Columns

ન્યૂરોલિંકની બ્રેઈન ચિપ : માણસને સુપરપાવર બનાવવાના પ્રયાસો

મસ્તિષ્ક. માનવ શરીરનું આ સૌથી સંવેદનશીલ, સૌથી રહસ્યમય અંગ છે. બ્રહ્માંડને સમજવા જેટલું જ વિકટ કામ માણસના મગજને સમજવાનું છે. માનવમનના પેટાળમાં પડેલા કેટલાય રહસ્યો અનેક વૈજ્ઞાનિક પ્રયોગો પછીય હજુ કોયડો જ રહ્યાં છે. માનવમનને ઉકેલવા માટે મનોવિજ્ઞાનની સ્વતંત્ર શાખા અસ્તિત્વમાં આવી હોવા છતાં હજુ કેટલાય પ્રશ્નોનો જવાબ મનોવિજ્ઞાન પણ આપી શકતું નથી. મસ્તિષ્કમાં અણધારી ગતિવિધિ થાય છે ત્યારે સ્મરણશક્તિ ઘટી જાય છે કે વધી જાય છે. ક્યારેક ન કલ્પેલી શક્તિનું વરદાન એકાએક મળી જાય છે. ઘણી વખત મગજમાં ભેદી હિલચાલ થાય તો અસાધ્ય માનસિક બીમારીઓ આવી પડે છે અને આખા શરીરને અસર કરે છે.

મગજના અમુક અતિ સંવેદનશીલ હિસ્સામાં અણધારી ગરબડો સર્જાય ત્યારે એનું નિદાન કરવાનું મુશ્કેલ બને છે અને ઈલાજ કરવાનું એથીય કપરું થઈ પડે છે. હવે તો ન્યૂરોલોજીનો ઘણો વિકાસ થયો. જોખમ લઈને ઓપરેશનો થાય છે પરંતુ પરિણામો દરેક વખતે સચોટ મળતા નથી એ હકીકત છે. એ માટે વૈજ્ઞાનિક શાખાની જેમ જો એમાં મોડર્ન ટેકનોલોજીનો સાથ મળે તો મસ્તિષ્કના ઊંડાણનો તાગ મેળવવાનું કામ સરળ બને. એ દિશાના પ્રયાસો કેટલાક દશકાથી ચાલી રહ્યા છે. એમાં ઈલોન મસ્કની કંપની એક ખાસ પડાવ પર આવીને ઊભી રહી છે.

વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપની ન્યૂરોલિંકે માણસના મગજમાં ચિપ બેસાડવાના પ્રયોગો હાથ ધર્યા છે. આ ચિપના કારણે સેંકડો લોકોને મગજની ગંભીર બીમારીથી રાહત મળી શકશે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ચિપથી કેટલાય કામ ટેકનોલોજી સાથે જોડાઈને સરળ બની જશે. અમેરિકન સરકાર મંજૂરી આપશે એટલે ન્યૂરોલિંક માણસ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે. તેનાથી મસ્તિષ્કની કેટલીય અસાધ્ય બીમારીઓનો ઉપચાર તો શક્ય બનશે જ પરંતુ સાજા-નરવા લોકોય એ ચિપ દિમાગમાં ફિટ કરાવીને પોતાનું રોજિંદું કામ વધારે સરળ બનાવશે. તેનાથી માણસ વધુ કાર્યક્ષમ બનશે. દિમાગમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત આ ચિપ બેસાડી દેવાથી માનવ શરીરને અકલ્પનીય શક્તિ મળશે. ઈલોન મસ્ક, મેક્સ હોડાક અને પૌલ મેરોલાએ 2016માં આ કંપનીની સ્થાપના કરી હતી.

ઘણાં બધાં ક્ષેત્રોની જેમ મસ્કને આ ક્ષેત્રમાં બહુ જ ઉજળી શક્યતા દેખાઈ રહી છે અને માણસ આ આધુનિક ચિપથી અત્યાર સુધી ન ધારેલા, ન કલ્પેલા કામ અપાર ઝડપે કરી શકશે. 300 કર્મચારીઓથી ચાલતી આ કંપનીએ 6 વર્ષમાં આ દિશામાં ઘણું અગત્યનું સંશોધન કર્યું છે. ન્યૂરોલિંકના સંશોધકોએ પ્રાણીઓ પર પ્રયોગો કર્યા હતા અને એમાં હવે ઠીક-ઠીક સફળતા મળતા હવે માનવ શરીરમાં પ્રયોગો કરવાની પરવાનગી માટે પ્રયાસો શરૂ કર્યા છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં મસ્કની ન્યૂરોલિંક કંપનીની અરજી પહોંચી ગઈ છે.

મસ્કે એ અરજીને મંજૂર કરાવવા માટે બનતા બધા જ પ્રયાસો આદરી દીધા છે. હ્મુમન ટ્રાયલ સફળ થાય અને એક વખત આ ચિપ કોઈ જ એરર વગર કાર્યરત થઈ જાય કે તરત જ ખુદ ઈલોન મસ્ક તેમના દિમાગમાં આ ચિપ બેસાડવા માગે છે. કંપનીના પ્રયોગો પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલ્સમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે એટલે દુનિયાભરના ન્યૂરોસાયન્ટિસ્ટની એના પર વિશેષ નજર છે. ઘણા વિજ્ઞાનિકો ન્યૂરોલિંકની ચિપને ક્રાંતિકારી ગણાવી રહ્યા છે અને મગજની બીમારીઓ માટે એ વરદાનરૂપ બનશે એવું માને છે. મગજમાં જે વિચારો ચાલતા હશે એ પણ ચિપના માધ્યમથી રેકોર્ડ થઈ શકશે. એટલું જ નહીં, તમે ટાઈપિંગ કરવા માંગતા હશો એ બાબતો માત્ર વિચારીને ટાઈપ કરી શકાશે. થોડા સમય પહેલાં કંપનીએ એક વીડિયો જાહેર કર્યો હતો.

એક વાંદરાના દિમાગમાં ચિપ બેસાડીને તેનો પ્રયોગ કરાયો હતો. વીડિયોમાં જોઈ શકાતું હતું કે બ્રેન ચિપના કારણે વાંદરો માત્ર વિચારીને વીડિયો ગેમ રમી શકતો હતો. જો કે હ્મુમન ટ્રાયલ પહેલાં બ્રેન ઈમ્પ્લાન્ટના પ્રયોગો દરમિયાન ઓછામાં ઓછા 15 વાંદરાઓનાં મોત થયા હતા. એ મુદ્દે પણ જીવદયા પ્રેમી સંસ્થાઓએ ન્યૂરોલિંક કંપનીની ટીકા કરી હતી અને આવા ક્લિનિકલ ટ્રાયલ સામે વિરોધ ઉઠાવ્યો હતો. વિરોધ છતાં કંપની આ પ્રયોગો માટે ખૂબ મક્કમ છે. કંપનીએ હ્મુમન એરરને ટાળવા માટે આ ચિપ મગજમાં બેસાડે એવો ખાસ રોબોટ બનાવ્યો છે. એ રોબોટે જ ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન વાંદરાઓના દિમાગમાં ચિપ બેસાડી આપી હતી.

આ ઈલેક્ટ્રોનિક વાયરલેસ ચિપમાં એવી ટેકનોલોજી છે કે મોબાઈલ એપથી જરૂર પડ્યે કોઈ સોફ્ટવેરની જેમ તેને અપડેટ કરી શકાશે. એટલે કે અત્યારે જે ચિપ મગજમાં બેસાડી હોય અને એમાં ભવિષ્યમાં કંઈ અપડેટ ફીચર્સ ઉમેરાય તો અપડેટ કરીને લેટેસ્ટ ફીચર એક્ટિવ કરાવી શકાશે. ઈલોન મસ્ક આ ટેકનોલોજીને લઈને ખૂબ જ ઉત્સાહી છે. મસ્કે એક નિવેદનમાં કહ્યું હતું કે આ ચિપથી શરીરનું કામ જ્યાં પૂરું થઈ જાય છે ત્યાંથી મગજનું કામ શરૂ થશે. આ ચિપ એવી એડવાન્સ ટેકનોલોજીથી બની છે કે બીજા ડિવાઈસ પણ તેનાથી કંટ્રોલ થશે. મસ્કનું માનીએ તો આ ચિપ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત હશે.

એક ચિપથી બધા જ ડિવાઈસ મેનેજ કરી શકાશે, એટલું જ નહીં, એકથી વધુ ડિવાઈસને આંતરિક રીતે આ ચિપના માધ્યમથી જોડી શકાશે. દુનિયાના વિજ્ઞાનિકો મસ્કની આ ટેકનોલોજી બાબતે બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક મત આ ચિપને ક્રાંતિકારી ગણે છે. ખાસ તો મગજના અસાધ્ય રોગોના ઈલાજ માટે તેમ જ દિવ્યાંગો માટે ખૂબ ઉપયોગી ટેકનિક ગણીને તેના પ્રયોગને આવકારે છે. બીજો મત વિરોધમાં દલીલ કરતા કહે છે કે આ ટેકનોલોજીથી મસ્કની ન્યૂરોલિંક કંપની ભવિષ્યમાં માનવમગજનો કબજો લઈ શકે છે. ચિપ અથવા કહો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સજ્જ ટેકનોલોજી માનવ મસ્તિષ્કને કંટ્રોલ કરશે ને પોતાનું ધાર્યું કામ કરાવશે.  દલીલ-પ્રતિદલીલો વચ્ચે માનવમનના તાણા-વાણા ઉકેલવા મેદાને પડેલી ચિપના પ્રયોગો પર દુનિયાભરના નિષ્ણાતોની નજર રહેશે એ નક્કી છે. ન્યૂરોલિંકના દાવા પ્રમાણે જો આ ચિપ ખરેખર એટલી અસરકારક સાબિત થશે તો એ મોડર્ન વર્લ્ડની ક્રાંતિકારી શોધ હશે એમાંય બે મત નહીં હોય!
– હરિત મુનશી

Most Popular

To Top