National

હવે ડુંગળી રડાવશે? ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટીના વિરોધમાં ખેડૂતોએ બજારમાં વેચાણ બંધ કર્યું

ડુંગળીની (Onion) નિકાસ (Export) પર 40 ટકા ડ્યુટી લાદવાના કેન્દ્રના નિર્ણયના વિરોધમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ (Farmers) ડુંગળીનું વેચાણ બંધ કરી દીધું છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ખેડૂતોએ રવિવારે જથ્થાબંધ બજારમાં ડુંગળીનું વેચાણ બંધ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે સરકારે ભાવ વધારાની આશંકા વચ્ચે ઘરેલુ ઉપલબ્ધતા વધારવા માટે શનિવારે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી લગાવી હતી. ડુંગળી પરની આ નિકાસ ડ્યૂટી 31 ડિસેમ્બર 2023 સુધી ચાલુ રહેશે. આ નિર્ણયના વિરોધમાં ખેડૂતોએ વેચાણ બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં પણ ટામેટાની જેમ વધારો થશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

એશિયાના સૌથી મોટા જથ્થાબંધ ડુંગળી બજાર લાસલગાંવ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં લગભગ 45 ટકાનો વધારો થયો છે. સમિતિના એક વેપારીએ કહ્યું કે બે અઠવાડિયા પહેલા ડુંગળી 1,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાતી હતી અને એક અઠવાડિયામાં તે 2,200 રૂપિયા પર પહોંચી ગઈ હતી. જોકે હવે ભાવ નીચે આવવા લાગ્યા છે, કારણ કે નિકાસ લગભગ અશક્ય બની ગઈ છે.

ઉપભોક્તા બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર શનિવારે (19 ઓગસ્ટે) ડુંગળીની અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમત 30.72 રૂપિયા પ્રતિ કિલો હતી. મહત્તમ ભાવ રૂ. 63 પ્રતિ કિલો અને લઘુતમ ભાવ રૂ. 10 પ્રતિ કિલો હતો. એક વર્ષ પહેલાં સમાન સમયગાળામાં ડુંગળીનો સરેરાશ ભાવ પ્રતિ કિલો રૂ. 25 હતો. લઘુતમ ભાવ રૂ. 11 અને મહત્તમ ભાવ રૂ. 60 પ્રતિ કિલો હતો. જોકે ગુજરાતમાં ડુંગળીનો 35થી 40 રૂપિયે કિલો ભાવ છે.

બીજી તરફ સરકાર ડુંગળીના ભાવમાં વધારો ન થાય તેના પ્રયાસ કરી રહી છે. સરકારે આ વર્ષે ત્રણ લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક જાળવી રાખ્યો છે. તેણે ગયા સપ્તાહથી જથ્થાબંધ બજારમાં મુખ્ય સ્થળોએ તેનો નિકાલ કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં દિલ્હી, આસામ, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશની જથ્થાબંધ મંડીઓમાં 2,000 ટન બફર ડુંગળીનું વેચાણ થયું છે. સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં નવા પાકના આગમન સુધી બફર ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. ડુંગળી હંમેશા રાજકીય રીતે સંવેદનશીલ રહી છે. આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા જેવા મહત્વના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ મહત્ત્વપૂર્ણ છે.

એક અહેવાલ મુજબ સપ્લાય ઘટવાને કારણે સપ્ટેમ્બરની શરૂઆતમાં ડુંગળી 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. મહારાષ્ટ્ર જેવાં મોટાં રાજ્યોમાં રવી પાક ફેબ્રુઆરીની શરૂઆતમાં પાકે છે. માર્ચમાં આ વિસ્તારોમાં કમોસમી વરસાદે ડુંગળીના પાકની સેલ્ફ લાઇફ 6 મહિનાથી ઘટાડીને 4-5 મહિના કરી દીધી હતી. જોકે એવા પણ અહેવાલ છે કે ઓક્ટોબરથી ડુંગળીનો પાક આવવા લાગશે. આનાથી સપ્લાયમાં વધારો થશે અને ડુંગળીના ભાવમાં ઘટાડો થશે.

Most Popular

To Top