Comments

બચાવ ગમે તેટલો કરો પણ પેગેસસ ભારતનું વોટરગેટ કૌભાંડ છે

સત્તાધીશોને આમ પણ લોકતંત્ર માફક આવતું નથી એમાં હવે વિશાળકાય ઉદ્યોગગૃહોની પ્રચંડ પૂંજી અને દિવસરાત વિકાસ પામતી ટેકનોલોજીનું ઉમેરણ થયું છે. સત્તાધીશોને માફક એવા  સમાજની રચના અમે કરી આપીશું અને તમને માફક ન આવે એવા લોકો ઉપર અમે નજર રાખીશું, બોલો આની સામે અમને શું મળશે અથવા સામે છેડેથી સત્તાધીશો કહેશે કે તમારે અમને માફક એવા સમાજની રચના કરી આપવાની છે અને માફક ન આવે એવા લોકોની ગતિવિધિની રજેરજ માહિતી આપવાની છે, બોલો શું લેશો? જગત આખામાં આ રીતની ભાગીદારી વિકસી રહી છે અને લોકતંત્ર ક્યારેય નહોતી અનુભવી એટલી ભીંસ અનુભવી રહ્યું છે.

પૂંજીપતિઓ ટેકનોલોજીસ્ટોને કહે છે કે તમારે આ ધરતી ઉપર વિચરતા પ્રત્યેક ‘કામના’ માણસના વિચાર, વ્યવહાર, પ્રાથમિકતા, પસંદગી-નાપસંદગી વિશેની માહિતી આપવાની છે. એમાંથી કેટલાંક લોકોને નોખાં તારવી આપવાના છે અને અમે કહીએ એ મુજબ એ લોકોને એક ખાસ પ્રકારના બીબાંમાં ઢાળવાના છે. તમારે એક મુક્ત રીતે વિચારતા માણસને ખાસ પ્રકારે વિચારતા અને વર્તતા ગ્રાહકમાં ફેરવી આપવાનો છે, બોલો શું લેશો? ‘કામના’ લોકો એ છે જેની પાસે પૈસા છે અને બજારમાં વિક્રયશક્તિ ધરાવે છે.

આવા દિવસોની કલ્પના તો ‘૧૯૮૪’ નામની જગવિખ્યાત કૃતિના કર્તા જ્યોર્જ ઓરવેલે પણ નહોતી કરી. માનવીને સુવિધાને નામે મોકળાશ આપવામાં આવી રહી છે અને સામે સ્વતંત્રતા આંચકી લેવામાં આવી રહી છે અને તેને તેનું ભાન પણ નથી! જગતમાં સત્તાધીશો, પૂંજીપતિઓ અને નજર રાખનારી ટેકનોલોજી વિકસાવનારા ટેકનોલોજીસ્ટો વચ્ચે ભાગીદારીનો ત્રિકોણ વિકસ્યો છે અને તેમાં વ્યક્તિગત જીવન અને જાહેરજીવનનો ભોગ લેવાઈ રહ્યો છે. 

ઇઝરાયલની એનએસઓ ગ્રુપ નામની કંપનીએ પેગેસસ સ્પાઈવેર વિકસાવ્યો છે જે પૈસા લઈને જાસૂસી કરી આપવાનું કામ કરે છે. એન્ડ્રોઇડ હોય કે આઈઓએસ, કોઈ પણ સીસ્ટમના મોબાઈલમાં આ સ્પાઈવેર પ્રવેશીને જાસૂસી કરી શકે છે. અત્યાર સુધી એપલના માલિકો દાવો કરતા હતા કે એપલના આઈફોન કોઈ પણ સ્પાઈવેર સામે સુરક્ષા આપે છે. હવે વાત બહાર આવી છે કે એનએસઓ કંપનીના પેગેસસ સ્પાઈવેર ભારતમાં કેટલાક લોકોના મોબાઈલમાં પ્રવેશીને જાસૂસી કરતા હતા. જગતના બીજા પંદરેક દેશોમાં પણ કંપની તેના સ્પાઈવેર દ્વારા જાસૂસી કરતી હતી.

ભારતમાં જેમના ઉપર જાસૂસી કરવામાં આવી હતી એ નામ સૂચક છે. મોટા ભાગના લોકો એવા છે જેનો સીધો સત્તા અને ચૂંટણી સાથે સંબંધ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે વર્તમાન સત્તાધીશોના પ્રતિસ્પર્ધી છે. પ્રશાંત કિશોર જે ચૂંટણી જીતાડી આપવાનું કૌશલ ધરાવે છે અને હવે બીજેપીના વિરોધી હોય એવા પક્ષો માટે કામ કરે છે. ચૂંટણી પંચના ભૂતપૂર્વ આયુક્ત અશોક લવાસા જેમણે ચૂંટણીકીય આચારસંહિતાનો ભંગ કરવા છતાંય આંખ આડા કાન કરીને બીજેપીનો પક્ષપાત કરવા માટે ચૂંટણી પંચના બીજા બે આયુકતો સામે વાંધો લીધો હતો. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, કારણ કે પશ્ચિમ બંગાળની ચૂંટણી લડવાની હતી.

કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ના નેતાઓની એ સમયે જાસૂસી કરવામાં આવી હતી જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર તોડવાની હતી. મધ્યપ્રદેશમાંથી આવતા બીજેપીના પોતાના સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ પટેલ, કારણ કે મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર તોડવાની હતી અને પ્રહ્લાદ પટેલની વફાદારી શંકાસ્પદ હતી. રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના પીએની એ સમયે જાસૂસી કરવામાં આવી હતી વસુંધરા રાજે ગેહલોતની સરકારને તોડવામાં આવે તેનો વિરોધ કરી રહ્યાં હતાં. આ સિવાય સરકારની આલોચના કરનારા પત્રકારો અને બીજા કર્મશીલો. આમાં ઇન્ડિયન એક્સપ્રેસનાં પત્રકાર રીતિકા ચોપરાનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, કારણ કે તેઓ ચૂંટણી પંચને કવર કરે છે. 

કોઈ પણ ભોગે મેળવેલી સત્તા હાથમાંથી ન જવી જોઈએ અને જે રાજ્યોમાં સત્તા નથી તે કોઈ પણ માર્ગે હાથ કરવાની છે. તેમને જાણ છે કે માથાભારે હિંદુ રાષ્ટ્ર તો જ સ્થાપી શકાય અને ટકાવી શકાય જો અમર્યાદિત સત્તા હાથમાં હોય અને હા, સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ અને અત્યારે રાજ્યસભાના સભ્ય રાજન ગોગોઈને કેમ ભૂલાય. ના તેમની જાસૂસી કરવામાં નહોતી  આવી, પરંતુ સર્વોચ્ચ અદાલતની એ મહિલા કર્મચારીની જાસૂસી કરવામાં આવી હતી, જેણે ન્યાયમૂર્તિ ગોગોઈ ઉપર શારીરિક છેડછાડ અને બદતમીજીનો આરોપ કર્યો હતો. ન્યાયમૂર્તિ ગોગોઈ સામે જે દારૂગોળો મળવાનો હતો એ પેલી છોકરી પાસેથી અને તેના સગાં તેમ જ સાથી કર્મચારીઓ પાસેથી મળવાનો હતો.  કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો છે કે જાસૂસીની વાત ભારતને, ભારત સરકારને અને ભારતીય લોકતંત્રને બદનામ કરવા માટે ઉપજાવી કાઢવામાં આવી છે. ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ખાતાના પ્રધાન અશ્વિની વિષ્ણૌ સંસદમાં ખુલાસો કરતા હતા ત્યારે એ જ સમયે લંડનના ‘ગાર્ડિયન’ નામના અખબારે સમાચાર ફ્લેશ કર્યા હતા કે આ અશ્વિની વૈષ્ણૌ પર પણ જાસૂસી કરવામાં આવી હતી.

આ જગતમાં લોકતંત્ર, લોકતાંત્રિક સંસ્થાઓ, મૂલ્યવ્યવસ્થા, વોચડોગ ઇન્સ્ટીટયુશન ભીંસમાં હોવા છતાં હજુ તે ટકી રહ્યાં છે તેમના પ્રયત્નોના પરિણામે ૨૦૧૩ ની સાલમાં વાસેનાર એરેન્જમેન્ટ તરીકે ઓળખાતી સુરક્ષાને લગતી બહુરાષ્ટ્રીય સંધિમાં સુધારો કરવામાં આવ્યો હતો અને ભારત સહિત જગતનાં ૪૦ કરતાં વધુ દેશોએ તેના ઉપર સહી કરી છે. એ સુધારો એવો છે કે શસ્ત્રોની સાથે એવી ટેકનોલોજીના વેચાણ ઉપર પણ નિયંત્રણ અને નિયમન લાદવામાં આવે જેનો ભલા અને નિર્દોષ લોકો સામે દુરુપયોગ થઈ શકે છે. આવો દુરુપયોગ રોકવા માટે ૨૦૧૩ માં વાસેનાર સમજુતીમાં ઉમેરવામાં આવ્યું હતું કે હવે પછી જે કંપનીએ આ રીતની ટેકનોલોજી વિકસાવી હોય તેણે અને જે દેશમાં આ ટેકનોલોજી વિકસી હોય એ દેશની સરકારે જેને આવી ટેકનોલોજી વેચી કે આપી હોય તેની પાસેથી દુરુપયોગ કરવામાં નહીં આવે તેની બાંયધરી લેવી પડશે એટલું જ નહીં, પણ તેનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો તેના પર નજર પણ રાખવાની રહેશે. પેગેસસ સ્પાઈવેર બનાવનારી કંપની કહે છે કે અમે ભારત સરકારને વાસેનાર સમજુતી મુજબ શુભ ઉદ્દેશ માટે ટેકનોલોજી આપી હતી. પણ નિયમનનું શું? કંપની સામે અબજો ડોલર્સના નુકસાન ભરપાઈના કેસ ચાલી રહ્યા છે જેમાં તે  ઊઠી જવાની છે.

૨૦૧૭ ના જુલાઈ મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલની મુલાકાતે ગયા એ પછી તરત એટલે કે એ દિવસથી આ સ્પાઈવેરનો દુરુપયોગ સાથે ઉપયોગ શરૂ થયો. આ યોગાનુયોગ ન હોઈ શકે. પેગેસસ ભારતનું વોટરગેટ કૌભાંડ છે. ૧૯૭૨ માં પ્રમુખપદની ચૂંટણી ટાણે રિપબ્લિકન પાર્ટીના અમેરિકન પ્રમુખ અને બીજી વખતના ઉમેદવાર રિચર્ડ નિકસને ડેમોક્રેટિક પાર્ટીના વડા મથકમાં જાસૂસીયંત્રણા ગોઠવી હતી. એ કૌભાંડ સાબિત થયું હતું અને છેવટે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top