Columns

ભારતમાં ઇલેક્ટ્રિક કારની બજારમાં જોરદાર હરીફાઈ જોવા મળશે

એવું માનવામાં આવે છે કે શાઓમી ટેસ્લા અને BYD સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહી છે. ચીનમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારના મોડલ ૩ની શરૂઆતની કિંમત ૨,૪૫, ૯૦૦ યુઆન છે. ભારત સરકારની નીતિ પેટ્રોલ અને ડિઝલથી ચાલતાં વાહનો બંધ કરીને વીજળીથી ચાલતાં વાહનોને પ્રોત્સાહન આપવાની છે, જેને કારણે ભારતમાં ઇલેક્ટ્રિક કારના બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. અમેરિકાની ટેસ્લા કંપની ઇલેક્ટ્રિક કારની બજારમાં આગેવાન હતી, પણ ભારતમાં તેની કાર લોન્ચ થાય તે પહેલાં ટાટા કંપની દ્વારા સ્વદેશી બનાવટની ઇલેક્ટ્રિક કારો બજારમાં મૂકી દેવામાં આવી છે.

હવે ટેસ્લા કંપની પણ ભારતની બજારમાં ઝંપલાવવાની તૈયારી કરી રહી છે. ભારતમાં ટેસ્લા કંપનીને ટાટા ઉપરાંત ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી ઇલેક્ટ્રિક કારનો પણ મુકાબલો કરવો પડશે, કારણ કે ચીની કંપનીઓ સૌથી સસ્તી અને સૌથી મજબૂત ઇલેક્ટ્રિક કારો બનાવી રહી છે. ચીનમાં મોબાઇલ ફોન બનાવતી શાઓમી કંપની દ્વારા તાજેતરમાં ઇલેક્ટ્રિક કાર બજારમાં મૂકવામાં આવી છે, જેને ભારે સફળતા મળી છે.

ટેસ્લાએ ભારતમાં પાંચ લાખ ઇલેક્ટ્રિક વાહનોની વાર્ષિક ક્ષમતા સાથે કાર ફેક્ટરી સ્થાપવા માટેના રોકાણ પ્રસ્તાવ પર કેન્દ્ર સાથે ચર્ચા શરૂ કરી છે. ભારતીય બજારમાં ટેસ્લાનાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ૨૦ લાખ રૂપિયાથી શરૂ થશે. ભારત સરકાર સાથેની ચર્ચા અમેરિકન ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપનીની રણનીતિમાં ફેરફાર દર્શાવે છે. ગયા વર્ષે ભારત સરકારે કાર પર આયાત કર ઘટાડવાની ટેસ્લાની વિનંતીને સ્વીકારવાનો ઇનકાર કર્યા પછી વાટાઘાટો અટકી ગઈ હતી. ભારત સરકાર ઇચ્છે છે કે ટેસ્લા સ્થાનિક રીતે વાહનોનું ઉત્પાદન કરે, પરંતુ કંપનીએ કહ્યું કે તે પહેલા તેની કારની નિકાસ કરવા માંગે છે. ગયા મહિને એલોન મસ્ક સાથેની બેઠકમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાર નિર્માતા ટેસ્લાને દેશમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે આહ્વાન કર્યું હતું. મોદીને મળ્યા પછી મસ્કે જણાવ્યું હતું કે ભારતમાં સૌર ઉર્જા, સ્થિર બેટરી પેક અને ઇલેક્ટ્રિક વાહનો સહિત ટકાઉ ઉર્જામાં ભાવિની મજબૂત સંભાવના છે. આ સાથે એલોન મસ્ક મેક ઇન ઇન્ડિયા હેઠળ તેમની ઇલેક્ટ્રિક કારનું ભારતમાં ઉત્પાદન અને વેચાણ કરવા તૈયાર થઈ ગયા છે.

ટેસ્લા માટે ચીન એક મોટું બજાર છે અને હવે અમેરિકન કંપનીની નજર ભારતીય બજાર પર પણ છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાથી ટેસ્લા ભારતના બજારમાં મોટી તક ઉઠાવવા અને ભારતને ઈન્ડો-પેસિફિક દેશોમાં ઇલેક્ટ્રિક વાહનોની નિકાસનો  આધાર બનાવવા માંગે છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન એલોન મસ્કે તેમની સાથે સારી વાતચીત કરી હતી. મસ્કે કહ્યું હતું કે તેઓ મોદીના પ્રશંસક છે. ભારતના સરકારી સૂત્રો કહે છે કે ટેસ્લા અમારી પાસે એક મહત્ત્વાકાંક્ષી યોજના સાથે આવી છે અને અમને વિશ્વાસ છે કે આ વખતે તેનું પગલું સકારાત્મક રહેશે.

હાલમાં ભારતમાં માત્ર ચાર લોકો પાસે ટેસ્લા કાર છે. વાસ્તવમાં, દરેકને દેશની બહારથી ટેસ્લા કારની ખરીદી કર્યા પછી કરોડો રૂપિયાની જંગી આયાત ડ્યુટી ચૂકવવાનું પોસાય તેમ નથી. અત્યારે માત્ર થોડા જ લોકો પાસે આટલો ખર્ચ કરવાની ક્ષમતા છે. આ જ કારણ છે કે ભારતીય રસ્તાઓ પર ટેસ્લા કાર ભાગ્યે જ જોવા મળે છે. આ યાદીમાં મુકેશ અંબાણીનું નામ સૌથી પહેલા આવે છે. મોંઘી કારોના શોખીન મુકેશ અંબાણીની પાસે ૧ નહીં પરંતુ ૨-૨ ટેસ્લા કાર છે. 

મુકેશ અંબાણીએ ૨૦૧૯માં પોતાની પ્રથમ ટેસ્લા કાર ખરીદી હતી. તેમની પ્રથમ ટેસ્લા કાર મોડેલ S ૧૦૦D છે. આ મોડલ એકવાર ફુલ ચાર્જ થયા બાદ ૪૯૫ કિલોમીટર ચાલી શકે છે અને તેની સર્વોચ્ચ સ્પીડ ૨૪૯ કિલોમીટર પ્રતિ કલાક છે. આ કાર માત્ર ૪.૩ સેકન્ડમાં શૂન્યથી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ પછી મુકેશ અંબાણીએ ટેસ્લા મોડલ X ૧૦૦D ખરીદ્યું. આ સફેદ રંગની કાર અત્યાર સુધી ભાગ્યે જ રસ્તાઓ પર જોવા મળી છે. આ કાર મિડ વેરિઅન્ટની છે અને તે એક વાર ફુલ ચાર્જ થયા બાદ ૪૭૫ કિલોમીટરની રેન્જ આપે છે. આ કાર માત્ર ૨.૫ સેકન્ડમાં શૂન્યથી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.

આ  જૂથમાં એસ્સાર ગ્રુપના પ્રશાંત રુઈયાનું નામ ખૂબ જ ખાસ છે. રુઈયા ટેસ્લા કાર ધરાવનાર પ્રથમ ભારતીય છે. પ્રશાંત રુઈયા પાસે ૨૦૧૭ થી ટેસ્લા કાર છે. રુઈયા પાસે વાદળી રંગની ટેસ્લા મોડલ X છે. આ ઇલેક્ટ્રિક કારમાં બે મોટર છે અને તેમાં સાત સીટ છે. આ કાર ૪.૮ સેકન્ડમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે. બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ પાસે પણ ટેસ્લા મોડલ એક્સ છે, જે તેને તેની પત્ની જેનેલિયા ડિસોઝા તરફથી ભેટ તરીકે મળી છે. આ યાદીમાં છેલ્લું નામ ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા પેસિફિક પૂજા બત્રાનું છે. તેની પાસે એન્ટ્રી લેવલ ટેસ્લા મોડલ ૩ છે. બેઝ મોડલ હોવા છતાં આ કાર પાંચ સેકન્ડમાં ૧૦૦ની સ્પીડ સુધી પહોંચી જાય છે. તેની રેન્જ ૩૮૬ કિલોમીટર છે અને ટોપ સ્પીડ ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાક છે.

તાજેતરના મહિનાઓમાં ટેસ્લાના અબજોપતિ માલિક એલોન મસ્કે ચીનમાં તેમની કારની કિંમતમાં હજારો ડોલરનો ઘટાડો કર્યો છે. તેનું કારણ એ છે કે વૈશ્વિક સ્તરે સૌથી વધુ સંખ્યામાં ઈલેક્ટ્રિક કારનું વેચાણ કરતી કંપની BYDએ અહીં પોતાની કારની કિંમતોમાં ઘટાડો કર્યો છે. ઇલેક્ટ્રિક કારના મામલે ચીન વિશ્વનું સૌથી મોટું બજાર છે. આવી સ્થિતિમાં અહીં નવા ખેલાડીઓના પૂરને રોકવાના પ્રયાસો વચ્ચે શાઓમી કંપનીને ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવા માટે ચીનના સત્તાવાળાઓ તરફથી લીલી ઝંડી મળી છે. દરમિયાન યુરોપિયન યુનિયને પણ તપાસ શરૂ કરી છે કે શું ઇલેક્ટ્રિક કાર માટે ચીનની સરકારની સબસિડીએ યુરોપના દેશોમાં યુરોપિયન કંપનીઓ દ્વારા બનાવેલી ઇલેક્ટ્રિક કારના મોડલના વેચાણને ઘટાડવામાં મદદ કરી છે?

ચાઈનીઝ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની શાઓમીએ પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે અને તેના માટે ઓર્ડર લેવાનું પણ શરૂ કરી દીધું છે. એક ઈવેન્ટમાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લી જૂને કહ્યું કે કંપનીના સ્ટાન્ડર્ડ SU૭ મોડલની કિંમત ૨,૧૫, ૯૦૦ યુઆન (૨૯,૮૭૨ યુએસ ડૉલર) હશે અને મેક્સ વર્ઝનની કિંમત ૨,૯૯, ૯૦૦ યુઆન હશે. કંપનીનું કહેવું છે કે તેને તેની પહેલી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કર્યાના ૨૭ મિનિટની અંદર ૫૦ હજાર ઓર્ડર મળ્યા છે. શાઓમીએ એવા સમયે ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પ્રવેશ કર્યો છે જ્યારે વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રિક કારનું વેચાણ ઘટી રહ્યું છે, જેના કારણે કિંમતોને લઈને નવી સ્પર્ધા શરૂ થઈ છે. એવું માનવામાં આવે છે કે શાઓમી ટેસ્લા અને BYD સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહી છે. ચીનમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારના મોડલ ૩ની શરૂઆતની કિંમત ૨,૪૫, ૯૦૦ યુઆન છે.

ભારતમાં ઇલેક્ટ્રિક કાર વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. ઈલેક્ટ્રિક કારની માત્ર જાળવણીમાં ઓછો ખર્ચ થતો નથી, પરંતુ તે પર્યાવરણની દૃષ્ટિએ પણ વધુ સારી છે. હવે ઘણી કંપનીઓએ આવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે, જે પાવરમાં ક્યાંય પણ પેટ્રોલ કારથી ઓછી નથી. આ સિવાય એન્ટ્રી લેવલ પર પણ માર્કેટમાં ઘણા સારા વિકલ્પો છે. આ યાદીમાં પ્રથમ નામ ટાટાની નેક્સોન ઇલેક્ટ્રિક કારનું આવે છે. હાલમાં ભારતમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર છે. ભારતમાં ઇલેક્ટ્રિક કાર માર્કેટનો ૬૦ ટકા હિસ્સો ધરાવે છે. આ ઇલેક્ટ્રિક કાર કિંમતની દૃષ્ટિએ પણ આકર્ષક છે. તેની એક્સ-શોરૂમ કિંમત ૧૩. ૯૯ લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટાટાની ટિગોર ઇલેક્ટ્રિક કાર એવા ગ્રાહકો માટે છે જેઓ પોસાય તેવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે. તેની કિંમત ૧૦.૫૦ લાખ રૂપિયાથી શરૂ થાય છે. કોરિયન કંપની હ્યુન્ડાઈએ પણ ઇલેક્ટ્રિક કારને ભારતીય બજારમાં રજૂ કરી છે, જેની કિંમત ૨૩ થી ૨૪ લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે.

Most Popular

To Top