Dakshin Gujarat

નવસારીના ગેટ-વે ફાર્મમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા સુરતના 9 લોકો, પોલીસ પહોંચી ગઈ

નવસારી: (Navsari) નવસારી ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે આસુંદર ગામે ફાર્મ હાઉસ (Farm House) પર છાપો માર્યો હતો. અહીં ગેટ-વે ફાર્મમાં દારૂની (Alcohol) મહેફિલ માણતા 9 સુરતીઓને પોલીસે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. પોલીસે અન્ય સામાન તથા 5 કાર મળી કુલ્લે 16,75,375 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

  • નવસારીના આસુંદર ગામના ગેટ-વે ફાર્મમાં દારૂની મહેફિલ માણતા 9 સુરતી ઝડપાયા
  • પોલીસે ખાલી અને અડધી ભરેલી દારૂની બોટલ, 6 મોબાઈલ અને 5 કાર મળી 16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, આસુંદર ગામની સીમમાં આવેલા ગેટ વે ફાર્મમાં કેટલાક ઈસમો ભેગા મળી દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે જઈ છાપો મારતા ગેટ વે ફાર્મમાં આવેલા બંગલા નં. એ/9 સુરેશભાઈ જશવંતભાઈ જરીવાલાના મકાનની સામે ગાર્ડનમાં ખુલ્લી જગ્યામાં 9 જેટલા ઈસમો જાહેરમાં બેસી વિદેશી દારૂ પીતા મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. જેમાં સુરત સલાબતપુરા ઈચ્છા દોશીની વાડીમાં રહેતા સંદિપભાઈ સુરેશચંદ્ર જરીવાલા, સુરેશભાઈ જશવંત જરીવાલા, સુરત અલથાણ વસંત વિહાર સોસાયટીમાં રહેતા પરિમલ નવીનચંદ્ર જરીવાલા, સુરત ઉધના જીવન જ્યોત સિનેમા આશીર્વાદ સોસાયટીમાં રહેતા અજયભાઈ પ્રાણલાલ કાપડિયા, સુરતના સગરામપુરા કલ્પ ઋષિ પેલેસ નર્સિંગ શેરીમાં રહેતા અમિત જગદીશચંદ્ર કાપડિયા ઝડપાયા હતા.

સાથે જ સુરત ચોર્યાસી ગોડાદરા રોડ પર મહેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા નવીનભાઈ મગનભાઈ કાપડિયા, સુરત ઉધના નવાગામ ઓમકાર રેસીડન્સીમાં રહેતા પંકજભાઈ વિનેશચંદ્ર ડોક્ટરવાળા, સુરત ઉધના દરવાજા સગરામપુરા મેઈન રોડ સેન્ટ્રલ બેંકની પાસે રહેતા પિયુષભાઈ નિરંજનભાઈ જરીવાલા અને ઉધનાના આચાર્ય પાર્કમાં રહેતા ગણેશભાઈ અમરતભાઈ જરીવાલાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 3,375 રૂપિયાની ખાલી અને અડધી ભરેલી વિદેશી દારૂની બોટલ, 72 હજાર રૂપિયાના 6 મોબાઈલ અને 16 લાખ રૂપિયાની 5 કાર મળી કુલ્લે 16,75,375 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top