોએ રસ્તા પર ચાલવું પડ્યું હતું.

એક કલાકમાં વરસ્યો 2 ઈંચથી વધુ વરસાદ
સુરતમાં આજે શુક્રવારે બપોરે 2 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો, જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સતત 1 કલાક દેમાર વરસાદ વરસ્યો હતો. સુરત પાલિકાના ચોપડે એક કલાકમાં 56 મિ.મી એટલે કે 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેના લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. સૌથી વધુ વરસાદ નોર્થ ઝોન કતારગામમાં 78 મિ.મી. અને સેન્ટ્રલ ઝોનમાં કોટ વિસ્તારમાં 56 મિ.મી. પડ્યો હતો.

આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં 37 મિ.મી., ઈસ્ટ ઝોન એ વિભાગમાં 5 મિ.મી અને ઈસ્ટ ઝોન બી વિભાગમાં 8 મિ.મી. વરસાદ પડ્યો હતો. સાઉથ વેસ્ટ ઝોનમાં 10 મિ.મી. અને સાઉથ ઈસ્ટ ઝોનમાં 26 મિ.મી. વરસાદ વરસ્યો હતો. સુરતના વિયર કમ કોઝવેની સપાટી 6.98 મીટર નોંધાઈ હતી. ઉકાઈ ડેમની સપાટી 334.77 ફૂટ નોંધાઈ હતી. ઉકાઈ ડેમમાં ઈનફલો 9044 ક્યૂસેકની સામે 23,464 ક્યૂસેકનો આઉટફલો જાળવી રાખવામાં આવ્યો છે.

આ અગાઉ સુરત શહેરમાં રાત્રિના સમયે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. રાત્રે સૌથી વધુ વરસાદ વરાછા બી ઝોનમાં અઢી ઈંચ નોંધાયો છે અને અઠવા ઝોનમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરત શહેરનાં વિવિધ ઝોન પ્રમાણે રાત્ર પડેલા વરસાદમાં સેન્ટ્રલ ઝોનમાં 54 મીમી, રાંદેર ઝોનમાં 29, કતારગામ ઝોનમાં 48, વરાછા એ ઝોનમાં 33, બી ઝોનમાં 63, લિંબાયત ઝોનમાં 44, અઠવા ઝોનમાં 52 અને ઉધના ઝોનમાં 06 મીમી વરસાદ નોંધાયો છે. સુરતમાં ગઈકાલથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં ઉનાળા જેવા આકરા તાપમાં ઠંડક વ્યાપી જવા પામી છે.

Most Popular

To Top