Kids

આપણી ચલણી નોટો કપાસમાંથી બને છે!!

બાળમિત્રો, ભારતીય ચલણી નોટનું ચલણ હાલમાં સિકકા કરતાં વધારે છે કારણ કે જે ખિસ્સામાં વજન પણ નહિ કરે અને મોંઘવારી એટલી છે કે એક-બે રૂપિયાના સિકકાનું મૂલ્ય નિમ્ન થઇ ગયું છે. આ ચલણી નોટો કાગળની હોય છે. એવો આપણા સૌનો ભ્રમ છે. ખરેખર તો કપાસને લાંબી પ્રોસેસ પછી કાગળ જેવા ફોર્મેટમાં બનાવવામાં આવે છે. કપાસના રેસામાં લેનિન નામનું ફાઇબર હોય છે. ગૈટલિન અને વિશેષ પ્રકારનું અડ્હીસિવ ઉમેરીને કપાસની લુગદીમાં મિશ્રણ તૈયાર કરી બ્લિઅંગ અને ધુલાઇ પછી વોટરમાર્ક અને સિકયુરીટી ફીચર ઉમેરી કાગળ જેવા ફોર્મેટ પર આખરે અલગ – અલગ સાઇઝની જુદા -જુદા મૂલ્યની નોટો છાપવામાં આવે છે.

જો કે આખરી પ્રક્રિયાઓ સરકાર દ્વારા ગુપ્ત રખાય છે. કપાસમાંથી બનતી ચલણી નોટો જલ્દી ફાટતી નથી અને કાગળ કરતાં અનેકગણી ટકાઉ ગણાય છે. આઝાદી પહેલાં બિહાર, બંગાળ અને વિદેશમાં છપાતી ચલણી નોટો સ્વતંત્રતા પછીથી નાસિક, દેવાસ, મૈસૂર અને સાલબોની ખાતેના સંપૂર્ણ સુરક્ષિત મુદ્રણ પ્રેસોમાં છપાય છે. તો સિકકાઓ મુંબઇ, નોઇડા, કલકત્તા અને હૈદ્રાબાદ સ્થિત ટંકશાળોમાં બનાવાય છે. ગાંધીજીની તસવીર તો છેક ૧૯૯૬ પછીથી ચલણી નોટો પર છપાતી થઇ. સરકાર માન્ય 22 ભારતીય ભાષાઓમાં  15 ભાષામાં જ જેતે મૂલ્યની નોટ પર મૂલ્ય છપાયેલું હોય છે. 1954 થી 1978 સુધીના સમય દરમ્યાન તો 5000 અને 10,000 ની ચલણી નોટો પણ ચલણમાં હતી. કાળાંનાણાંની સંગ્રહાખોરીને કારણે તે મોટા મૂલ્યની ચલણી નોટો રાતોરાત બંધ કરી દેવાયેલી. છેલ્લે 1000ની અને 500ની જૂની નોટો પણ એ જ કારણોસર રાતોરાત વર્તમાન સરકાર દ્વારા બંધ કરી દેવાયેલી. 1957 સુધી રૂપિયાનું મૂલ્ય આનામાં ગણાતું. 16 આના એટલે 64 પૈસા બરાબર 1 રૂપિયો હતો જે પછીથી 100 પૈસા બરાબર 1 રૂપિયા મુજબની ગણના અમલમાં આવી હતી.

Most Popular

To Top