Dakshin Gujarat

નવસારી પાસે નેશનલ હાઈવે પર ટાયર ફાટ્યા બાદ ડીવાઈડર સાથે અથડાતા ટ્રકમાં આગ લાગી

નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway) ઉપર વેસ્મા ગામ પાસે ટ્રકનું ટાયર ફાટતા ટ્રક (Truck) ડીવાઈડર સાથે અથડાયા બાદ ટ્રકમાં આગ (Fire) લાગી હતી. જેથી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક (Traffic) જામની સમસ્યા સર્જાઈ હતી.

  • ટાયર ફાટ્યા બાદ ડીવાઈડર સાથે અથડાતા ટ્રકમાં આગ લાગી
  • નવસારીના વેસ્મા ગામ પાસે ટ્રકમાં આગ લાગતા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા

મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે નં. 48 ઉપર રોજ હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. ત્યારે અકસ્માતો પણ થતા રહે છે. આજે બપોરે નેશનલ હાઈવે નં. 48 ઉપર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પરથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે વેસ્મા ગામ પાસે તે ટ્રકનું ટાયર ફાટી ગયું હતું. જેના પગલે ટ્રકના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક ડીવાઈડર સાથે અથડાઈ જતા પલ્ટી ગયો હતો. જોકે ટ્રકના ચાલકનો આબાદ બચાવ થયો હતો.

પરંતુ અચાનક પલ્ટી ગયેલા ટ્રકમાં આગ લાગી જતા હાઈવે પર લોકોમાં ભય જોવા મળ્યો હતો. જોકે આ ઘટનાની જાણ નવસારી ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ટ્રકની આગ કાબુમાં લીધી હતી. બીજી તરફ આ ઘટનાને પગલે એક તરફનો હાઈવે બંધ કરી દેતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જોકે પોલીસે ટ્રાફિક હળવો કર્યો હતો.

નવસારીના એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી
નવસારી : નવસારીના એપાર્ટમેન્ટના ફ્લેટમાં આગ લાગતા અફરા-તફરી મચી હતી. આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, નવસારીના વાજપાઇ ગાર્ડન પાસે સ્થાપત્ય એપાર્ટમેન્ટ આવ્યું છે. જે એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા ફ્લેટ નં. 104 માં આગ લાગી હતી. જેના પગલે અફરા-તફરી મચી જવા પામી હતી. જોકે સ્થાનિકોએ તાત્કાલિક નવસારી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ પાણીનો બમ્બો લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે ફ્લેટમાં તપાસ કરતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાયું હતું.

Most Popular

To Top