Gujarat

આગામી સપ્તાહે રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત

રાજયમાં આગામી સપ્તાહે વરસાદની સંભાવના નહીંવત જોવા મળી રહી છે. સેટેલાઈટની મદદ વડે હવામાન વિભાગના નિષ્ણાંતોએ સરકારને આ જાણકારી આપી છે. રાજયમાં આજે મંગળવારે સાંજ સુધીમાં 33 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ડાંગ વઘઇમાં 34 મીમી એટલે 1.3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદ સિટીમાં સવા ઇંચ, ગીર સોમનાથમાં સૂત્રાપાડામાં સવા ઈંચ, મોડાસામાં 1 ઇંચ, કપડવંજમાં 1 ઇંચ, વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજયમાં 125 તાલુકાઓમાં વરસાદ થયો હતો.જેમાં 20 તાલુકાઓમાં 1 થી 3 ઈંચ જેટલો વરસાદ થયો હતો ખાસ કરીને સુરત જિલ્લાના ઉમરપાડામાં સાડા 6 ઈંચ વરસાદ થયો હતો. સુરતના માંગરોળમાં 2 ઇંચ, મહુવામાં અઢી ઇંચ, લુણાવાડામાં 2 ઈંચ વરસાદ થયો હતો.

રાજયમાં મોસમનો અત્યાર સુધી તા.૨૨/૦૬/૨૦૨૧ અંતિત ૮૭.૩૦ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૧૦.૩૮% છે.હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે ૧૯ જુન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જયારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર સોમનાથ, પોરબંદર અને જુનાગઢમાં પ્રમાણમાં વરસાદ ઓછો નોંધાયો છે. આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહીંવત છે.

આજે ગાંધીનગરમાં યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં આપવામાં આવેલી માહિતી મુજબ ચાલુ વર્ષે અંદાજીત ૬.૮૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૧/૦૬/૨૦૨૧ સુધીમાં થયુ છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમ્યાન ૧.૩૯૪ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮.૦૬% વાવેતર થવા પામ્યુ છે.

સિંચાઇ વિભાગના સૂત્રોએ કહયું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૧,૫૦,૬૨૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૦૯ % છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૨,૦૬,૯૧૦ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૭.૧૪ % છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ – ૦૪ જળાશય છે. જ્યારે એલર્ટ ૫ર એકપણ જળાશય નથી તેમજ વોર્નીગ ૫ર ૦૭ જળાશય છે.
એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૫ ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે. જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, ૧-રાજકોટ, ૧-ગીર સોમનાથ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે જ્યારે ૮- ટીમ વડોદરા અને ૨ ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

Most Popular

To Top