SURAT

હજીરા ગામની ગોચરની જમીન ખાનગી કોન્ટ્રાક્ટરને ભાડે પધરાવી દેવાતાં વિવાદ

સુરત: સરકારી અને ગોચર જમીન (Land) ભાડે ફેરવી કરોડો રૂપિયાની કમાણી (Earning) કરી રહેલા કેટલાક ચહેરાઓએ ફરી પોત પ્રકાશ્યું છે. હજીરા (Hajira) ગામની સેંકડો ચોરસ મીટર ગોચર જમીન ખાનગી વ્યક્તિએ એક કોન્ટ્રાક્ટરને ભાડે આપી દઈ દબાણ કરવામાં આવ્યું હોવાની ગામના ડેપ્યુટી સરપંચ રોહિત પટેલે ફરિયાદ (Complaint) કરી છે. આ મામલે સ્થાનિક તંત્ર પણ મૂકપ્રેક્ષક બની રહેતાં તેમને ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

ડેપ્યુટી સરપંચ રોહિત પટેલે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, હજીરા ગામ સરવે નં.308/ અ-1વાળી જમીન હજીરા ગ્રામ પંચાયત હસ્તકની ગોચરની જમીન છે આ જમીનની બાજુમાં કાંતિ પટેલની જમીન આવેલી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, કાંતિ પટેલ દ્વારા ગૌચરની જમીન ખાનગી કોન્ટ્રાક્ટર કંપની શાપુરજી પલોનજી કોન્ટ્રાક્ટર કંપનીને ભાડે આપી દેવામાં આવી છે. આ અંગે પંચાયતમાં કોઈ ઠરાવ કે બાંધકામની પરવાનગી ન હોવા છતાં કોન્ટ્રાક્ટર કંપનીએ તેમના કર્મચારીઓના રહેવા માટે સરકારી જમીન પર બાંધકામ શરૂ કરી દીધું છે. આ અંગે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી સરકારી જમીન પરનું દબાણ હટાવવાની માંગણી કરવામાં આવી હતી. છતાં હજુ બાંધકામ ચાલી રહ્યું છે. જેથી સરકારી જમીન પરનું દબાણ દૂર રહે અને ગામની જમીન ગામવાસીઓના હિતમાં ઉપયોગમાં લેવાય એ માટે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આગામી 30 ઓક્ટોબરે સુનાવણી રાખવામાં આવી છે.

હજીરા અને મોરા ગામની સરકારી જમીનો પણ ભાડે ફરેવી દેવાઈ
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા પટ્ટીના મોરા ગામની પણ હજારો ચોરસ મીટર જમીન સરકારી હોવા છતાં ગામના સ્થાનિક તત્વોએ બારોબાર ભાડે ફેરવી દીધી છે. હજીરા પટ્ટીમાં કેટલાક ટ્રક કોન્ટ્રાક્ટર તેમજ કંપનીના કોન્ટ્રાક્ટરોએ પણ સરકારી જમીન ઉપર બેરોકટોક પાર્કિંગ બનાવી દીધું છે. આ ઉપરાંત મોરા ગામમાં તો સરકારી જમીનો ઉપર દુકાન સહિત મિલકતો ઊભી કરી દેવાઇ છે. નવાઇની વાત એ છે કે, આ તમામ સરકારી જગ્યાનું ભાડું ઉઘરાવવા માટે કેટલાક સ્થાનિક રાજકારણીઓ જાય છે. અને તેઓ બાપદાદાની માલિકીની જગ્યા હોય તે રીતે આવી જગ્યાઓનાં ભાડાં ઉઘરાવે છે.

Most Popular

To Top