EVM ખામી મુદ્દે તણાવ, નડિયા જિલ્લામાં BJP એજન્ટ પર હુમલાનો આરોપ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાંથી તણાવ અને અથડામણના બનાવો સામે આવ્યા છે. ખાસ કરીને નડિયા જિલ્લાના ચાપ્રા વિધાનસભા વિસ્તારમાં આવેલા હાત્રા વિસ્તારના બૂથ નંબર 53 પર BJPના પોલિંગ એજન્ટ પર હુમલો થયો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
BJP ઉમેદવાર સાઈકત સરકારના જણાવ્યા મુજબ, તેમના પક્ષના એજન્ટ મોશર્રફ હોશેનને પોલિંગ સ્ટેશનમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા અને ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સમર્થકોએ તેમના પર હુમલો કર્યો, જેમાં તેમને માથામાં ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવ્યું છે.
EVM ખામી મુદ્દે અનેક જગ્યાએ વિવાદ
મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ EVM મશીનમાં બટન દબાવવા મુશ્કેલી પડી રહી હોવાના આરોપો પણ સામે આવ્યા છે. પનિહાટી વિસ્તારમાં BJP ઉમેદવાર રત્ના દેબનાથએ EVMના બટનમાં સમસ્યા હોવાની ફરિયાદ કરી ,અધિકારીઓને જાણ કરવાની વાત કરી હતી. આ સિવાય હાવડાના બાલી વિસ્તારમાં પણ EVMમાં ખામીના મુદ્દે મતદારો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સર્જાઈ, જેમાં CRPFએ બે લોકોને અટકાયત કરી હતી.
142 બેઠકો માટે બીજા તબક્કાનું મહત્વપૂર્ણ મતદાન
પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કામાં કુલ 142 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કો કોલકાતા, હાવડા, ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, નડિયા, હૂગલી અને પૂર્વ બર્દમાન જેવા મહત્વપૂર્ણ જિલ્લાઓને આવરી લે છે. રાજકીય રીતે આ વિસ્તારો તૃણમૂલ કોંગ્રેસ માટે મજબૂત ગઢ માનવામાં આવે છે, જ્યારે BJP અહીં મોટી રાજકીય સફળતા મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
મમતા બેનર્જી સામે સુવેન્દુ અધિકારી – હાઈપ્રોફાઇલ મુકાબલો
આ તબક્કામાં ભવાનિપુર જેવી હાઈપ્રોફાઇલ બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર પણ ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી રહી છે.
ચૂંટણી દરમિયાન સુરક્ષા કડક
ચૂંટણી દરમિયાન થયેલા અથડામણ અને EVM ખામીના આરોપોને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોને સતર્ક રાખવામાં આવ્યા છે અને સંવેદનશીલ બૂથોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચ સતત મોનિટરિંગ કરી રહ્યો છે.