Business

જૂના ટોલ્ક ડેલ્ટા સોફ્ટવેરમાં એક્સપાયરી ડેટમાં સુધારો કરી છેડછાડ કરવાના આરોપમાં બે સામે ફરિયાદ

સુરત: સોફ્ટવેર કંપનીના (Software Company) માલિકની પરવાનગી વિના પ્રવેશ કરી, એક્સપાયરી ડેટમાં (Expiry date) ફેરફાર સાથે કંપનીનું ખોટું નામ ધારણ કરી ગ્રાહકોને બારોબાર સોફ્ટવેર વેચ્યાના આક્ષેપ બદલ સાઇબર ક્રાઇમ પોલીસે (Police) રિંગ રોડ મજૂરાગેટ આઇટીસી બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા માનવ શાહ અને પીયૂષ સોલિયા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દર્શન મહેન્દ્ર પારેખે ફરિયાદ નોંધાવી હતી કે, ટોલ્ક ડેલ્ટા સોફ્ટવેર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જૂના ટોલ્ક ડેલ્ટા સોફ્ટવેરમાં તેમની પરવાનગી વગર પ્રવેશ કરી તેમાં એક્સપાયરી ડેટમાં ફેરફાર કરી પોતાની કંપનીનું ખોટું નામ ધારણ કરી અલગ અલગ કસ્ટમર્સને તેના સોફ્ટવેર વેચાણ કરી માનવ અને પીયૂષે આર્થિક લાભ મેળવી લીધો હતો. દર્શન પારેખે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે હિમાંશુ બી.શાહ સાથે ભેગા મળી પાર્ટનરશીપમાં વર્ક સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડના નામથી ડેલ્ટા ટ્રેડિંગ માટે ટોલ્ક ડેલ્ટા નામે સોફ્ટવેર બનાવ્યું હતું. 2020માં પાર્ટનરશીપ છૂટી કરી હતી, તેમાં ફાયનાન્સિયલ પ્રોડક્ટના સોફ્ટવેર મારી પાસે રાખી અને બાકીના બધા જ સોફ્ટવેર મારા પાર્ટનર હિમાંશુ બી.શાહને આપ્યા હતા.

2021માં ટોલ્ક ડેલ્ટા સોફ્ટવેર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામથી કંપની રજિસ્ટર કરાવી સોફ્ટવેર સબસ્ક્રિપ્શન આપવાનું કામ ચાલી રહ્યું હતું. આ ટોલ્ક ડેલ્ટા સોફ્ટવેર શેર માર્કેટમાં Derivatives segmentના ડેલ્ટા ટ્રેડિંગ માટે ઉપયોગમાં આવે છે. એપ્રિલ-2022માં સેલ્ફ એનાલિસીસ કરતા જાણવા મળ્યું હતું કે, સુરત શહેર ખાતે સોફ્ટવેર ખરીદનારા લોકોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. અને સપોર્ટના કોલ્સ વધી રહ્યા હતા. જે જોતાં સોફ્ટવેરમાં કોઈ છેડછાડ થઇ રહી હોવાની શંકા જાગી હતી. આ મામલે ટેક્નિકલ તપાસ કરવામાં આવતાં સોફ્ટવેરનું લાઇસન્સ આપ્યું ન હોવા છતાં સપોર્ટ માટે કોલ્સ કરવામાં આવ્યા હતા. માનવ શાહે કંપનીના જૂના ટોલ્ક ડેલ્ટા સોફ્ટવેરની એક્સપાયરી ડેટમાં સુધારો કરી, છેડછાડ કરી હોવાનું બહાર આવ્યું હતું. દર્શન પારેખે આ સોફ્ટવેરનો ડેટા પીયૂષ સોલિયાને પણ આપ્યો હતો અને તે પણ અલગ અલગ કસ્ટમરોને આ સોફ્ટવેરનું વેચાણ કરતો હોવાનું જણાતાં સાયબર ક્રાઈમ પોલીસમાં કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધાવવામાં આવ્યો છે.

Most Popular

To Top