SURAT

હવે નવી સિવિલમાં આઉટ સોર્સના કર્મચારીઓની 3 દિવસમાં માંગ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી

સુરત: અત્યારે જાણે સરકારી કર્મચારીઓની સરકાર (Government) સામે લડતની સિઝન ચાલી રહી હોય તેમ હવે નવી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ બજાવતા આઉટ સોર્સના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ પણ લડત ચલાવવાના મૂડમાં છે. તેમના દ્વારા પોતાના પગારના વધારા સહિત 11 જેટલી માંગણીઓને લઈ તબીબી અધ્યક્ષ અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. ત્રણ દિવસમાં જો નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી આપી છે.

નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટ સોર્સના વર્ગ-૩ અને વર્ગ-4ના કર્મચારીઓ આંદોલન પર જવાની ચીમકી કલેક્ટર અને તબીબી અધ્યક્ષને આવેદનપત્ર મારફતે આપી છે. આઉટ સોર્સિંગના 11 મુદ્દાને લઈ સરકાર વિચારણા કરી નિર્ણય લે તેવી માંગણી કરાઈ છે, જેમાં સરકારી કર્મચારીઓની કેડર મુજબનો પગાર આઉટ સોર્સના કર્મચારીઓને મળે, સરકારી કર્મચારીઓની જેમ દર વર્ષે આઉટ સોર્સના કર્મચારીઓના પગાર વધારવામાં આવે, એજન્સી પ્રથા નાબૂદ કરી સંસ્થાઓ દ્વારા જ ૧૧ માસની કરાર આધારીત આઉટ સોર્સ કર્મચારી લેવામાં આવે, જેથી કર્મચારીને દરેક સીધા લાભો મળી શકે અને બીજા કોઇ બિનજરૂરી પ્રશ્નો ન ઊભા થાય, આઉટ સોર્સના કર્મચારીઓને દર માસે વગર કપાતે ૧ કેઝ્યુઅલ લીવ મળે તેમજ મહિલા પ્રસૂતાને સરકારી કર્મચારીને મળતી રજા (મેટરનિટી લીવ) મુજબનો લાભ મળતો રહે સહિતના 11 જેટલા મુદ્દા ધ્યાન આપી જરૂરી નિર્ણયો અને તેની અમલવારી સત્વરે થાય એવી અમારી નમ્ર અરજી કલેક્ટર અને નવી સિવિલના તબીબી અધ્યક્ષને આપવામાં આવી હતી. અને જો સરકાર ત્રણ દિવસમાં નિર્ણય નહીં લે તો આંદોલનની ચીમકી આપી છે.

Most Popular

To Top