Columns

આફ્રિકાના ચિત્તા ભારતમાં લાવવાની યોજનાનો વિરોધ જોર પકડી રહ્યો છે

જીવદયામાં માનતા ગુજરાતીઓ પોતાના જન્મદિનની ઉજવણી કરવા પાંજરાપોળમાં જાય છે અને ગાયોને લીલું ઘાસ ખવડાવીને આનંદનો અનુભવ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિનની ઉજવણી કરવા કુનો નેશનલ પાર્ક ગયા હતા અને તેમણે આફ્રિકાના ૮ ચિત્તા ભારતના જંગલમાં છોડીને તેનું કેમેરા વડે શૂટીંગ કરીને આનંદનો અનુભવ કર્યો હતો. અખબારી હેવાલો મુજબ આ ચિત્તાઓની ભૂખનું શમન કરવા માટે રાજગઢના જંગલમાંથી ૧૮૧ હરણને કુનો મોકલવામાં આવ્યા હતા. આ હરણનો શિકાર કરીને ચિત્તાઓ તેમનું ભોજન કરશે. આ ચિત્તાઓ જીવતા રહે તે માટે હજુ બીજાં હજારો હરણોને કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવશે. આ રીતે ચિત્તાઓનો ઉછેર કરવા હરણનો ભોગ ધરી દેવાનો જીવદયાપ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વખત કહ્યું હતું કે તેમની કારનાં પૈડાં હેઠળ ગલૂડિયું પણ કચડાઇ જાય તો તેમને મનમાં પીડા થાય છે. જીવદયાપ્રેમીઓ વડા પ્રધાનને પૂછે છે કે ‘‘તમારા જન્મદિનની ઉજવણી નિર્દોષ પ્રાણીઓની હિંસા વડે કરવામાં તમને પીડા ન થઈ? ’’નામિબિયાથી ચિત્તા લાવીને તેમને ભારતના જંગલમાં વસાવવા પાછળ કુલ આશરે ૧૫૦ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે, તેનો પણ જીવદયાપ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે. ભારતમાં લમ્પી વાયરસને કારણે લાખો ગાયો મોતનો શિકાર બની છે, તેની સરકારને ચિંતા નથી. આ ગાયોને જમીનમાં દાટવા ક્રેનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. બીજી બાજુ ચિત્તાને ભારતમાં લાવવા ચાર્ટર્ડ ફ્લાઇટનો ઉપયોગ કરાઈ રહ્યો છે, તેની પણ ટીકા કરવામાં આવી રહી છે. જો ચિત્તા જેવાં વન્ય પ્રાણીઓ ભારતમાંથી લુપ્ત થઈ ગયાં હોય તો તેના માટે સરકારની જંગલો કાપીને વિકાસ કરવાની નીતિ જવાબદાર છે. જેમ ચિત્તાઓ લુપ્ત થઈ ગયા છે તેમ હરણ પણ લુપ્ત થઈ રહ્યાં છે. એક લુપ્ત થતાં પ્રાણીને ફરીથી વસાવવા બીજાં લુપ્ત થતાં પ્રાણીનો ભોગ લેવામાં કુદરતી ન્યાયના સિદ્ધાંતનો પણ ભંગ થાય છે.

બહુ ઓછાં લોકોને ખબર હશે કે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ગિરના સિંહોને વસાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી, પણ ગુજરાત સરકારના વિરોધને કારણે તે યોજના સફળ થઈ શકી નહોતી. આ વિષયમાં સુપ્રિમ કોર્ટના કેસમાં ગુજરાત સરકારની દલીલ એવી હતી કે કુનો નેશનલ પાર્કમાં સિંહોને મારણ કરવા પૂરતાં હરણ ન હોવાથી ત્યાં સિંહનો વસવાટ કરી શકાય તેમ નથી. હવે ભારત સરકારને તે જ કુનો નેશનલ પાર્ક ચિત્તાના વસવાટ માટે યોગ્ય જણાય છે. કુનો નેશનલ પાર્કમાં સિંહોને વસાવવાનો વિરોધ કરનારા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી હવે ભારતના વડા પ્રધાન બન્યા છે ત્યારે તેમના જ હાથે આફ્રિકાના ચિત્તાને કુનોમાં વસાવાઈ રહ્યા છે અને તેમના ભોજન માટે બીજાં જંગલોમાંથી હરણોની આયાત પણ કરવામાં આવી રહી છે.

ભારતમાં ચિત્તા પાછા લાવવાની વિચારણા ૨૦૦૯ માં વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી હતી. ભારતના અને દુનિયાભરના નિષ્ણાતો દ્વારા ચિત્તાને ભારતમાં વસાવવા માટે સ્થળોનો સર્વે ચાલુ કરાવ્યો હતો. ભારતમાં ભૂતકાળમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચિત્તાઓની વસતિ હોવાથી તેમની વિચારણા પહેલાં કરવામાં આવી હતી. જે ૧૦ સ્થળોનો સર્વે કરવામાં આવ્યો તેમાં મધ્ય પ્રદેશના કુનોનો નંબર પહેલો હતો, કારણ કે તેમાં શિકાર માટે હરણની મોટી વસતિ હતી. કુનો નેશનલ પાર્ક ૭૪૮ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેમાં કુલ ૨૧ ચિત્તાઓ વસવાટ કરી શકે તેમ માનવામાં આવે છે. કુનોમાં ગુજરાતના સિંહોનો વસવાટ કરાવવા તેની માનવ વસતિને બહાર ખસેડવામાં આવી હતી.

ગુજરાતના સિંહોને કુનોના નેશનલ પાર્કમાં વસાવવા બાબતનો કેસ સુપ્રિમ કોર્ટમાં ચાલતો હતો. વન્ય જીવોના નિષ્ણાતો કહેતા હતા કે ગિરના સિંહ માટે ભારતમાં બીજું સ્થાન તૈયાર કરવાની જરૂર છે. જો તેમ કરવામાં નહીં આવે અને ગિરમાં કોઈ રોગચાળો ફેલાઈ જશે તો બધા સિંહો ખતમ થઈ જશે. તેમાં ગુજરાત સરકારનું સ્ટેન્ડ એવું હતું કે ગિરના સિંહોને ગુજરાતમાં જ અન્ય સ્થળોએ વસાવવામાં આવી રહ્યા છે, માટે તેમને ગુજરાત બહાર લઈ જવાની જરૂર નથી. ગુજરાત સરકાર દ્વારા બરડામાં સિંહો માટે નવું અભયારણ્ય તૈયાર કરવાની યોજના પણ ઘડાઈ ગઈ હતી. ૨૦૧૩ માં સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ‘‘આફ્રિકાના ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં વસાવવાની કોઈ જરૂર નથી. તેને બદલે ૬ મહિનામાં ગુજરાતના સિંહોને કુનોમાં વસાવવા જોઈએ.’’ગુજરાત સરકારે વિવિધ બહાનાં કાઢીને સુપ્રિમ કોર્ટના આદેશનો ૨૦૨૦ સુધી અમલ કરવાનું ટાળ્યા કર્યું હતું.

સુપ્રિમ કોર્ટના ૨૦૧૩ ના આદેશને કારણે આફ્રિકાના ચિત્તા ભારતમાં લાવવાની યોજના ૨૦૨૦ સુધી ખોરવાઈ ગઈ હતી. ૨૦૧૪ માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા હતા. તેમણે ચિત્તાને ભારતમાં લાવવાની યોજનામાં રસ લેવા માંડ્યો હતો. તેમના નિર્દેશ હેઠળ નેશનલ ટાઇગર કોન્ઝર્વેશન ઓથોરિટીએ ૨૦૨૦ ના જાન્યુઆરીમાં સુપ્રિમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન કરી હતી અને પ્રાયોગિક ધોરણે ભારતમાં ચિત્તાને લાવવાની મંજૂરી માગી હતી. સુપ્રિમ કોર્ટે કેટલીક શરતો સાથે તેને મંજૂરી આપી હતી અને તેનો એક્શન પ્લાન તૈયાર કરવા ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી. સમિતિ દ્વારા ચિત્તાને ભારતમાં પાછા દાખલ કરવાનો પ્લાન ૨૦૨૧ માં તૈયાર કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની યોજના ૨૦૨૨ ની ૧૫ મી ઓગસ્ટે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છૂટા મૂકવાની હતી, પણ કોરોનાને કારણે તેમાં વિલંબ થયો હતો. છેવટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી આણવામાં આવેલા ૮ ચિત્તા છોડવામાં આવ્યા હતા.

વન્ય જીવોના નિષ્ણાત રવિ ચેલ્લમ કહે છે કે ‘‘ગુજરાતના સિંહોને મધ્ય પ્રદેશના કુનોમાં વસાવવાના સુપ્રિમ કોર્ટના આદેશને ચાતરી જવા માટે કુનોમાં આફ્રિકાના ચિત્તા લાવવામાં આવ્યા છે. તેમના કહેવા મુજબ કુનોના જંગલમાં ચિત્તાનું ભોજન બની શકે તેવાં પૂરતાં પ્રાણીઓ જ નથી. કાયમ માટે બહારથી પ્રાણીઓની આયાત કરી શકાય નહીં. તેને કારણે કુનોના જંગલમાં છોડવામાં આવેલા ચિત્તાઓ લાંબુ જીવી નહીં શકે. જો તેમને જીવતા રાખવા હશે તો તેમને પણ પાળેલા પ્રાણીની જેમ તૈયાર ભોજન પૂરું પાડવું પડશે. એક ચિત્તાને ફરવા માટે સરેરાશ ૧૦૦ ચોરસ કિલોમીટર જમીનની જરૂર હોય છે. કુનોમાં વધુમાં વધુ સાત ચિત્તા જ જીવતા રહી શકે તેમ છે. તેમનો સંઘર્ષ દીપડા અને વાઘ સાથે થશે. ૧૫ વર્ષમાં ચિત્તાની સંખ્યા વધીને માંડ ૨૧ પર પહોંચશે.’’

ભારતમાં વન્ય જીવોની વસતિ ઘટી રહી છે તેનું મુખ્ય કારણ શહેરીકરણ અને આધુનિક પદ્ધતિનો વિકાસ છે. આજે રેલવે, બંદરો, રસ્તાઓ, વીજળી મથકો, હવાઈ અડ્ડાઓ, મેગા શહેરો, કારખાનાંઓ વગેરે બાંધવા માટે જંગલની લાખો હેક્ટર જમીનનો નાશ થઈ રહ્યો છે. અગાઉ જ્યાં વિશાળ ઘાસનાં મેદાનો હતાં ત્યાં બંગલાઓ અને કારખાનાંઓ ઊભાં થઈ રહ્યાં છે. વાઘ, દીપડા અને સિંહ જેવાં વન્ય પ્રાણીઓ શહેરોમાં આંટા મારતાં થઈ ગયાં છે. તેમને શિકાર માટે હરણ નથી મળતાં તો તેઓ ગાય-ભેંસનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. આ સંયોગોમાં જો વન્ય જીવોની સાચી રક્ષા કરવી હોય તો વિકાસની દિશા બદલવી જોઈએ અને કુદરત તરફ પાછા વળવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top