Dakshin Gujarat

‘વિજલપોરમાં દારૂ કે જુગારનો ધંધો કરવો હોય તો મુકેશ કાનગુડે અને બબલુ શર્માને મળો’ પોસ્ટ વાઈરલ

નવસારી: (Navsari) ભલે રાજ્યમાં દારૂબંધી (Prohibition of Alcohol) છે એમ કહેવાય, પરંતુ સત્ય એ છે કે આખા રાજ્યમાં (State) ઇચ્છો તે બ્રાન્ડ મળી રહે છે. એ સંજોગોમાં ભાજપનો જ એક નગર સેવક નગરમાં દારૂ કે જુગારનો ધંધો કરવો હોય તો કોને મળવું એવી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકાય, ત્યારે ભાજપમાં ભડકો થયા વિના નહીં રહે એ સમજી શકાય એમ છે. અત્યારે એ જ ભડકો નવસારીના વિજલપોર ભાજપમાં થયો છે.

અત્યારે તો નવસારી – વિજલપોર પાલિકા અસ્તિત્વમાં છે. પરંતુ એક સમયે વિજલપોર પાલિકા હતી, ત્યારે ભાજપના નગર સેવકો અને વિજલપોર પાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપી જગદીશ મોદીની સામે જ મોરચો માંડ્યો હતો. જગદીશ મોદીની સામે મોરચો માંડનારા પૂર્વ નગરસેવકો પૈકીના એક જ નગર સેવકે વિજલપોરના ભાજપના અગ્રણીઓ સામે આક્ષેપ કરતી એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકતાં હવે વિવાદ સર્જાયો હતો.
વિજલપોર પાલિકાના પૂર્વ નગર સેવક જ્યોતિન્દ્ર રાજભરે પોસ્ટમાં લખ્યું છે કે, વિજલપોરમાં દારૂ કે જુગારનો ધંધો કરવો હોય તો મુકેશ કાનગુડે અને બબલુ શર્માને મળો તેવું લખાણ લખી વિજલપોરના પૂર્વ નગરસેવકે પોસ્ટ મુકતા વિજલપોર શહેરનું રાજકારણ ગરમાયુ હતું.

પૂર્વ નગરસેવક જ્યોતિન્દ્ર રાજભરે વિજલપોર શહેરના ભાજપ અગ્રણી બબલુ શર્મા અને મુકેશ કાનગુડે વિરૂદ્ધ લખાણ લખી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકતા વિજલપોરમાં રાજકારણ ગરમાયું હતું. સોશિયલ મીડિયામાં અંગ્રેજી લિપીમાં ગુજરાતી પોસ્ટમાં લખ્યું છે કે, વિજલપોરની જનતા મારા ભાઈઓ બહેનો મારા વોર્ડના તમામ જાગૃત જનતાને મારી અપીલ છે કે આર.સી. પટેલ સાહેબ વિનર થઇ જાય આ વિધાનસભાની ચૂંટણીમાં તો આ ચોર લોકો પાસેની જતા ડાયરેક્ટ આર.સી. પટેલ સાહેબ પાસે જજો કેમ કે આર.સી. સાહેબને આ બંને લોકોએ બદનામ કર્યો છે. ચોર છે આ બંને. હું પોતે સબુતમાં છું.. આ લોકો પાસે કંઈ ની હતું. મને કેતા આને મારી આવ એને મારી આવ સાહેબે કીધું છે તારો ધંધો ચાલુ થઇ જશે. કોઈ ધંધો કરવો હોય દારૂનો કે જુગારનો વિજલપોરમાં તો શ્રી મુકેશભાઈ કાનગુડે એન્ડ શ્રી બબલુ શર્માને મળો બધું સેટિંગ થઇ જશે. પ્લીઝ ડાયરેક્ટ મળો. કોઈ એજન્ટ નથી હવે નો હેલ્પ લાઈન. પ્લીઝ ડીરેક્ટ કોન્ટેક્ટ સરજી આર.સી. પટેલ સાહેબ….

પોસ્ટ વાઇરલ કરનાર પૂર્વ નગરસેવક વિરૂદ્ધ મારામારીના ઘણા ગુના
જો કે આ પોસ્ટ વાઇરલ થયા બાદ કેટલાક ભાજપી અગ્રણીઓ વિજલપોર પોલીસ મથકે ગુનો નોંધાવા માટે પહોચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ એ પણ નોંધવું રહ્યું કે, પોસ્ટ મુકનાર પૂર્વ નગરસેવક જ્યોતિન્દ્ર રાજભર વિરૂદ્ધ મારામારીના ઘણા ગુનાઓ નોંધાયા છે. એ રાજભર એક સમયે મુકેશ કાનગુડે અને બબલુ શર્માના નજીકનો હતો. હવે તેણે મુકેશ કાનગુડે અને બબલુ શર્મા વિરૂદ્ધ પોસ્ટ મુકવા પાછળ રહસ્ય કેમ મળ્યું એ પણ એક રહસ્ય છે.

Most Popular

To Top