Top News

More Posts

   The Latest

Most Popular

આજથી 100વર્ષ પહેલાંના સુરતની વાત કરીએ તો ત્યારે સુરતમાં વિવિધ રમતોના સાધનો મળવા મુશ્કેલ હતાં કારણકે સુરતમાં સ્પોર્ટ્સ ઇકવિપમેન્ટ્સનું વેચાણ કરતી એક પણ પેઢીનું અસ્તિત્વ નહીં હતું. ત્યારે સુરતીઓ પણ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં આગળ આવે અને સુરતનું નામ વિશ્વ સ્તરે રોશન કરે તે માટે સ્પોર્ટ્સના સાધનો સુરતીઓને સહજતાથી ઉપલબ્ધ થાય એને માટે ભાગાતળાવ વિસ્તારમાં પહેલવહેલી એક દુકાન 1922માં અસ્તિત્વમાં આવી હતી અને આ પેઢીની મોનોપોલી લગભગ 1968 સુધી રહી હતી. આ પેઢી એટલે રાંદેરીયા સ્પોર્ટ્સ. આજે તો સુરતમાં દર એક કિલોમીટરના અંતરે સ્પોર્ટ્સ ઇકવિપમેન્ટસનું વેચાણ કરતી એક દુકાન તો મળી જ જશે પણ રાંદેરીયા સ્પોર્ટ્સે સુરતીઓના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.

સુરતના બાળકો અને યંગ સ્ટર્સ સ્પોર્ટ્સમાં નવા કીર્તિમાન સ્થાપિત કરે તે માટે જે વિભિન્ન કોમ્પિટિશનનું આયોજન થાય છે તેમાં આ પેઢીનાં પણ ઇકવિપમેન્ટ્સ શામિલ હોય છે અને જીતનારને જે ટ્રોફીથી સન્માનિત કરવામાં આવે છે તે ટ્રોફી પણ કેટલાંય આયોજકો આ પેઢીમાંથી ખરીદવામાં વિશ્વાસ રાખે છે. આજે પણ સુરત ઉપરાંત નવસારી, બીલીમોરા, ઉદવાડા, વાપીથી સ્પોર્ટ્સ ઇકવિપમેન્ટ્સ ખરીદવા આ પેઢી સુધી ખેલપ્રેમીઓ દોડી આવે છે. આજે 100 વર્ષે પણ શા માટે આ પેઢીએ સુરતી ખેલપ્રેમીઓના દિલમાં સ્થાન જમાવી રાખ્યું છે ? તે આપણે આ દુકાનના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

આ પેઢીનો પાયો પ્રાણલાલ કરશનદાસ રાંદેરીયાએ નાંખ્યો
1922 પહેલાં સુરતમાં સ્પોર્ટ્સના ઇકવિપમેન્ટ્સનું વેચાણ કરતી એક પણ દુકાન નહીં હતી. ત્યારે આજથી બરાબર 100 વર્ષ પહેલાં પ્રાણલાલ કરસનદાસ રાંદેરીયાએ આ પેઢીનો પાયો નાંખ્યો. જ્યારે પ્રાણલાલ રાંદેરીયાએ આ પેઢીનું અસ્તિત્વ સેન્ટ્રલ સ્પોર્ટ્સ એજન્સીના નામથી ઉભું કર્યું ત્યારે ત્રણથી ચાર મહિના સ્પોર્ટ્સના એક પણ સાધનનું વેચાણ નહીં થયું હતું છતાં તેઓએ હિંમત હાર્યા વગર આ ધંધો ચાલુ રાખ્યો હતો. ત્યાર બાદમાં ધીરે-ધીરે કસ્ટમર આવતા ગયા અને માઉથ ટૂ માઉથ પબ્લિસિટી થતી રહી અને આ પેઢીનાં ગ્રાહકો વધતા ગયા. એ જમાનામાં એડવર્ટાઇઝમેન્ટનો યુગ નહીં હતો ત્યારે માત્ર માઉથ ટૂ માઉથ પબ્લિસિટી થતી. પેઢીનો પાયો ભાગાતળાવ વિસ્તારમાં નાખવામાં આવ્યો હતો સુરતમાં રમત-ગમતના સાધનો વેચવાની પહેલ આ પેઢી દ્વારા સૌથી પહેલાં થઈ હતી બાદમાં 1967 પછીથી સ્પોર્ટ્સ ઇકવિપમેન્ટ્સનું વેચાણ કરનાર દુકાનોની સંખ્યા વધવા લાગી.

અસલ મંજા, ભમરડા, સાત ટીકડી, શતરંજ લોકપ્રિય રમત હતી : જતીનભાઈ રાંદેરીયા
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક જતીનભાઈ શાંતિલાલ રાંદેરિયાએ જણાવ્યું કે લોકોમાં ભુલાઈ ગઈ હતી તે રમતો જેમકે મંજા, કોડી, ભમરડા, સાત ટીકડી, લંગડી, કબડ્ડી ફરી શરૂ થઈ છે અને ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ સાથે આ રમતો પણ રમાડવામાં આવે છે. તેમની આ પેઢીનો શરૂઆતનો બિઝનેસ રમતના સાધનોનો હતો ત્યાર બાદ ધંધાનું વિસ્તરણ કરવામાં આવ્યું અને હેલ્થ ફિટનેસના સાધનો અને ટ્રોફી બનાવવાનું શરૂ કરાયું. શરૂઆતમાં આ પેઢી દ્વારા સ્કૂલોમાં રમતના સાધનો પહોંચાડવામાં આવતા હવે સ્કૂલો દ્વારા સાધનો લઈ જવામાં આવે છે. મારા પિતા શાંતિલાલભાઈએ આ પેઢીનું સંચાલન 50 વર્ષ સુધી કર્યું હતું અને મેં મારી 15 વર્ષની ઉંમરથી આ પેઢીમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યાર બાદ મેં પણ 50 વર્ષ એમાં કામ કર્યું.

1996ના ડીમોલિશનમાં દુકાનનો થોડો ભાગ તૂટયો હતો : દિવ્યાબેન રાંદેરીયા
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક જતિનભાઈના પત્ની દિવ્યાબેન રાંદેરીયાએ જણાવ્યું કે 1996માં SMC કમિશનર S.R. રાવે રસ્તો પહોળો કરાવવા રાજમાર્ગ પર ડીમોલિશન કરાવ્યું હતું. આ ડીમોલિશનમાં અમારી ભાગાતળાવ પરની દુકાનનો થોડોક હિસ્સો પણ તોડી પડાયો હતો. મેં 2006થી અમારી પેઢીના સંચાલનમાં મદદ કરવાંનું શરૂ કર્યું. હું એડીટીંગનું કામ કરૂં છું. મને દુકાનનું સંચાલન કરતા જોઇ અન્ય મહિલાઓએ પણ એમના પરિવારના બિઝનેસમાં હેલ્પ કરવાનું શરૂ કર્યું હતું.

આફ્ટર કોરોના કેરમ અને ફિટનેસના સાધનોની ડીમાંડ વધી : હિરલબેન રાંદેરીયા
ક્રિશન રાંદેરિયાના પત્ની હિરલબેને જણાવ્યું કે કોરોના દરમિયાન લોકડાઉનમાં ઇન્ડોર ગેમ રમી લોકોએ સમય વિતાવ્યો હતો. એટલે કોરોના બાદ કેરમ, ફિટનેસના સાધનો, બેડમિન્ટન, ટેબલ ટેનિસના સાધનોની ડિમાન્ડ વધી છે. આ પેઢીનાં સાધનો સ્કૂલવાળા, પબ્લિક સેકટર, હેલ્થ ક્લબવાળા, સ્પોર્ટ્સની કોમ્પીટીશન ઓર્ગનાઇઝ કરતા ઓર્ગેનાઇઝર, SMC, સ્પોર્ટ્સ વિભાગ લઈ જાય છે. ટ્રોફી સ્ટીલ, એલ્યુમિનિયમ, બ્રાસ, ફાઇબર અને એક્રેલિકની પણ બનાવાય છે. પહેલાં સ્પોર્ટ્સના વિજેતાને ડાયરી, પેન, હોમ એપ્લાયન્સની વસ્તુઓ આપવામાં આવતી હવે પ્રમોશન, સન્માન અને વિજેતાઓને ટ્રોફી તથા મેમેન્ટોથી સન્માનિત કરાય છે.

લોકડાઉન બાદનો કેરમ બોર્ડ સાથે સંકળાયેલો યાદગાર કિસ્સો : ક્રિશન રાંદેરીયા
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક ક્રિશન રાંદેરીયાએ જણાવ્યું કે લોકડાઉન બાદ એમની દુકાનમાં એક ગ્રાહક કેરમ બોર્ડ ખરીદવા આવ્યાં હતાં. આ ગ્રાહકે જણાવ્યું હતું કે 50-60 વર્ષ પહેલાં તમારી જ રાંદેરીયા સ્પોર્ટ્સની દુકાનમાંથી 50-60 રૂપિયામાં કેરમ બોર્ડ ખરીદયું હતું જેની ક્વોલિટી એટલી સારી હતી કે તે હજી સુધી રમવાના કામમાં આવ્યું લોકડાઉનમાં પણ અમે આ જ કેરમ બોર્ડ પર કેરમ રમ્યા પણ બાળકોને નવું કેરમ બોર્ડ પર રમતા ફાવ્યું નહીં હતું એટલે અમે આ જૂનું કેરમબોર્ડ કાઢી નાખ્યું અને નવું કેરમ બોર્ડ લેવા આવ્યાં છીએ.

2006ની ભયંકર રેલમાં 12 લાખ રૂપિયાના રમતના સાધનોને નુકસાન થયું
જતીનભાઈ રાંદેરીયાએ જણાવ્યું કે 1968ની સાલમાં સુરતમાં આવેલી રેલમાં પેઢીનાં રમતના સાધનોને ખાસ્સું નુકસાન થયું હતું. ત્યાર બાદ 2006ની જે રેલ આવી તેને તો સુરતીઓ ક્યારેય નહીં ભૂલી શકે એ રેલમાં અમારી આ દુકાનમાં 7થી 8 ફૂટ પાણી ભરાયું હતું. અમારી દુકાનમાં સ્પોર્ટ્સના લગભગ 10થી 12 લાખ રૂપિયાના સાધનોને નુકસાન થયું હતું. કેરમ બોર્ડ, બેટ અને રમતના અન્ય લાકડાનાં સાધનો પાણીમાં સાવ ખરાબ થઈ ગયા હતા. કેટલાંય સાધનો પાણીમાં તણાઈ ગયા હતા.

સિઝન બોલ સવા બે રૂપિયામાં વેચાતો
1970ની આસપાસમાં સિઝનનો બોલ સવા 2 રૂપિયામાં વેચાતો જ્યારે આજના સમયમાં સિઝન બોલ ખરીદવા માટે ખિસ્સામાં થી પોણા બસ્સો-200 રૂપિયા કાઢવા પડે. તે સમયમાં આ પેઢીનું સંચાલન શાંતિલાલભાઈ રાંદેરીયા કરતા હતાં. પહેલાંના સમયમાં એક ડઝન ટેનીસ બોલ 6 રૂપિયામાં વેચાતા. જ્યારે હવે એક ડઝન ટેનીસ બોલની કિંમત 500થી 600 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે સુરતમાં અંગ્રેજો હતા ત્યારે તેઓ મનોરંજન માટે િક્રકેટ અને ટેનિસ રમતા.

વંશવેલો
પ્રાણલાલ કરસનદાસ રાંદેરીયા
શાંતિલાલ પ્રાણલાલ રાંદેરીયા
જતિનકુમાર શાંતિલાલ રાંદેરીયા
ક્રિશનકુમાર જતિનકુમાર રાંદેરીયા

પહેલા બસની ઉપર સાધનો ચઢાવાતા
પહેલાંના સમયમાં ગામડાની સ્કૂલમાં સ્પોર્ટ્સના સાધન બતાવવા બસની ઉપર સાધનો ચઢાવીને લઈ જતાં. એક ગામની સ્કૂલમાં સાધન લઈ જવામાં બતાવવામાં એક આખો દિવસ નીકળી જતો. હવે વહાટ્સએપ પર પણ ઓર્ડર લેવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા મહારાષ્ટ્રથી ટ્રોફી આવે છે
ક્રિશન રાંદેરીયાએ જણાવ્યું કે જે પહેલાં સુરતમાં રહેતા અને હવે U.K., U.S., ઓસ્ટ્રેલિયા જઈને વસ્યા છે તેઓ આજની તારીખમાં પણ અમારે ત્યાં તેમના ઓળખીતાઓને મોકલી સ્પોર્ટ્સના ઇકવિપમેન્ટ્સ લે છે. અમારા રમતગમતના સાધન વાપી, વડોદરા, અમદાવાદ, રાજસ્થાનના લોકો, નંદુરબારના લોકો પણ લઈ જાય છે. હાલમાં જ એક કેનેડા રહેતી વ્યક્તિ પણ સ્પોર્ટ્સ ઇકવિપમેન્ટ્સ લઈ ગયા હતાં. આ ઉપરાંત સુરત લેવલની ગેમ માટે પણ અમારા સાધનો લઈ જવામાં આવે છે. અમારી પેઢીમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા મહારાષ્ટ્રથી ટ્રોફી આવે છે.

ટેબલ ટેનીસ પ્લેયર માનવ ઠક્કર સાથેનો યાદગાર પ્રસંગ
જતીનભાઈ રાંદેરીયાએ જણાવ્યું કે સુરતના ઇન્ટરનેશનલ ટેબલ ટેનીસ પ્લેયર માનવ ઠક્કરે પોતાના જીવનનું પહેલું ટેબલ 7થી 8 વર્ષની ઉંમરે દાદા સાથે આ દુકાનમાંથી ખરીદયું હતું.

To Top