Comments

અધિકારીઓ નકલી, ઓફીસ નકલી પુલ નબળા અને આપણે? સાવ નબળા?

નકલી શિક્ષકોની વાત સાંભળી હતી, ભૂતિયા સ્કૂલોના સમાચાર આવતા હતા,નકલી ઘી પકડાતું હતું..પણ હવે તો હદ, આખે આખી સરકારી કચેરી જ નકલી? ક્યાંય સુધી આવું ચાલ્યા જ કરે અને પકડાય તો એક બે દિવસ છાપામાં સામાચાર ચમકી વાત પૂરી. હજુ થોડા જ સમય પહેલાં પી. એમ.ઓ. ના નકલી અધિકારી બની એક ગઠિયો છેક કાશ્મીર ફરી આવ્યો. પછી મુખ્ય મંત્રી કચેરીના નકલી અધિકારી બની ફરતો જણ પકડાયો. અધિકારીઓ નકલી, પુલ નકલી અને તકલાદી, પ્રોફેસર વગરની મેડીકલ કોલેજો અને છતાં આ શાસન સરસ? આ કેવું? એક તરફ નકલીનો હોબાળો તો બીજી તરફ ખુલ્લી લૂંટ. લોકો મનફાવે ત્યાં ફી ઉઘરાવે છે અને મન ફાવે તેવા દરે ઉઘરાવે છે. આ દિવાળી વેકેશનમાં ફરશો એટલે બધી જ લૂંટનો અનુભવ થશે.     

ગુજરાતમાં વાલીઓની ફરિયાદ છે કે શાળા સંચાલકો ફી ના નામે લૂંટ ચલાવી રહ્યા છે,વાહનમાં મુસાફરી કરનારા કહે છે ટોલટેકસના નામે લૂંટ ચાલે છે, સિનેમાનાં રસિયા કહે છે કે મલ્ટીપ્લેક્સવાળા પાણીથી માંડીને પોપકોર્નમાં લૂંટ ચલાવે છે, સામાન્ય મુસાફરો કહે છે “ સાહેબ …આ આપણાં બસ સ્ટેન્ડોમાં શૌચાલયવાળા પણ લૂંટે જ છે …૧૦ રૂપિયા લે છે ,દર્દીઓ કહે છે આ ખાનગી હોસ્પિટલોવાળાથી તો તોબા …બીલ જોઈને બીમાર પડી જવાય છે.ટૂંકમાં જાહેર જીવનમાં રોજિંદી અને જીવનજરૂરી સેવાઓના ક્ષેત્રે ઉઘાડી લૂંટ ચાલે છે એમ દરેક કહે છે.

દુનિયાના તમામ ધર્મગ્રંથમાં લખ્યું છે કે અન્યાય કરનારા કરતાં અન્યાય સહન કરનારો વધુ ગુનેગાર  છે.આપણે પણ આ કહી જ શકીએ કે આ ઉઘાડી લૂંટ માટે પ્રજા જવાબદાર છે કારણ કે તે ક્યાંય વિરોધ જ નથી કરતી, પણ સાથે સાથે આ લોકશાહી છે. દેશ અને રાજ્યમાં કાયદાનું શાસન છે, તો આ ઉઘાડી લૂંટ માટે સરકારી તંત્ર પણ જવાબદાર છે. આપણે ગયા વખતે જ લખ્યું હતું કે ગુજરાત સરકારે સ્કૂલોમાં ફી નિયંત્રિત કરવાનું બીલ રજૂ કર્યું એ સારી વાત છે, પણ આ ગુજરાતમાં ભાજપની સરકાર વીસ વર્ષથી છે તો હવે તેને સમજાયું કે સ્કુલોમાં લૂંટ ચાલે છે? અને આ સ્કૂલોમાં ફી વધારાનો વિરોધ વાલીઓ દ્વારા થયો. મતલબ કે વિરોધ પક્ષ કોન્ગ્રેસ તો કંઈ કરતો જ નથી.

ભાજપના ઉજજવળ શાસનની આ નિશાની છે કે પાર્કિંગથી પાણી સુધી બધું જ વેચાય છે અને મનભાવન ભાવે વેચાય છે અને વેચનારામાં ભાજપવાળા કોન્ગ્રેસવાલા એવા ભેદ પણ નથી, બધા જ વેચી રહ્યા છે.ઘણી વાર તો એવું લાગે કે આપણા રાજકીય પક્ષોએ વેચવા માટે દેશ વહેંચી તો નથી લીધો ને? પણ મૂળ મુદ્દો એ કે આનો ઉકેલ શું? આપણે વારંવાર કહીએ છીએ કે દેશનો વિકાસ વ્યક્તિથી નહિ, વ્યવસ્થાથી થાય છે અને આપણે ત્યાં વ્યવસ્થાઓનો વિકાસ જ નથી થતો. આપણા સામાન્ય જ્ઞાનનાં પુસ્તકોમાં શોધ અને શોધકનાં નામ આવે છે.

આપણે વસ્તુઓ અને  દવાઓના શોધકોની વાતો કરીએ છીએ તો ક્યારેક આ સામાજિક વ્યવસ્થાઓ આ આધુનિક વ્યવસ્થાઓના શોધકની પણ વાત કરવી જોઈએ.આ ન્યાયવ્યવસ્થા,આ શિક્ષણવ્યવસ્થા,આ વહીવટીય વ્યવસ્થા,આ રાજકીય વ્યવસ્થાઓ કોણે શોધી?  ભારતમાં આજની વ્યવસ્થામાં મૂળ ભારતની હોય એવી વ્યવસ્થાઓ કેટલી? ભારતની તો જવા દો, આપણા આદરણીય મહાત્મા ગાંધીના સપનાની કઈ વ્યવસ્થા આજે ચાલે છે?  લોકશાહી એટલે કાયદો અને વ્યવસ્થા એવું આપણે માનતાં હોઈએ તો આપણે એવી આશા રાખવી પડે કે આપણે ચૂંટેલી સરકારનું રોજિંદુ તંત્ર જ એવું હોવું જોઈએ કે આવી લૂંટ માટે તત્કાલ કાયદાનો અમલ થવો જોઈએ.એમાંય જો આ સરકાર  જોરદાર હોય તો તેની પાસે કાયદાના શાસનની વધુ અપેક્ષા રાખવાની હોય, પણ આપણા અનુભવમાં એવું દેખાય છે કે આપણા જાહેર જીવનના નેતાઓની નિસ્બત પૂરી થઇ ગઈ છે ..

એમને જાતે સમજ જ નથી પડતી કે આ લૂંટ છે.ગેરકાયદેસર છે અને તેને રોકી શકાય એમ છે. પ્રજા બધે જ બૂમો પાડે છે પણ લોકશાહીમાં આપણો અસંતોષ મતદાનમાં પ્રતિબિમ્બિત થવો જોઈએ. જો આપણને એવું લાગતું હોય કે આ અનિયંત્રિત આર્થિક લૂંટ અટકવી જોઈએ તો આવનારી ચૂંટણીમાં આપણા મતવિસ્તારના ઉમેદવારને પૂછવું જોઈએ કે આ માટે તમે શું કરશો? બાકી દિલ્લી મ્યુનિસિપાલિટીની ચૂંટણીનાં પરિણામો અને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીના ફળાહારના સમાચારનો ઘૂઘરો મિડિયા આપણને પકડાવી દે અને આપણે વગાડ્યા કરીએ તો પછી આ સ્થિતિ બદલાવાની નથી.હા એક રસ્તો છે આ લૂંટમાં આપણે પણ ગોઠવાઈ જવું,પાણીથી મળીને આંસુ સુધીનું વેચી શકાય છે તમને વેચતાં આવડે તો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top