Charchapatra

21 મી સપ્ટેમ્બરે રાત અને દિવસ સરખા બને છે

કુદરતના ક્રમ મુજબ આપણે ત્યાં 21 મી સપ્ટેમ્બરે એક ખગોળીય ઘટના બને છે. આપણો પ્રદેશ કર્કવૃત્ત એટલે કે 23.5 ડીગ્રી ઉત્તર અક્ષાંશ ઉપર આવેલો છે. 21 મી સપ્ટેમ્બરના દિવસે સૂર્ય, શૂન્ય ડીગ્રી અક્ષાંશ, અર્થાત્ વિષુવવૃત્ત ઉપર  મધ્યાહ્ને કાટખૂણે પ્રકાશે છે. એટલે વિષુવવૃત્તના પ્રદેશોમાં સખત ગરમી પડે છે અને આપણા કર્કવૃત્તના પ્રદેશોમાં તથા દક્ષિણે આવેલા 23.5 ડીગ્રી દક્ષિણ અક્ષાંશ અર્થાત્ મકરવૃત્ત ઉપરના પ્રદેશોમાં રાત અને દિવસ સરખા બને છે. 21 મી સપ્ટેમ્બર પછી ક્રમશ: સૂર્ય દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરતો રહે છે. જે 22 મી ડિસેમ્બરે, મકરવૃત્ત ઉપર કાટખૂણે પ્રકાશે છે.

તે દિવસે આપણા કર્કવૃત્તના પ્રદેશોમાં મોટામાં મોટી રાત અને નાનામાં નાનો દિવસ બને છે અને આપણા કર્કવૃત્તના પ્રદેશોમાં શિયાળો જામતો જાય છે. જયારે મકરવૃત્તના દક્ષિણ ગોળાર્ધના પ્રદેશોમાં 22 મી ડિસેમ્બરે લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત બને છે. 22 મી ડિસેમ્બર પછી સૂર્ય વધુ દક્ષિણ દિશા તરફ જતો નથી ને 22 મી ડિસેમ્બરના દિવસ પછી ક્રમશ: વિષુવવૃત્ત તરફ પ્રયાણ કરે છે. 21 મી માર્ચે સૂર્ય વિષૃવવૃત્ત ઉપર કાટખૂણે આવે છે.  તે દિવસે પણ આપણે ત્યાં રાત અને દિવસ સરખા બને છે. 21 મી જૂને સૂર્ય પાછો કર્કવૃત્ત ઉપર કાટખૂણે પ્રકાશે છે અને તે દિવસે આપણા કર્કવૃત્તના પ્રદેશોમાં મોટામાં મોટો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત બને છે. આમ સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન કરતો રહે છે અને ઋતુઓ બનતી રહે છે.
સુરત              – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

રેવડી ( મફત ) કલ્ચરનાં પરિણામો
વોટસ એપ પર એક મેસેજ વાયરલ થયો છે તે મુજબ રેવડી (મફત) ની લ્હાણી કરતાં રાજ્યોની કર્જની પરિસ્થિતિ બતાવાય છે, જે આ મુજબ છે.

પંજાબ                 ૪૫ %

રાજસ્થાન             ૪૦ %

બિહાર                ૩૮ %

પશ્ચિમ બંગાળ        ૩૭ %

કેરળ                  ૩૭  %

રેવડી કલ્ચર થકી આ પાંચ રાજયો કેવાં બરબાદ થયાં છે તેની આ આંકડાકીય માહિતી અને સાબિતી છે. કોઇ પણ રાજ્યની ચૂંટણીમાં મફત આપવાની જાહેરાત કરતા પક્ષોને મત આપતાં પહેલાં વિચારવા જેવી બાબત છે.
સુરત     –  સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top