Feature Stories

સુરતીઓ કહી રહ્યાં છે ખર્ચની નથી કોઇ પરવા અમે તો રમીશું ગરબા…

ભક્તિ, ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર એટ્લે નવરાત્રી યુવાનોને થિરકવા માટે મજબૂર કરતાં આ તહેવારની ઉજવણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આપણા સુરતી ખેલૈયાઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જો કે બદલાતા સમય સાથે ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો છે અને એ સાથે જ છેલ્લા દાયકામાં આ તહેવાર ખર્ચાળ પણ બન્યો છે. નવરાત્રી માટે જ્યારે મહિનાઓ પહેલાથી જ કલાસિસ શરૂ થઈ જાય છે તે સાથે જ આ વર્ષે કપડાં, ઘરેણાં કે હેર સ્ટાઈલમાં નવું શું કરવું તેની ચર્ચાઓ પણ ચાલુ થઈ જ જતી હોય છે. અને તેથી જ દાયકા દરમિયાન દરેક વસ્તુઓના ભાવ વધારા સાથે ઉજવણી ભલે મોંઘી બની છે પણ ખેલૈયાઓ તેમાં કોઈપણ પ્રકારની કચાશ રહી ન જાય એ માટે ગમે તેટલો ખર્ચ કરવામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી થતાં એ વાત તો નક્કી જ છે.

પહેલાં નવરાત્રી વિષે વિચારીએ એટ્લે સૌથી પહેલાં ટ્રેડિશનલ રંગીન ભરત અને આભલા ભરેલા ચણિયા ચોળી જ યાદ આવે. 8-10 વર્ષ પહેલાની વાત કરવામાં આવે તો તે સમયે કોટનનું કાપડ સસ્તું હતું તેમજ ચણિયા ચોળી માટે ખાસ કરીને અન્ય કોઈ પ્રકારના કાપડનું ઓપ્શન પણ ન હતું અને ખાસ નવરાત્રી માટે કરવામાં આવતા વર્ક માટે કારીગરો પણ મળી રહેતા હતા. આ ઉપરાંત કેટલીક મહિલાઓ પોતાના માટે જાતે જ આ મુજબનું વર્ક તૈયાર કરી લેતી હોવાથી પહેલાં આવા ચણિયા ચોળી 700 થી 1200 રૂપિયામાં મળી રહેતા હતા.

પછી છેલ્લા દાયકા દરમિયાન ધીમે ધીમે ટ્રેન્ડ બદલાયો છે અને ખેલૈયાઓ હવે કોટનના ટ્રેડિશનલ ડ્રેસ ઉપરાંત અન્ય મટિરિયલ તરફ પણ વળ્યા છે પરંતુ તેમ છ્તા અગાઉની સરખામણી ચણિયાચોળી મોંઘા તો થયા જ છે. કારણ કે પ્યોર કોટનના ભરત ભરેલા ચણિયા ચોળીમાં અગાઉ પ્યોર કોટનનું કાપડ વાપરવામાં આવતું જે આજે મોંઘું થયું છે તેમજ તેનું વર્ક કરનારા કારીગરો પણ ઘટ્યા હોવાથી આવા ચણિયા ચોળીની કિંમતમાં વધારો જોવા મળે છે. જેથી આજે તે લેવા જઈએ તો તેની કિંમત 1700 થી લઈને 3500 રૂપિયા ચૂકવવી પડે છે જ્યારે હળવા વર્કના કોટન સાટિનના ચણિયા ચોળી 1000 થી 2500 રૂપિયામાં મળી રહે છે.

પહેલાં દાયકા અગાઉ ખેલૈયાઓ પ્યોર ઓક્સિડાઈઝના ઘરેણાં જ પહેરતા હતા. સાથે જ મિરર, સટોન, કોડી વગેરેનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવતો હતો જેનાથી તેને એકદમ ટ્રેડિશનલ લુક મળતું હતું. અને તે ખાસ નવરાત્રી માટે જ પહેરવામાં આવતા હતા જેથી તે નવરાત્રીની ઓળખ સમાન હતા. જો કે તે વજનમાં ભારે હોવા છતાં ખેલૈયાઓ ગળાના હારથી માંડીને નાકની નથણી સુધીની તમામ વસ્તુઓ ઓક્સોડાઈઝની જ પહેરવાનો આગ્રહ રાખતા હતા. અને એ સમયે એક સેટની કિંમત 150 રૂપિયા થી 250 રૂપિયા સુધી ચૂકવવી પડતી હતી.
આજની પેઢીના પહેરવેશમાં ચેન્જ આવ્યો છે જેથી તેઓ દરેક પ્રકારના ડ્રેસ સાથે તે મેચ થાય તેવા ઓર્નામેન્ટ્સને પ્રધાન્ય આપતા થયા છે તેમજ બીજું કારણ એ છે કે પ્યોર ઓક્સિડાઈઝની જ્વેલરી અગાઉની સરખામણીમાં મોંઘી બની છે તેમજ ગરબા રમતી વખતે વજન ન લાગે એ માટે ખેલૈયાઓ માટે હળવા સિલ્વર કલરની જ્વેલરી બેસ્ટ ઓપ્શન બની છે. જેમાં હળવા કલર સ્ટોન, ઉન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે 150 થી લઈને 250 રૂપિયામાં મળી રહે છે જ્યારે પ્યોર ઓક્સિડાઈઝ માટે 250 થી લઈને 500 રૂપિયા સુધી ચૂકવવા પડે છે જેથી સરવાળે સસ્તી અને કલરફૂલ જવેલરી પરનો ઝુકાવ વધી રહ્યો છે.

મોંઘી પ્રોડક્ટના કારણે બ્યુટી ટ્રીટમેંટ બની ખર્ચાળ
પહેલાં અવનવા કપડાં હોય એટ્લે સાથે મેક અપ અને બ્યુટી ટ્રીટમેંટ તો હોય જ. છેલ્લા 8-10 વર્ષની વાત કરીએ તો ટ્રેડિશનલ ડ્રેસનું જેટલું ચલણ હતું એટલો ક્રેઝ બ્યુટી પાર્લરનો ન હતો. બેઝીક મેક-અપ અને સ્ક્રીન ટ્રીટમેન્ટથી યુવતીઓ સંતોષ માની લેતી હતી. જેથી એ સમયે 8 થી 1000 રૂપિયાના ખર્ચે નવરાત્રી ઉજવાઇ જતી. જો કે કેટલાક પ્રોફેશનલ ખેલૈયાઓ 8-10 વર્ષ પહેલાં પણ બ્યુટિશિયન પાસે હેર સ્પાથી લઈએ મેનીકયોર,પેડિકયોર વગેરેની ટ્રીટમેન્ટ લેતા હતા જેનો ખર્ચ 2000 થી 3000 રૂપિયા જેટલો થતો હતો.

પછી અગાઉ ખાસ કરીને પ્રોફેશનલ ખેલૈયાઓ જ બ્યુટી ટ્રીટમેંટને પ્રાધાન્ય આપતા હતા પરંતુ આજે તો સ્કૂલ, કોલેજના નવરાત્રી ફંકશનમાં પણ બ્યુટિશિયન પાસે તૈયાર થવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે અન્ય પ્રોફેશનની જેમ પ્રોડક્ટમાં થયેલા ભાવ વધારાની અસર આમાં પણ પડી છે અને અગાઉ જે ટ્રીટમેંટ 500 રૂપિયામાં કરી આપવામાં આવતી હતી તે આજે 800 થી 1000 રૂપિયામાં કરવામાં આવે છે. પરંતુ તેમ છ્તા ખેલૈયાઓ ઉત્સાહ જાળવી રાખવા માટે ફેશિયલથી લઈને હેર સ્પા, હાઇલાઇટ, બ્લિચ વગેરે કરાવતા હોય છે જે આજે 8 થી 10,000 રૂપિયામાં થાય છે કારણ કે ભાવ વધારા સાથે જ આજે ટ્રેન્ડ પ્રમાણે કલરફૂલ આઇશેડો તથા લાઇનરની બોલબાલા છે ત્યારે તેમાં ગ્લિટરનો ટચ આપીને તેને અપાયેલો ડિફ્રન્ટ લુક પણ આજે ડિમાન્ડમાં છે જેથી મોંઘુ પડે છે.

લોકોની વધુ અપેક્ષાના કારણે પાસના દરમાં વધારો
પહેલાં 5-10 વર્ષ પહેલાની વાત કરીએ તો પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનનું ચલણ ઓછું હતું. લોકો શેરીઓમાં ગરબા રમીને પણ માતાજીની આરાધના કરી લેતા હતા. અને જે પણ આયોજનો થતાં તે લિમિટેડ કિંમતમાં યોજાઇ જતાં, દાયકા પહેલાની વાત કરીએ તો એ સમયે આર્ટિસ્ટો મોંઘા ન હતા તેમજ ઈનામ રૂપે આપવામાં આવતી ગિફ્ટ પણ ખાસ મોંઘી ન હતી જેથી એ સમયે સિઝન પાસ 800 થી 1000 રૂપિયામાં મળી રહેતા હતા જ્યારે પ્રોફેશનલ ગરબાનું આયોજન રૂપિયા 15 થી 20 લાખમાં થઈ જતું હતું.

પછી સમય સાથે લોકોની અપેક્ષાઓ વધી છે. જેથી ખેલૈયાઓની પસંદગીને ધ્યાનમાં રાખીને આર્ટિસ્ટોને બોલાવવા પડે છે જેમને બોલાવવા માટે પણ સારો એવો ખર્ચ કરવો પડે છે. જ્યારે હવે લોકોને થીમ બેઝ્ડ ગરબાનો ક્રેઝ હોવાથી ખેલૈયાઓને આકર્ષવા માટે એ પ્રમાણે થીમ સાથે આયોજન કરવું જરૂરી છે આ ઉપરાંત આગાઉ આપવામાં આવતી ગિફ્ટ વધુ મોંઘી ન હતી જ્યારે હવે બાઇક, કાર વગેરે પણ ગિફ્ટમાં આપવાનો ક્રેઝ વધ્યો છે જે આયોજનને મોંઘું બનાવે છે. જેથી જે ગરબાનું આયોજન અગાઉ 15 થી 20 લાખમાં થતું હતું એ આજે કરોડો રૂપિયામાં થાય છે. જેની અસર હેઠળ કમર્શ્યલ નવરાત્રીના પાસીસના ભાવ પર પણ પડે જ છે.

સંખ્યા ઘટવાના ડરે કલાસિસમાં ભાવ વધારો નહિવત
એક દાયકામાં ગરબા આયોજકોથી માંડીને નવરાત્રીના કપડાં તથા ઘરેણાંમાં પણ ખાસ્સો એવો ભાવ વધારો નોંધાયો છે ત્યારે ખેલીયાઓને અવનવા ગરબાના સ્ટેપ્સ શીખવનારા ક્લાસિસો જ આ ભાવ વધારામાથી બાકાત રહ્યા છે. એનું કારણ એ છે કે, કેટલાક લોકો સોસાયટીઓમાં કોમન પ્લોટમાં જ ગરબાની પ્રેક્ટિસ કરાવતા હોય છે જેથી ભાડું ચૂકવવું પડતું નથી જ્યારે આ ઉપરાંત ઠેર ઠેર ગરબા ક્લાસીસ શરૂ થઈ જતાં હોવાથી ખેલૈયાઓ અન્ય ક્લાસીસમાં જતાં રહેવાના ડરે પણ ફી માં વધારો કરવામાં નથી આવ્યો. જ્યારે હાલની વાત કરીએ તો કોરોના દરમિયાન ઘણા લોકોએ ગરબા સિવાય અવનવા ડાન્સ, યોગા વગેરે કલાસીસ શરૂ કરી દેતા ગરબા ક્લાસીસ પ્રત્યે લોકોનો મોહ ઓછો થયો છે જેથી પણ આયોજકો ભાવવધારો ટાળી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.

Most Popular

To Top