SURAT

આયકર વિભાગની સાઇટ એક મહિનાથી બંધ રહેતા કરદાતા પરેશાન

SURAT : ઇનકમ ટેક્સની ( income tex) નવી વેબસાઇટ ( website) તૈયાર થવાના એક મહિના બાદ પણ વ્યવસ્થિત રીતે કાર્યરત નહીં થતાં સીએ અને કરદાતાઓની સમસ્યામાં વઘારો થયો છે. આયકરના નવા કાયદામાં સુધારા બાદ જાહેર અને ધર્માદા ટ્રસ્ટોને નવેસરથી રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવી છે પરંતુ, ઈન્કમટેક્સની નવી વેબસાઈટ પરથી નોંધણી માટે આવશ્યક અરજી ફોર્મ 10-એ અને ફોર્મ 10-એબી જ ગાયબ થઈ ગયા છે. જેથી કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભવિષ્યમાં વિના કારણે મોટી રકમના વ્યાજ અને દંડની જવાબદારી ટ્રસ્ટો પર આવી પડે તેવો ડર સતાવી રહ્યો છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિતીષ મોદીએ કહ્યું હતું કે, આવકવેરાના નવા કાયદા પ્રમાણે જૂના નોંધાયેલા જાહેર ધર્માદા ટ્રસ્ટો તેમજ નવા રચાયેલા જાહેર અને ધર્માર્દા ટ્રસ્ટોએ આવકવેરાના કાયદા મુજબ ઓનલાઈન ( online) નોંધણી કરાવી કલમ 12 એબી હેઠળ સર્ટિફિકેટ ( certificate) મેળવવું આવશ્યક છે. ટ્રસ્ટોની નોંધણીની તારીખ 30 જૂન હતી જે લંબાવીને 30 ઓગસ્ટ 2021 કરવામાં આવી છે, પરંતુ ઓનલાઈન અરજીફોર્મ નં. 10 એ અને 10 એબી ઈન્કમટેક્સની વેબસાઈટ પરથી નહી દેખાતાં કરદાતાઓની મૂંઝવણ વધી છે. કોઈ પણ ટ્રસ્ટ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે એમ નથી.સરળીકરણના બદલે ટ્રસ્ટોએ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.


વાસ્તવમાં હાલના તબક્કે ટ્રસ્ટોના રજિસ્ટ્રેશન કે પુનઃરજિસ્ટ્રેશન કે પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન માટેની કોઈ પ્રક્રિયા ઓનલાઈન થઈ શકતી નહીં હોવાથી જાહેર સંસ્થાઓ તેમજ ટ્રસ્ટોના ટ્રસ્ટીઓને માનસિક તાણ, બોજ અને પરેશાનીનો ભોગ બનવું પડી રહ્યું છે. વધુમાં કલમ 12 એબી હેઠળ જ્યાં સુધી નોંધણી નહીં થાય ત્યાં સુધી કલમ 80 જી હેઠળનું રજિસ્ટ્રેશન પણ થઈ શકતું નથી. પરિણામે આવા જાહેર અને ધર્માદા ટ્રસ્ટો એ દાતાઓ પાસેથી દાન કે ભંડોળ પણ મેળવી શકશે નહીં

Most Popular

To Top