Columns

નિર્મલા સીતારામન ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવું બજેટ આપીને આંચકો આપશે?

જે નાણાંકીય વર્ષમાં દેશનો જીડીપી માઇનસ ૭.૭ ટકાનો વિકાસ દેખાડતો હોય તે દેશના અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટેનું અંદાજપત્ર મૌલિક, ક્રાંતિકારી અને નાવીન્યપૂર્ણ જ હોવું જોઈએ. કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન કોરોના લોકડાઉનના કાતિલ હુમલામાંથી અર્થતંત્રને ઉગારવાના જબરદસ્ત પડકારનો સામનો કરી રહ્યાં છે.

આવી વિકટ પરિસ્થિતિમાં તેઓ કેવું બજેટ આપશે? આ બજેટથી દેશનું અર્થતંત્ર ફરીથી ધબકતું થઈ શકશે? શું જે કરોડો લોકો બેરોજગાર થઇ ગયાં છે, તેમની રોજી બજેટ થકી પાછી મળશે? શું અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી શકશે? આવા તમામ સવાલોના જવાબો જાણવા માટે આપણે તા. ૧ ફેબ્રુઆરીની રાહ જોવી પડશે.

આપણી સંસદે પસાર કરેલા કાયદા મુજબ બજેટની ફિસ્કલ ડેફિસીટ જીડીપીના ત્રણ ટકા કરતાં ઓછી રહેવી જોઈએ. દેશનો જીડીપી જો ૨૦૦ લાખ કરોડ રૂપિયાનો હોય તો ત્રણ ટકા ફિસ્કલ ડેફિસિટ પણ ૬ લાખ કરોડ રૂપિયા જેવી થઈ જાય છે.

જો સરકાર તેટલા રૂપિયા છાપીને અર્થતંત્રમાં ઠાલવે તો ફુગાવો વધી જાય. જો તેટલા રૂપિયાની લોન લે તો વ્યાજનું ભારણ વધી જાય. તેમ છતાં દર વર્ષે ફિસ્કલ ડેફિસિટ ત્રણ ટકા કરતાં વધી જ જતી હોય છે.

ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં સરકારે ફિસ્કલ ડેફિસિટ જીડીપીના ૩.૪ ટકા રહેવાનો અંદાજ બાંધ્યો હતો. હવે આર્થિક સર્વેક્ષણ કહે છે કે ફિસ્કલ ડેફિસિટ વધીને ૭.૨૫ ટકા પર પહોંચી જશે. આવતાં નાણાંકીય વર્ષ માટે પણ ફિસ્કલ ડેફિસિટ ૫.૫ ટકા રહેશે. તેને કારણે ફુગાવો બેફામ વધી જશે તો મધ્યમ વર્ગ ભીંસમાં આવી જશે.

ચાલુ નાણાંકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિદર માઇનસ ૭.૭ ટકા જોવા મળશે. તે પછી આગામી નાણાંકીય વર્ષમાં વૃદ્ધિદર વધીને ૧૧ ટકા થવાનો આશાવાદ આર્થિક સર્વેક્ષણમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. માણસ કોઈ ખાડામાંથી બહાર નીકળે ત્યારે તેણે વધુ પગથિયાં ચડવાં પડે છે. તેને વિકાસ થયો ન કહેવાય. હકીકતમાં ભારતનો વૃદ્ધિદર સરવાળે ૩.૩ ટકાનો જ રહેવાનો છે.

કોરોના અને લોકડાઉન દરમિયાન ભારતના જે અતિ શ્રીમંતો છે તેમની સંપત્તિમાં અધધધ ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે દેશના મધ્યમ વર્ગનાં કરોડો પરિવારો બે ટંકના રોટલા માટે તરફડિયાં મારતાં હતાં ત્યારે અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓની સંપત્તિ બમણી અથવા તેના કરતાં પણ વધુ થઈ ગઈ છે.

લોકડાઉન દરમિયાન ભારતના અબજોપતિઓની સંપત્તિમાં સરેરાશ ૩૫ ટકાનો વધારો થયો હતો. લોકડાઉન દરમિયાન કરોડો લોકોની નોકરી ગઈ હતી ત્યારે મુકેશ અંબાણી દર કલાકે ૯૦ કરોડ રૂપિયાની કમાણી કરતા હતા. ભારત સરકાર દ્વારા જે સખત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તે આવા ધનકુબેરોના લાભાર્થે તેમના ઇશારે જ કરવામાં આવ્યું હોય તેમ લાગ્યા વિના રહેતું નથી.

કેટલાક નિષ્ણાતો હિમાયત કરી રહ્યા છે કે નાણાં પ્રધાને આગામી બજેટમાં દેશના ૯૫૪ અબજોપતિ પરિવારો પર વધારાનો ચાર ટકા વેરો નાખવો જોઈએ. તેના થકી દેશના જીડીપીના એક ટકા જેટલા રૂપિયા સરકારી તિજોરીમાં આવશે, જેનો ઉપયોગ ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવા માટે કરી શકાશે.

જો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશના સુપરરીચ નાગરિકો પરનો ઇન્કમ ટેક્સ ૩૦ ટકાથી વધારીને ૪૨.૫ ટકા પર પહોંચાડી દેવામાં આવ્યો છે. જો તેમના પર વધુ ચાર ટકા ઇન્કમ ટેક્સ નાખવામાં આવશે તો તેઓ કદાચ કરચોરીના મૌલિક રસ્તાઓ પણ શોધી કાઢશે.

હકીકતમાં સરકારે દેશમાં એવી અર્થવ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે દેશના ગરીબમાં ગરીબ અને શ્રીમંતમાં શ્રીમંત નાગરિક વચ્ચેની આવકની ખાઈ એકદમ ઓછી હોય. તેને બદલે મહામારીના નામે એવી વ્યવસ્થા આકાર ધારણ કરી રહી છે જેમાં ગરીબો અને શ્રીમંતો વચ્ચેની ખાઈ વધી રહી છે.

લોકડાઉનને કારણે જેમ વેપારીઓની આવક ઘટી ગઈ તેમ સરકારની આવક પણ ઘટી ગઈ હતી. સરકારે ઇન્કમ ટેક્સના અને જીએસટીના જેટલા પણ લક્ષ્યાંકો બાંધ્યા હતા તે બહુ મોટા પુરવાર થયા છે. લોકડાઉનના મહિનામાં જીએસટીનું કલેક્શન છેક તળિયે પહોંચી ગયું હતું.

હવે આવક વધારવા સરકાર સમક્ષ ટેક્સ વધારવા સિવાયનો વિકલ્પ સરકારી કંપનીઓના વેચાણનો છે, જેને વિનિવેશ કહેવામાં આવે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારના વિનિવેશના કોઈ પણ લક્ષ્યાંકો હાંસલ થઈ શક્યા નથી.

આગામી નાણાંકીય વર્ષમાં સરકાર ઝનૂનપૂર્વક સરકારી કંપનીઓનું લિલામ કરીને નાણાં ભેગા કરવાના મરણિયા પ્રયાસો કરશે. સરકાર ખોટ ખાતાં એકમોને વેચીને રૂપિયા કમાય તે તો જાણે સમજ્યા, પણ આ સરકાર તો એલ.આઇ.સી. જેવા કમાણી કરતાં એકમો પણ વેચવાની યોજનાઓ મોટા મોટા ઉદ્યોગપતિઓના લાભાર્થે તૈયાર કરી રહી છે.

લોકડાઉનને કારણે પક્ષાઘાતનો સામનો કરી રહેલા અર્થતંત્રને ફરીથી ચેતનવંતુ બનાવવાનો એક માર્ગ સરકારી ખર્ચમાં વધારો કરવાનો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં સરકાર દ્વારા ૩૦ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની ગણતરી રાખવામાં આવી હતી. હવે અર્થતંત્રને બેઠું કરવા સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં ખર્ચા વધારવાનો અનુરોધ થઈ રહ્યો છે.

તેમાં પણ રિયલ એસ્ટેટ, પ્રવાસન, પરિવહન, નાગરિક ઉડ્ડયન, રિટેઇલ વગેરે ક્ષેત્રોને ખાસ ઉત્તેજનની જરૂર છે. આરોગ્યના ક્ષેત્રમાં પણ જો સરકાર દેશના ૧૩૦ કરોડ નાગરિકોને કોરોનાની રસી આપવા માગતી હશે તો બહુ બધા રૂપિયાની જરૂર પડશે. આ રૂપિયા ક્યાંથી આવશે? તે મોટો સવાલ છે.

જો રિઝર્વ બેન્ક રૂપિયા છાપીને સરકારને આપશે તો ફુગાવો વધશે અને સરવાળે મોંઘવારી પણ વધશે. લોકડાઉન પછી આમ પણ દરેક જીવનાવશ્યક ચીજોના ભાવમાં ૧૦ ટકાથી માંડીને ૨૫ ટકાનો વધારો થયો છે. જે શ્રીમંતોની કમાણી લોકડાઉનને કારણે વધી રહી છે, તેમને તો કંઇ ફરક પડવાનો નથી; પણ જે મધ્યમ વર્ગ માંડ માંડ બે છેડા ભેગા કરે છે, તેને ફુગાવાને કારણે જીવનને ટકાવી રાખવું મુશ્કેલ થઈ જશે.

વિશ્વની મહાસત્તાઓ દ્વારા પોતાનાં શસ્ત્રો વેચવા માટે દુનિયાના દેશોને સતત લડાવવામાં આવે છે. ભારત અને ચીનને પણ લડાવી મારવાનું કામ અમેરિકાની સીઆઈએ જેવી ગુપ્તચર સંસ્થાઓ કરી રહી છે. ભારત-ચીન સીમા પર જે વિવાદ પેદા થયો છે તેમાં બળતામાં ઘી હોમવાનું કામ પશ્ચિમી પ્રસાર માધ્યમો કરે છે.

તેને કારણે ભારતે, પાકિસ્તાને અને ચીને સતત અદ્યતન શસ્ત્રો ખરીદવાં પડે છે. આ કારણે આપણે સંરક્ષણ બજેટ પણ વધાર્યા કરવું પડે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતનું સંરક્ષણ બજેટ ૩.૩૭ લાખ કરોડ રૂપિયાનું હતું. હવે ચીન સાથેના સંબંધો તણાવપૂર્ણ થતાં તે બજેટમાં વધારો કરવો પડશે. આ વધારો પણ નાગરિકો પરનો બોજો વધારશે.

ભારતનાં નાણાં પ્રધાન પાસે કોઈ જાદુઈ ચિરાગ કે રૂપિયાનું ઝાડ નથી કે જેને ખંખેરીને તેઓ દેશની ગરીબી દૂર કરી શકે કે અર્થતંત્રમાં તેજી લાવી શકે, પણ તેમની પાસે નીતિગત નિર્ણયો લેવાની સત્તા છે, જેનો ઉપયોગ કરીને તેઓ શ્રીમંતો પાસેથી થોડી સંપત્તિ લઈને તેનું ગરીબોમાં વિતરણ કરી શકે તેમ છે.

ખાટલે મોટી ખોડ એ છે કે ભારતની સરકાર કાયમ માટે શ્રીમંતોના હિતમાં કામ કરે છે. સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની તેથી કોઈ ફરક પડતો નથી. સરકારની નીતિ કાયમ શ્રીમંતોને મદદ કરવાની હોય છે. કૃષિ કાયદાઓ દ્વારા તે વાત ફરીથી સાબિત થઈ ગઈ છે. હવે બજેટમાં શ્રીમંતો પર થોડો ટેક્સ વધારવામાં આવશે તો તેનો ઉદ્દેશ પણ ગરીબોના મતો મેળવવાનો જ હશે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top