Top News

ચીનમાં વિનાશક પૂર: આટલા લોકોનાં મોત, એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર

ચીન (china)ના મધ્ય હેનાન પ્રાંતમાં છેલ્લાં 1000 વર્ષોમાં સૌથી ભારે આશરે 22 ઈંંચ વરસાદ પડવાથી આવેલા વિનાશક પૂર (flood)ને લીધે ઓછામાં ઓછા 25 લોકોનાં મોત (Death) થયાં હતાં અને એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર (Migration) કરવામાં આવ્યું હતું.

12 જણાં તો સબ વેની અંદર મૃત્યુ પામ્યા હતા. રાષ્ટ્રપતિ (President) જિનપિંગે પૂરગ્રસ્ત સબવે, હૉટેલ્સ અને જાહેર સ્થળોએ ફસાયેલા લોકોને બચાવવા લશ્કર (Army) મોકલવાનો આદેશ જારી કર્યો હતો. એક ડેમ તૂટી પડવાની દહેશત હતી જેનાથી પ્રાંતની રાજધાનીમાં પૂરનું જોખમ આવી શકે. જો કે પૂરગ્રસ્ત નદીનાં ઉછાળા મારતા પાણીને બીજે વાળવા ચીનના લશ્કરે નુક્સાન પામેલો એક ડેમ (River dam) ઉડાવી દીધો હતો. 75 સૈનિકો અને એન્જિનિયરિંગ કેમિકલ ડિફેન્સ બ્રિગેડના સૈનિકોએ યિચુઆન કાઉન્ટીમાં યિહેટાનના ડેમમાંથી પૂરનાં પાણી અન્યત્ર વાળવા ડેમ બ્લાસ્ટિંગનું કામ પૂર્ણ કર્યું અને ત્યારબાદ જરૂરી બચાવ કામગીરી કરી હતી.

હવામાન શાસ્ત્રીઓ આ પૂરને ભાગ્યે જ બનતી ઘટના ગણાવી રહ્યા છે. એના કારણે 1.26 કરોડ લોકોની વસ્તી ધરાવતી પ્રાંતની રાજધાની ઝેંગઝૌમાં વિનાશક દ્રશ્યો સર્જાયા છે. સબ વે અને રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. કુલ 12.4 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. સ્થળાંતર કરાયેલા લોકોની સંખ્યા 1.60 લાખ છે. જિનપિંગે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ગોઠવવાનો આદેશ આપતા કહ્યું કે લોકોની સલામતી અને સંપત્તિને સુનિશ્ચિત કરવા ટોચની અગ્રતા આપવાની છે. વરસાદગ્રસ્ત હેનાનમાં ભારે વરસાદ પડવાથી એક ડેમને ગંભીર નુક્સાન થયું છે અને એ તૂટી પડે એમ છે. પીએલએના સેન્ટ્રલ થિયેટર કમાન્ડે સૈનિકોને તાકીદે ત્યાં રવાના કર્યા હતા. પીએલએએ એના સોશિયલ મીડિયા સાયના વીબો પર કહ્યું કે હેનાનની યિચુઆન કાઉન્ટી ના ડેમમાં 20 મીટર લાંબી ફાટ દેખાઇ છે અને એ ગમે ત્યારે તૂટી પડે એમ છે.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયેલા વીડિયોમાં લોકો સબ વે ટ્રેનની અંદર ફસાયેલા અને મદદની રાહ જોઇને સેફ્ટી બાર્સ સાથે ટિંગાયેલા જોઇ શકાય છે. સેંકડો કાર અને વાહનો તણાઇ ગયેલા દેખાય છે. રસ્તાઓ પર ભૂવા પડી ગયા છે અને એમાં પડી ગયેલા લોકો પણ દેખાય છે. ઝેંગઝૌમાં 24 કલાકમાં 457.5 મિમી વરસાદ પડ્યો હતો અને હવામાનનો રેકોર્ડ રાખવાનું શરૂ થયું ત્યારથી સૌથી વધારે વરસાદ છે. હેનાન પ્રાંતમાં ઘણાં સાંસ્કૃતિક સ્થળો આવેલા છે અને ઉદ્યોગ અને ખેતીનું મોટું કેન્દ્ર છે. બુદ્ધ મંદિર શાઓલિન મંદિર પણ પૂરમાં સપડાયાના હેવાલ છે.

રોડ અને રેલ સેવાને અસર થઈ છે. 160થી વધુ ટ્રેનો અટકાવી દેવાઇ હતી. હવાઇ મથક પર 260 ફ્લાઇટ્સ રદ કરી દેવાઇ છે. બુધવાર રાત સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણી છે.

Most Popular

To Top