Charchapatra

રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાઇ રહે એનું સૌ ધ્યાન રાખીએ

આવી રહેલી પંદરમી ઓગષ્ટના દિવસે, આપણને અર્થાત્ આપણા ભારત દેશને આઝાદી મળ્યાને ૭૫ વર્ષ પૂરાં થાય છે. આ દિવસે, પરંપરાગત આપણે ત્યાં દેશભરમાં રાષ્ટ્રના પ્રતીક સમા ત્રિરંગાને લહેરાવવામાં આવે છે. આ વખતે ભારત સરકાર અને ખાસ કરીને વડા પ્રધાન મોદીના આગ્રહથી દેશભરમાં ઘેરેઘેર રાષ્ટ્રધ્વજ લહેરાવવાની, લોકોને વિનંતી કરવામાં આવી રહી છે. આપણી રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને એ માટે, ત્રિરંગો દરેક ઘેર લહેરાય એ ગર્વ અને આનંદની બાબત હોઇ શકે છે.

એક કરોડ ત્રિરંગા ધ્વજો, લહેરાવવાની યોજના છે અને લાગે છે કે ત્રણેક દિવસ માટે ઘરે ઘરે ત્રિરંગો જરૂર ફરકશે. આપણા ગર્વને ઉજાગર કરતા અને દેશભકિતની ભાવનાને વધારતા આ કાર્યક્રમને સફળતા મળશે, એવું ભારતનો પ્રત્યેક નાગરિક ઇચ્છા રાખે, એ સ્વાભાવિક બાબત છે. પણ આપણે સર્વ નાગરિકોએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે કે, આપણો એ ત્રિરંગો, ગમે ત્યાં રઝળવો જોઇએ નહિ.

જેમ રોડ ઉપર નકામા લુગડાંના ટુકડા તથા કાગળના ડૂચા, આમ તેમ ઊડતા કે રખડતા હોય છે, એમ આપણો ત્રિરંગો રસ્તે રઝળવો જોઇએ નહિ. છતાં આમ જો બને તો એ આપણા રાષ્ટ્રનું અપમાન ગણાશે. માટે ત્રણ દિવસના કાર્યક્રમ પછી ત્રિરંગાને, યોગ્ય રીતે ઘરમાં મૂકી દેવો રહ્યો. ઘર બહાર સગવડ હોય તો, એ ભલે ને કાયમ માટે, આપણે આંગણે ફરકતો રહે. ટૂંકમાં કાર્યક્રમ પત્યા પછી, ત્રિરંગાની ગરિમા જળવાય એનું આપણે આઝાદ ભારતનાં બધાં જ નાગરિકોએ પૂરતું ધ્યાન રાખવાનું છે. જય રાષ્ટ્રધ્વજ, જય આઝાદ ભારત.
સુરત     – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top