Business

‘ખાન’ દાન બાદ બોલિવુડના પરિવારમાં નવા સભ્યો ઉમેરાયા

કોઈ માને ન માને પણ ખાન ત્રિપુટીનો જ નહીં ‘ખાન-દાન’ નો સમય પૂરો થઈ ગયો છે પણ તેઓ એવા નથી કે 5-6 મહિને તેમની એકાંદ ફિલ્મ રજૂ થાય. મહિનાઓ નહીં દોઢ-બે વર્ષે એકાદ ફિલ્મ રજૂ થાય તો થાય. ફિલ્મના બજારને સતત ગરમ રાખનારા સ્ટાર્સમાં હવે ખાનને નહીં ગણી શકો. આ ‘ખાન’માં તમે સૈફ અલી ખાનને પણ ઉમેરી શકો અને ઈરફાન ખાન કે જે જૂદો પ્રભાવ ઊભો કરી શક્યો હતો તે પણ હવે નથી. આ ઉપરાંત ઝાયેદ ખાન, ઈમરાન ખાન પણ નથી. જે સ્ટાર્સની ચર્ચા થાય છે તે અક્ષયકુમાર, અજય દેવગણ, ઋતિક રોશન, રણબીર કપૂર, રણવીર સિંઘ, ટાઈગર શ્રોફ, વરૂણ ધવન, આયુષ્યમાન ખુરાના, કાર્તિક આર્યન, શાહીદ કપૂર વગેરે છે. આમાં કોઈ ‘ખાન’ નથી.

‘ખાન’માં સૌથી વધુ વટ સલમાન ખાનનો રહ્યો છે ને તેના કારણે તેના ભાઈ અરબાઝ અને સોહેલખાન પણ છે. સલમાનની અંતિમ : ધ ફાઈનલ ટ્રુથ’ નું શૂટિંગ ચાલી રહ્યું છે. ‘કભી ઈદ કભી દિવાલી’નું શૂટીંગ શરૂ થવું બાકી છે. શાહરૂખ સાથેની ‘પઠાણ’માં તે છે અને ‘કીક-2’ હજુ અનાઉન્સ થઈ છે. શાહરૂખની તો માત્ર ‘પઠાણ’ જ છે. આમીરખાન આ બંનેમાં વધારે સશક્ત છે પણ સલમાનની જેમ ઉહાપોળ વિના સફળતા મેળવે છે. બે-અઢી વર્ષે તેની એકાદ ફિલ્મ રજૂ થાય છે. જેમકે ‘લાલ સિંહ ચઢ્ઢા’ આવી રહી છે.

સૈફ અલી ખાન ક્યારેય મોટો સ્ટાર ગણાયો નથી. તેની સ્ટાર વેલ્યુ મર્યાદિત છે પણ કામ મળતું રહે છે. ‘ખાન’ની વાત થાય તો ત્રણ ખાન્સની જ વાત થાય છે. એટલે અત્યારે કહી શકાય કે યુસુફખાન (દિલીપકુમાર) થી શરૂ થયેલો સિલસિલો હવે અટકી જવામાં છે. બાકી ‘ખાન’ હંમેશા ચર્ચામાં રહ્યા છે ચાહે અમજદ ખાન હો યા કાદર ખાન અને ખાન કહો તો અરબાઝ ખાન, ફરદીન ખાન, અયુબ ખાન, સોહેલ ખાન, ઝાયેદ ખાનથી માંડી ફિરોઝ ખાન, સંજય ખાન, નાસીર ખાન પણ યાદ આવે. આજે આમાંના કોઈ ખાન ચર્ચામાં નથી. જે છે તે ખાન હવે કેટલા વર્ષ સ્ટાર તરીકે ટકશે તે કહી શકાય તેમ નથી. આમાં લેવાદેવા વિના મોદી સરકાર ખુશ થઈ શકે પમ તેમના પ્રતાપે ખાને પ્રભાવ ગુમાવ્યો હોય એવું નથી. ત્રણ ખાનમાં જો હજુ થોડા વર્ષ ટકશે તો આમીરખાન ટકશે.

અત્યારે ફિલ્મોદ્યોગ જેની પર સૌથી વધુ ભરોસો મુકે છે તે અક્ષય, અજયથી માંડી રણબીર, રણવીર, ટાઈગર શ્રોફ, વરૂણ ધવન, આયુષ્યમાન વગેરે છે. સલમાન, શાહરૂખનું એવું બન્યું કે તેઓ સ્વતંત્ર નિર્માતા માટે ઉપલબ્ધ થતાં જ અટકી ગયા. તેઓ કેટલાંય વર્ષથી જે ફિલ્મમાં કામ કરે તેના નિર્માતા પણ બની ગયા એટલે બીજા નિર્માતા તેમને વિચારતા બંધ થઈ ગયા. વળી તેઓ ટોપસ્ટાર બની ગયા હતા એટલે પોતાને ગમતી હીરોઈન, વિલન, સંગીતકાર જ નહીં દિગ્દર્શકની પણ અપેક્ષા રાખતા. નિર્માતાઓ માટે આ તો સ્વતંત્રતા ગુમાવવા જેવું હતું. વળી આ સ્ટાર્સને લો તો આપોઆપ મોટું બજેટ બની જાય. ફિલ્મજગતમાં અત્યારે કેટલાંય વર્ષથી નાણાંકીય કટોકટી ચાલે છે. ભણશાલી જેવા પોતાની તાકાતે બિગ બજેટ ફિલ્મ બનાવે યા આદિત્ય, કરણ, વિદુ ચોપરા બનાવે.

એ તાકાત રોહિત શેટ્ટીની પણ છે પણ તે જૂદી સ્ટાઈલનો ફિલ્મમેકર છે અને તમે જુઓ તો આ ફિલ્મ મેકર્સ સલમાન, શાહરૂખના હવે આગ્રહી રહ્યા નથી. સુરજ બડજાત્યા તો ફિલ્મ ઓછી બનાવે છે. ખેર, એક સમય આવતો હોય છે કે અમુકનો સમય પૂરો થાય. આજે જે કપૂર્સનો વટ હતો તેમાંથી ફક્ત રણબીર કપૂર જ બચ્યો છે. બાકીના કપૂર કાંઈ પૃથ્વી-રાજ કપૂરના વંશજો નથી અને આ બીજા કપૂરો પણ કોઈ મોટા સફળ નથી. અત્યારે કોઈ ખાન યા કપૂરનું વર્ચસ્વ નથી બલ્કે અનેક સ્ટાર્સ થઈ ફિલ્મોનો પરદો ઝળહળી રહ્યો છે. ખાન હવે વટ મારવો રહેવા દે, તેઓ ઝાંખા પડી ચુકયા છે. હવે ખાન યુગ પૂરો થયો.

Most Popular

To Top