Madhya Gujarat

નડિયાદમાં બે વર્ષ બાદ ગરબા યાેજાતા થનગનાટ

નડિયાદ: છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાના કારણે જાહેર અને કોમર્સિયલ ગરબા થઈ શક્યા ન હતા. ત્યારે આ વર્ષે જ્યારે કોરોનાનું જોર ઘટી ગયુ છે તેવા સમયે હવે નડિયાદમાં પણ કોમર્સિયલ ગરબા માટે આયોજકોએ તૈયારીઓ પૂર્ણ કરવા અગ્રેસર બન્યા છે. ત્રણ વર્ષ સુધી કોમર્સિયલ ગરબા ન થતા ગરબાપ્રેમી યુવાધન ખાસ્સુ નિરાશ થયુ હતુ. જો કે, આ વર્ષે ગરબા માટે તમામ છુટછાટ મળતા નવરાત્ર માટે યુવાનો થનગની રહ્યા છે. નડિયાદ શહેરમાં આ વર્ષે 2 સ્થળે મોટા ગરબાનું આયોજન થવા જઈ રહ્યુ છે. અલગ-અલગ સંસ્થાઓ દ્વારા આયોજીત થનારા ગરબાઓમાં બે મોટા સ્થળોએ રોકાણ કરવામાં આવી રહ્યુ છે. આ પૈકી સૌથી મોટા ગરબા શહેરના પીપલગ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિર પાસેના ગ્રાઉન્ડમાં થવા જઈ રહ્યા છે. અહીં સી.જે. ગ્રુપ દ્વારા યોગી ફાર્મની બાજુમાં ‘મા શક્તિ ઉત્સવ’ નામે ગરબાનું આયોજન કરાયુ છે.

જ્યાં આયોજકોના જણાવ્યા મુજબ 4થી 5 હજાર જેટલા લોકો ગરબા રમી શકશે. જ્યારે અહીં ગરબા જોવા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે. જે અંતર્ગત કુલ 6 હજાર જેટલા લોકો સ્થળ પર બેસીને ગરબા નિહાળી શકશે. તો વળી, બેઠક વ્યવસ્થામાં પણ ખાસ આયોજન કરાયેલા છે. આ ઉપરાંત મહિલાઓ માટે ગરબા રમવાના 10 દિવસના 250 રૂપિયા જ્યારે યુવકો માટે 1475 રૂપિયા ભાવ રખાયો છે. તો બીજીતરફ બાસુદીવાલા પબ્લિક હાઈસ્કૂલ ખાતેના ગ્રાઉન્ડમાં યોજાનારા ગરબામાં 2500થી 3000 લોકો ગરબે ઘુમી શકશે, જ્યારે અહીં ફેમિલિ, વી.આઈ.પી. અને વી.વી.આઈ.પી. મળી કુલ 1000 લોકોની બેઠક વ્યવસ્થા છે. જ્યારે 2000થી વધારે લોકોને ઉભા રહેવાની વ્યવસ્થા છે. ત્યારે બંને સ્થળોએ મોટા પાયે આયોજન થતા નડિયાદનું યુવાધન ત્રણ વર્ષ બાદ ગરબાની રમઝટ બોલાવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યુ છે..

Most Popular

To Top